અમદાવાદ મનપા દ્વારા કોમર્શિયલ પ્લોટની હરાજી, બોડકદેવના બે પ્લોટ અધધ રૂ. 365.77 કરોડમાં વેચાયા

બોડકદેવ વોર્ડના બે કોમર્શિયલ પ્લોટના વેચાણ માટે હરાજી થઈ હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 07 May 2026 04:17 PM (IST)Updated: Thu, 07 May 2026 04:17 PM (IST)
ahmedabad-bodakdev-commercial-plot-auction-amc-earns-rs-365-crore
HIGHLIGHTS
  • બોડકદેવમાં 2 કોમર્શિયલ પ્લોટ વેચાયા

  • અમદાવાદ મનપાને ₹365 કરોડની કમાણી

Ahmedabad Plot Auction: અમદાવાદ શહેરમાં ખાનગી પ્લોટની અછતના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના પ્લોટ ખૂબ ઊંચી કિંમતે વેચાઈ રહ્યા છે. શહેરના પ્રીમિયમ ગણાતા બોડકદેવ વિસ્તારમાં આવેલા બે કોમર્શિયલ પ્લોટના વેચાણ થકી અમદાવાદ મહાનગરપાલિકા તંત્રને કુલ રૂ. 365.77 કરોડની માતબર આવક થઈ છે.

બેઝિક ભાવ કરતાં ઊંચી કિંમત ઉપજી

અમદાવાદ મહાનગરપાલિકાના એસ્ટેટ ખાતા દ્વારા બોડકદેવ વોર્ડના બે કોમર્શિયલ પ્લોટ માટે વેચાણની બેઝિક કિંમત પ્રતિ ચોરસ મીટર રૂ. 2.52 લાખ નક્કી કરવામાં આવી હતી. જોકે, આ હરાજીમાં એક પ્લોટ તેની નક્કી કરાયેલી બેઝિક કિંમત કરતાં રૂ. 64,111 વધુ ભાવે એટલે કે રૂ. 3.16 લાખ પ્રતિ ચોરસ મીટરના ઊંચા દરે વેચાયો હતો. જ્યારે બીજો પ્લોટ તેના બેઝિક ભાવે વેચાયો હતો.

કોણે અને કેટલામાં ખરીદ્યા પ્લોટ?

આ હરાજીમાં મુકાયેલા બંને પ્લોટ બોડકદેવની TP-50 માં આવેલા છે.

પ્લોટ 1: બોડકદેવ TP-50, ફાઇનલ પ્લોટ નં. 353 પૈકી 1

  • વિસ્તાર: કુલ 8167 ચોરસ મીટરનો પ્લોટ
  • ખરીદદાર: શિલ્પ ઇન્ફ્રા પ્રોજેક્ટસ પ્રાઇવેટ લી.
  • કિંમત: રૂ. 2.52 લાખ પ્રતિ ચો.મી. લેખે રૂ. 205.89 કરોડમાં વેચાયો

પ્લોટ 2: બોડકદેવ TP-50, ફાઇનલ પ્લોટ નં. 353 પૈકી 2

  • વિસ્તાર: કુલ 5058 ચોરસ મીટરનો પ્લોટ
  • ખરીદદાર: સોહમ એન્ટરપ્રાઇસ
  • કિંમત: રૂ. 3.16 લાખ પ્રતિ ચોરસ મીટર લેખે રૂ. 159.88 કરોડ

આ બંને પ્લોટ કોમર્શિયલ હોવાથી ત્યાં ફક્ત કોમર્શિયલ પ્રકારના બાંધકામ જ થઈ શકશે. અમદાવાદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં કોર્પોરેશનના અન્ય વેચાણપાત્ર પ્લોટ પણ આ રીતે સારી કિંમતે વેચાય જવાની પ્રબળ શક્યતા છે.

શા માટે કરવામાં આવે છે પ્લોટની હરાજી?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય આવક ટેક્સ મારફતે થાય છે, પરંતુ શહેરના વિવિધ પ્રકારના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પાર પાડવા અને રોજબરોજના વધતા જતા ખર્ચને પહોંચી વળવા માટે કોર્પોરેશન આવકના નવા સ્ત્રોત ઉભા કરે છે. આ માટે અમદાવાદ મનપાને TP સ્કીમ અંતર્ગત મળતા રહેણાંક અને કોમર્શિયલ હેતુના રિઝર્વેશન પ્લોટની જાહેર હરાજી કરી વેચાણ કરવામાં આવે છે. આ જ હેતુથી કોર્પોરેશન દ્વારા સિંધુભવન અને બોડકદેવના પ્લોટ વેચાણ માટે મૂકવામાં આવ્યા હતા.