Degree Engineering Admission: રાજ્યમાં ઈજનેરીની 79544 બેઠકો પર પ્રવેશ પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે પ્રવેશ કમિટી ACPC દ્વારા આ વર્ષે નવી ઓનલાઈન સિસ્ટમ ગોઠવવામાં આવી છે. ACPC એ ખાસ સ્પેશિયલ ઓનલાઈન ચોઈસ ફિલિંગ માર્ગદર્શન મોડ્યુલ અને AI ચેટબોટ હેલ્પલાઈનની શરુઆત કરી છે. આ વ્યવસ્થાને કારણે હવે વિદ્યાર્થીઓ ઘરે બેઠા તમામ માહિતી મેળવી શકશે.
AI ચેટબોટથી શું ફાયદો થશે?
વિદ્યાર્થીઓ પ્રવેશ કમિટીની સત્તાવાર વેબસાઇટ પર જઈને 'AI હેલ્પલાઇન' પર ક્લિક કરીને શ્રાવ્ય (બોલીને) માધ્યમથી નીચે મુજબની માહિતી મેળવી શકશે:
- કોલેજોની કુલ સંખ્યા અને નામ
- ઉપલબ્ધ બેઠકોની વિગતો
- ચોઇસ ફીલિંગ પ્રક્રિયાનું સંપૂર્ણ મૌખિક માર્ગદર્શન
હેલ્પલાઇન નંબર: જો વિદ્યાર્થીઓ ફોન દ્વારા માહિતી મેળવવા માંગતા હોય, તો તેઓ ACPCના સત્તાવાર નંબર +91-79-26566000 પર સંપર્ક કરી શકે છે.
ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓને મોટો લાભ
મેરિટ લિસ્ટ જાહેર થયા પછી અવારનવાર વિદ્યાર્થીઓ અને વાલીઓમાં કોલેજ અને બ્રાન્ચ પસંદ કરવા અંગે મૂંઝવણ જોવા મળતી હોય છે.
ACPC ના સેક્રેટરી મેમ્બર નિલય ભૂપતાણીના જણાવ્યા મુજબ, મેરિટ જાહેર થયા પછી વિદ્યાર્થીઓ અને વાલીઓને કોલેજ અને બ્રાન્ચની પસંદગી અંગે મૂંઝવણ રહેતી હોય છે. તેના કાયમી ઉકેલ માટે આ ઓનલાઈન વ્યવસ્થા ગોઠવાઈ છે. જેનો સીધો ફાયદો અંતરિયાળ ગ્રામ્ય પંથકના વિદ્યાર્થીઓને પ્રાપ્ત થશે.
ડિગ્રી ઇજનેરીમાં ઉપલબ્ધ મુખ્ય 30+ બ્રાન્ચ
આ વર્ષે વિદ્યાર્થીઓ માટે 30થી વધુ બ્રાન્ચ ઉપલબ્ધ છે, જેમાં મુખ્ય બ્રાન્ચ નીચે મુજબ છે:
- પરંપરાગત બ્રાન્ચ: સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઓટોમોબાઇલ, ટેક્સટાઇલ, કેમિકલ, રબર ટેક્નોલોજી.
- કોમ્પ્યુટર અને આઇટી ક્ષેત્ર: કમ્પ્યુટર સાયન્સ, આઇટી (ઇન્ફોર્મેશન ટેક્નોલોજી), આઇસીટી (ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેક્નોલોજી).
- આધુનિક ટેક્નોલોજી: ડેટા સાયન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મશીન લર્નિંગ (AIML), રોબોટિક્સ.
- ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્ર: EC (ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન), IC (ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ).
વેબસાઇટ પર માર્ગદર્શન મેળવવાની સરળ રીત
વિદ્યાર્થીઓએ માર્ગદર્શન મેળવવા માટે સત્તાવાર વેબસાઇટ acpc.gujarat.gov.in પર જઈને નીચેના સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે:
- AI હેલ્પલાઇન: વેબસાઇટ પર 'ચોઇસ ફીલિંગ મોડ્યુલ' માં જઈ 'AI હેલ્પલાઇન' પર ક્લિક કરવાથી શ્રાવ્ય (Audio) માધ્યમથી ગાઇડન્સ મળશે.
- કોલેજ ફિલ્ટર સેક્શન: તમારી જરૂરિયાત મુજબ બ્રાન્ચ, શહેર, ઇન્સ્ટિટ્યુટ ટાઇપ (સરકારી/પ્રાઇવેટ) અને મેક્સિમમ ક્લોઝિંગ રેન્ક સેટ કરીને કોલેજ શોધો.
- ક્લોઝિંગ રેન્ક ચેક કરો: તમારી કેટેગરી પ્રમાણે કઈ કોલેજમાં કયો રેન્ક અટક્યો હતો તેની કાળજીપૂર્વક વિગતો જુઓ.
- કોલેજ કમ્પેરિઝન: વેબસાઇટના 'કમ્પેર પેજ' પર જઈને તમે બે કે તેથી વધુ કોલેજોની વિગતો અને સુવિધાઓ એક સાથે સરખાવી શકો છો.
