Maharashtra Board Exams Upate: મહારાષ્ટ્ર શિક્ષણ બોર્ડે SSC અને HSC બોર્ડ પરીક્ષાઓને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આગામી બોર્ડ પરીક્ષાઓથી પ્રશ્નપત્રો સીધા પરીક્ષા કેન્દ્રો પર ઈમેલ મારફતે મોકલવામાં આવશે અને પરીક્ષા શરૂ થાય તે પહેલાં સ્થળ પર જ તેની પ્રિન્ટ કાઢવામાં આવશે. બોર્ડનો આ નિર્ણય પેપર લીકની ઘટનાઓને રોકવા અને પરિવહન ખર્ચ ઘટાડવાના હેતુથી લેવામાં આવ્યો છે.
વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ છપાશે પ્રશ્નપત્ર
નવી વ્યવસ્થા હેઠળ પ્રશ્નપત્રો પરીક્ષા કેન્દ્રોને ડિજિટલ સ્વરૂપમાં મોકલવામાં આવશે. ત્યારબાદ કેન્દ્રો પર હાજર વિદ્યાર્થીઓની સંખ્યા અનુસાર જરૂરી નકલો તરત જ પ્રિન્ટ કરવામાં આવશે. બોર્ડનું માનવું છે કે આ પ્રક્રિયા અમલમાં આવ્યા બાદ પ્રશ્નપત્રોના પરિવહન અને સંગ્રહ દરમિયાન થતી ગેરરીતિઓ તેમજ પેપર લીકની સંભાવનાઓમાં નોંધપાત્ર ઘટાડો થશે.
આ માટે રાજ્ય બોર્ડ દ્વારા પરીક્ષા કેન્દ્રોને કમ્પ્યુટર, પ્રિન્ટર, વિશેષ સોફ્ટવેર અને Wi-Fi કનેક્ટિવિટી સહિતની જરૂરી ડિજિટલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
જુલાઈ 2026માં શરૂ થશે પાયલોટ પ્રોજેક્ટ
પુણેમાં યોજાયેલી સંયુક્ત બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બોર્ડે માહિતી આપી છે કે નવી સિસ્ટમનો પ્રથમ તબક્કો જુલાઈ 2026માં યોજાનારી પૂરક પરીક્ષાઓ દરમિયાન અમલમાં મૂકવામાં આવશે. સૌપ્રથમ પુણેના ગ્રામ્ય વિસ્તારોમાં પાયલોટ પ્રોજેક્ટ ચલાવવામાં આવશે. જો આ પ્રયોગ સફળ રહેશે તો બાદમાં સમગ્ર મહારાષ્ટ્રમાં આ વ્યવસ્થા લાગુ કરવામાં આવશે.
પેપર લીકની ઘટનાઓ બાદ લેવાયો નિર્ણય
તાજેતરના સમયમાં મહારાષ્ટ્ર બોર્ડની પરીક્ષાઓ દરમિયાન પેપર લીકના અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા. નાગપુરના એક પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા શરૂ થવાના થોડા સમય પહેલાં જ રસાયણશાસ્ત્રનું પ્રશ્નપત્ર વોટ્સએપ ગ્રુપમાં વાયરલ થયું હતું.
આ ઉપરાંત ધોરણ 10ના ગણિત વિષયના ભાગ-I અને ભાગ-IIના પ્રશ્નપત્રો પણ પરીક્ષા પહેલા ટેલિગ્રામ ગ્રુપમાં લીક થયાના અહેવાલો સામે આવ્યા હતા. રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી પણ આવી અનેક ઘટનાઓ નોંધાતા બોર્ડે સુરક્ષા વ્યવસ્થામાં મોટા ફેરફારો કરવાનો નિર્ણય લીધો છે.
