Gujarat Board Schools Academic Calendar 2026–27: આજે 8 જૂન, 2026થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) 2026-27 ના નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે. આ નવા કેલેન્ડરની સૌથી મહત્વની જાહેરાત મુજબ, આ શૈક્ષણિક સત્રમાં ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાઓ દર વર્ષ કરતા વહેલી એટલે કે 25 ફેબ્રુઆરી, 2027 થી શરૂ થઈ જશે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓને દિવાળીમાં 21 દિવસની લાંબી રજાઓ માણવા મળશે.
શૈક્ષણિક સત્ર અને વેકેશનનો સમયગાળો
નવા શૈક્ષણિક કેલેન્ડર અનુસાર, સમગ્ર વર્ષ દરમિયાન કુલ 244 કાર્યકારી દિવસો રહેશે, જેમાંથી 4 સ્થાનિક રજાઓ બાદ કરતાં કુલ 240 દિવસ પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય ચાલશે. સમગ્ર વર્ષ દરમિયાન રવિવાર અને જાહેર રજાઓ મળીને કુલ 80 દિવસનું વેકેશન/રજાઓ રહેશે.
ગુજરાતની શાળાઓમાં શૈક્ષણિક વર્ષ 2026-27નું પ્રથમ સત્ર 8 જૂન, 2026થી શરૂ થઈ 4 નવેમ્બર, 2026 સુધી ચાલશે, જેમાં કુલ 120 શૈક્ષણિક દિવસો રહેશે. ત્યારબાદ વિદ્યાર્થીઓને 5 નવેમ્બરથી 25 નવેમ્બર, 2026 સુધી 21 દિવસનું દિવાળી વેકેશન મળશે. વેકેશન પૂર્ણ થયા બાદ બીજું શૈક્ષણિક સત્ર 26 નવેમ્બર, 2026થી શરૂ થઈ 2 મે, 2027 સુધી ચાલશે, જેમાં કુલ 124 શૈક્ષણિક દિવસોનો સમાવેશ થશે. ત્યારબાદ 3 મેથી 6 જૂન, 2027 સુધી 35 દિવસનું ઉનાળુ વેકેશન રહેશે. આ શૈક્ષણિક વર્ષ પૂર્ણ થયા બાદ નવું શૈક્ષણિક વર્ષ 2027-28નો પ્રારંભ 7 જૂન, 2027થી થશે.
પરીક્ષાઓનું સંપૂર્ણ ટાઈમટેબલ અને મહત્વની તારીખો
વિદ્યાર્થીઓ અને વાલીઓ પોતાની તૈયારીઓ અગાઉથી આયોજિત કરી શકે તે માટે બોર્ડ દ્વારા પ્રથમ પરીક્ષાથી લઈને પૂરક પરીક્ષા સુધીની તમામ તારીખો નીચે મુજબ જાહેર કરવામાં આવી છે.
| પરીક્ષાનું નામ | ધોરણ / પ્રવાહ | તારીખ |
| પૂરક પરીક્ષા | ધોરણ 10 અને 12 | 11 જૂન થી 22 જૂન, 2026 |
| પ્રથમ પરીક્ષા | ધોરણ 9 થી 12 (તમામ પ્રવાહ) | 22 ઓક્ટોબર થી 2 નવેમ્બર, 2026 |
| પ્રિલિમ અને દ્વિતીય પરીક્ષા | ધોરણ 9 થી 12 (તમામ પ્રવાહ) | 18 જાન્યુઆરી થી 28 જાન્યુઆરી, 2027 |
| પ્રખરતા શોધ કસોટી | ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે | 30 જાન્યુઆરી, 2027 |
| મુખ્ય બોર્ડ પરીક્ષા | ધોરણ 10 અને 12 | 25 ફેબ્રુઆરી થી 17 માર્ચ, 2027 |
| વાર્ષિક પરીક્ષા | ધોરણ 9 અને 11 | 5 એપ્રિલ થી 20 એપ્રિલ 2027 |
