Gujarat State Curriculum Framework 2026: રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, 2020 ના અમલીકરણના ભાગરૂપે ગુજરાતની શિક્ષણ પદ્ધતિમાં ક્રાંતિકારી બદલાવ આવવા જઈ રહ્યો છે. રાજ્યના શિક્ષણ વિભાગ અને GCERT દ્વારા તૈયાર કરવામાં આવેલ સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક (SCF), 2026 ટૂંક સમયમાં સરકાર જાહેર કરશે. આગામી શૈક્ષણિક વર્ષ 2026-28 થી તેનો તબક્કાવાર અમલ શરૂ થશે, જેના કારણે રાજ્યની શિક્ષણ પ્રણાલી, મૂલ્યાંકન અને બોર્ડની પરીક્ષામાં મોટા ફેરફારો જોવા મળી શકે છે.
પાસ-નાપાસની જગ્યાએ આવશે HPC
નવા ફ્રેમવર્ક મુજબ હવે મૂલ્યાંકન પદ્ધતિ માત્ર લેખિત પરીક્ષાઓ પૂરતી મર્યાદિત નહીં રહે. ધોરણ 1થી 8માં અત્યાર સુધી અપાતા પાસ-નાપાસના એક પેજના પરિણામને રદ કરીને તેના સ્થાને 15-20 પેજનું હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ (HPC) તૈયાર કરવામાં આવશે. આ કાર્ડ બાળકના સર્વાંગી વિકાસ એટલે કે તેના શારીરિક, ભાવનાત્મક અને જ્ઞાનાત્મક પાસાનું પ્રતિબિંબ આપશે.
આ એક 360 ડિગ્રી મૂલ્યાંકન પત્રક હશે. જેમાં માત્ર શિક્ષક જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓ પોતાનું સ્વ-મૂલ્યાંકન કરશે, અને સાથે જ સહપાઠી મિત્રો તથા વાલીઓના મૂલ્યાંકનનો પણ સમાવેશ કરવામાં આવશે. આનાથી બાળકના વિશ્લેષણ, વિવેચનાત્મક ચિંતન અને સમસ્યા ઉકેલ જેવા કૌશલ્ય માપી શકાશે.
નવા માળખા હેઠળ કેવું શિક્ષણ મળશે?
- નર્સરીથી ધોરણ 2: આ પાયાના તબક્કામાં શિક્ષણ સંપૂર્ણપણે રમત-ગમત, પ્રવૃત્તિ અને પ્રયોગ આધારિત રહેશે.
- ધોરણ 3 થી 5: વિદ્યાર્થીઓને ભાષા, ગણિત અને પર્યાવરણ શિક્ષણનો પરિચય અપાશે. જેમાં રમત, શોધખોળ અને પ્રવૃત્તિ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાશે.
- ધોરણ 6 થી 8: સામાન્ય વિષયોની સાથે સૌથી મોટો બદલાવ લાવીને વ્યવસાયલક્ષી શિક્ષણ (Vocational Education) નો ફરજિયાત સમાવેશ કરવામાં આવ્યો છે.
ધોરણ 9 થી 12: વિષય પસંદગીની આઝાદી
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તબક્કાની સૌથી મોટી વિશેષતા એ છે કે હવે વિદ્યાર્થીઓ પર સાયન્સ, કોમર્સ કે આર્ટસ જેવા પરંપરાગત પ્રવાહો (Streams) નું કોઈ દબાણ રહેશે નહીં. બહુ-વિષયક શિક્ષણને પ્રોત્સાહન અપાશે, જેમાં વિદ્યાર્થીઓને વિવિધ વિષય જૂથોમાંથી પોતાની પસંદગીના વિષયો પસંદ કરવાની છૂટ મળશે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓના તણાવને ઘટાડવા માટે તેને ગોખણપટ્ટીથી દૂર કરીને વધુ સરળ, તાર્કિક અને ક્ષમતા-આધારિત બનાવવામાં આવશે.
આ પણ વાંચો: CBSE બોર્ડનો મોટો નિર્ણય: ધોરણ 9-10 માટે ત્રણ ભાષાનો અભ્યાસ ફરજિયાત, 1 જુલાઈથી નવો નિયમ લાગુ
આ મહત્ત્વપૂર્ણ ફેરફારો સાથે વર્ષ 2026-27 થી ધોરણ 1 થી 3 અને ધોરણ 9 માં નવા બદલાયેલા પાઠ્યપુસ્તકો પણ દાખલ કરવામાં આવશે. વધુમાં, આ નવી શિક્ષણ પ્રણાલીના યોગ્ય અમલીકરણ માટે શિક્ષકોને ખાસ અલાયદી તાલીમ પણ આપવામાં આવશે.
NCERT દ્વારા નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક
આપને જણાવી દઈએ કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, 2020 (NEP) ના ભાગરૂપે NCERT દ્વારા નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક, 2023 તૈયાર કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે NCERT દ્વારા તૈયાર કરાતી માર્ગદર્શિકાનો સીધો અમલ ગુજરાતના શિક્ષણ વિભાગમાં થતો હતો. પરંતુ સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક (SCF) તૈયાર કરવા માટે GCERT દ્વારા વર્ષ 2024 માં જુદી જુદી ત્રણ કમિટી બનાવવામાં આવી હતી.
