AMCના થલતેજ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરના તબીબોએ જટિલ હર્નિયાની સફળ સર્જરી કરી, 10 વર્ષથી દર્દથી કણસતા દર્દીને પીડામાં રાહત

રાજસ્થાનના વતની અને અમદાવાદમાં બાંધકામ સાઈટ પર કડિયા કામ કરતા ગોવિંદભાઈ 10 વર્ષથી ઈન્ગ્યુનોસ્ક્રોટલ હર્નિયાની સમસ્યાથી પીડાઈ રહ્યા હતા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 17 Jun 2026 07:17 PM (IST)Updated: Wed, 17 Jun 2026 07:17 PM (IST)
ahmedabad-news-doctors-at-amcs-thaltej-community-health-center-successfully-perform-complex-hernia-surgery
HIGHLIGHTS
  • હોસ્પિટલમાં આવેલા દર્દીનો હર્નિયાનો મોટો આકાર જોઈને ડૉક્ટરો ચોંક્યા

Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના (AMC) થલતેજ વોર્ડ સ્થિત કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC) ખાતે 10 વર્ષથી હર્નિયાની ગંભીર સમસ્યાથી પીડાતા દર્દી 36 વર્ષીય ગોવિંદભાઇ ડામોરની જટિલ અને પડકારજનક સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી હતી. સર્જરી બાદ દર્દીને 10 વર્ષ લાંબા સમયથી ચાલતી પીડામાંથી રાહત મળી છે.

ઉદયપુર જિલ્લાના આંબલિયા ગામના રહેવાસી અને હાલ શીલજ વિસ્તારમાં બાંધકામ સાઇટ પર કડિયાકામ કરીને જીવનનિર્વાહ કરતા ગોવિંદભાઈ ધર્માલાલ હકરા ડામોર છેલ્લા 10 વર્ષથી ઇન્ગ્યુનોસ્ક્રોટલ હર્નિયાની સમસ્યાથી પીડાઈ રહ્યા હતા. દર્દીને લાંબા સમયથી જમણી બાજુએ મોટી હર્નિયાની તકલીફ હતી, જે સમય જતાં વધીને સ્ક્રોટલ ભાગ સુધી પહોંચી ગઈ હતી.

થલતેજ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરના તબીબ ડૉ. હરીશે દર્દીની તપાસ અને નિદાન દરમિયાન તેમને ‘રાઇટ લાર્જ કમ્પ્લીટ ઇરિડ્યુસિબલ ઇન્ગ્યુનોસ્ક્રોટલ હર્નિયા’ હોવાનું નિદાન કર્યું હતું. જે બાદ દર્દીની સર્જરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ડૉ. હરીશે જણાવ્યું હતું કે, દર્દી હોસ્પિટલમાં આવ્યા ત્યારે હર્નિયાનો આકાર ખૂબ મોટો હતો અને તે સ્ક્રોટલ ભાગ સુધી વિસ્તરી ગયો હતો. આ કારણે સર્જરી અત્યંત જટિલ અને પડકારજનક બની હતી. સર્જરીની પ્રક્રિયા આશરે દોઢ કલાક સુધી ચાલી હતી. હર્નિયાની લંબાઈ અને તેની ગંભીરતાને કારણે તબીબી ટીમ માટે આ સર્જરી એક પડકારરૂપ કેસ હતો, તેમ છતાં સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.

દર્દીની ‘રાઇટ ઇન્ગ્યુનલ હર્નિયોપ્લાસ્ટી’ (Inguinal Hernioplasty) સર્જરી ડૉ. હિતેશ પટેલ દ્વારા કરવામાં આવી હતી, જ્યારે એનેસ્થેશિયાની જવાબદારી ડૉ. મોનિકા શાહે સંભાળી હતી. સર્જરી દરમિયાન તબીબી ટીમે તમામ જરૂરી તકેદારીઓ સાથે દર્દીને સફળ સારવાર પૂરી પાડી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ હેઠળ કાર્યરત થલતેજ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં કરવામાં આવેલી આ સફળ સર્જરી સરકારી આરોગ્ય સેવાઓની ગુણવત્તા અને તબીબી નિપુણતાનું ઉત્તમ ઉદાહરણ બની છે. લાંબા સમયથી ગંભીર સમસ્યાથી પીડાતા દર્દીને સફળ સર્જરી દ્વારા નવી રાહત અને સ્વસ્થ જીવન તરફનું એક મહત્વપૂર્ણ પગલું મળ્યું છે.