Gujarat Assembly Election 2022:
ભાજપે હજી 4 વિધાનસભા સીટના ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી. આ ચાર વિધાનસભા સીટમાં ગાંધીનગરની માણસા, મહેસાણાની ખેરાલુ, વડોદરાની માંજલપુર અને ગરબાડા વિધાનસભા સીટનો સમાવેશ થાય છે. ભાજપે ઉમેદવાર જાહેર એટલા માટે નથી કર્યા કારણ કે, જ્ઞાતિ સમીકરણને લઈને આ બેઠકો પર ઉમેદવારની ગોઠવણ થઈ શકી નથી.
માણસા બેઠક અને ખેરાલુ બેઠક એક બીજા સાથે જોડાયેલી છે. માણસા બેઠક પર અત્યાર સુધી ભાજપે ચૌધરી સમાજના ઉમેદવારને ટિકિટ આપી છે. જો કે, 2022 વિધાનસભા ચૂંટણી માટે ભાજપે સમીકરણો બદલ્યા છે. ભાજપે કલોલ બેઠક પર બકાજી ઠાકોરને ટિકિટ આપી છે.
આમ તો કલોલ બેઠક પર જ્ઞાતિ સમીકરણના આધારે ભાજપ પાટીદાર ઉમેદવારને ટિકિટ આપે છે. પરંતુ 2022માં ભાજપે કોંગ્રેસના બળદેવ ઠાકોર સામે ઠાકોર સમાજના ઉમેદવારને ટિકિટ આપી છે. આથી કલોલ બેઠક પર પાટીદાર સમાજનો ઉમેદવાર કપાયા છે. આથી ગાંધીનગર જિલ્લાની અન્ય બેઠક પર પાટીદાર ઉમેદવારને ટિકિટ અપાવી પડે તેવી સ્થિતિ છે.
જો કે, પાટીદાર ઉમેદવારને ટિકિટ આપી શકાય એવી હવે માણસા સીટ છે. પરંતુ માણસા સીટ પર ભાજપ પાટીદાર ઉમેદવારને ટિકિટ આપે તો ચૌધરી સમાજના ઉમેદવારની ટિકિટ કપાય. 2022માં ભાજપે માણસા સીટ જીતવા માટે પાટીદાર ઉમેદવારને ટિકિટ આપવાનું નક્કી કર્યું છે.
પાટીદાર સમાજના જયેશ પટેલ અને અનિલ પટેલ એમ બે પ્રબળ ઉમેદવાર છે. પરંતુ માણસા સીટ પરથી ચૌધરી સમાજના અમિત ચૌધરી પણ પ્રબળ દાવેદાર છે. ભાજપ ચૌધરી સમાજના ઉમેદવારની ટિકિટ કાપે તો ચૌધરી સમાજ નારાજ થાય. આમ પણ વિપુલ ચૌધરીને લીધે ચૌધરી સમાજમાં ભાજપ પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે.
ચૌધરી સમાજની જ્ઞાતિ સમીકરણના આધારે ટિકિટ વહેંચણીમાં માણસા સીટ પરથી ભાજપ ટિકિટ કાપે તો મહેસાણાની ખેરાલુ સીટ પરથી ચૌધરી સમાજના ઉમેદવારને ટિકિટ આપવી પડે. ભાજપે ખેરાલુ બેઠક પર રેખાબેન ચૌધરીને ટિકિટ આપવાનું નક્કી કર્યું છે. પરંતુ ખેરાલુ બેઠક પરથી રેખાબેનને ટિકિટ આપવામાં આવે તો ઠાકોર સમાજના ઉમેદવારની ટિકિટ કપાય તેવી સ્થિતિ છે.
પરંતુ માણસા અને ખેરાલુ સીટ પર હવે કોકળું અમિત ચૌધરીની ટિકિટની લઈને ગુંચવાયું છે. અમિત ચૌધરીના સમર્થકો માણસા સીટ પરથી ટિકિટની માગણી કરી રહ્યા છે. જ્યારે પાટીદારમાં પણ માણસા સીટ પર જયેશ પટેલ અને અનિલ પટેલના સમર્થકોમાં ભાગલા પડ્યા છે. જ્યાં સુધી માણસા સીટ અને ખેરાલુ સીટ પર ડેમેજ કંટ્રોલ ના થાય ત્યાં સુધી ભાજપ ટિકિટ જાહેર નહિ કરે.
વડોદરાની માંજલપુર સીટ પર પણ હજી સુધી ભાજપે ઉમેદવારની જાહેરાત કરી નથી. માંજલપુર બેઠક પર પૂર્વ મંત્રી યોગેશ પટેલ ચૂંટણી લડતા આવ્યા છે. યોગેશ પટેલ સામાજિક વર્ચસ્વ ધરાવે છે અને માંજલપુર બેઠકના પ્રબળ દાવેદાર પણ છે. પરંતુ ભાજપે 2022માં જીત માટે કેટલાક સમીકરણો બદલ્યા છે. પૂર્વ મંત્રીઓની પણ ટિકિટ કાપી છે.
હવે માંજલપુર બેઠક પર યોગેશ પટેલના સ્થાને સક્ષમ ઉમેદવારને ટિકિટ આપવી ભાજપ માટે જરૂરી બની ગઈ છે. જો કે, આ બેઠક પરથી ભાજપ પાટીદાર ઉમેદવારને ચૂંટણી લડાવે છે. યોગેશ પટેલને લીધે માંજલપુર બેઠક પર હજી ભાજપ ઉમેદવાર જાહેર કરી શકી નથી.
જાણો આ 4 બેઠકોની રસપ્રદ વિગતો
