EV Demand in Ahmedabad
અમદાવાદમાં ઇલેક્ટ્રિક વાહનો (EV) ની લોકપ્રિયતામાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. એક તરફ અમેરિકા-ઈરાન યુદ્ધ હતું, અને બીજી તરફ પેટ્રોલ-ડીઝલની અછત અને તેના ભાવે લોકોની ચિંતામાં વધારો કરી દીધો હતો. જોકે, પેટ્રોલ-ડીઝલની અછત અંગેની અફવા તેમજ મોંઘા ઇંધણને કારણે નાગરિકો હવે લાંબા ગાળાના વિકલ્પ તરીકે ઇલેક્ટ્રિક વાહનો પર ભરોસો મૂકી રહ્યા છે.
ઇલેક્ટ્રિક વાહનોના બુકિંગમાં વધારો
પેટ્રોલ-ડીઝલથી ઈલેક્ટ્રીક ઉર્જા તરફના આ પરિવર્તનને કારણે અમદાવાદ શહેરમાં વાહનોના વેચાણમાં અભૂતપૂર્વ ઉછાળો નોંધાયો છે. તાજેતરના અહેવાલ મુજબ, અમદાવાદમાં સામાન્ય દિવસોમાં જ્યાં 100 ઇલેક્ટ્રિક વાહનોનું બુકિંગ થતું હતું, તાજેતરના દિવસોમાં આ બુકિંગમાં નોંધપાત્ર વધારો થયો છે.
ખાસ કરીને ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરની માંગમાં વધારો થયો છે. અગાઉ જ્યાં રોજ સરેરાશ 15 વાહનો બુક થતા હતા, તે આંકડો હવે રોજનો 50 થી વધુ સુધી પહોંચી ગયો છે. જે દર્શાવે છે કે ઈંધણની અસ્થિરતાથી બચવા માટે અમદાવાદીઓ હવે ઈલેક્ટ્રિક વાહનોને શ્રેષ્ઠ વિકલ્પ માની રહ્યા છે.
ઇલેક્ટ્રિક વાહનો તરફ વળ્યા લોકો?
એક અહેવાલ મુજબ 2025 માં ભારતમાં 23,39,501 ઇલેક્ટ્રિક વાહનો નોંધાયા હતા, જેમાં ગુજરાતમાં અંદાજે 94 હજારની આસપાસ હતા. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય (વાહન) ના ડેટા અનુસાર, ગુજરાતમાં માર્ચ 2026 માં 12,729 EV યુનિટ નોંધાયા હતા, જે ગયા વર્ષના સમાન મહિનામાં 7,252 યુનિટ હતા. સૌથી નોંધપાત્ર વાત છે કે, શુદ્ધ ઇલેક્ટ્રિક વાહનોની (હાઇબ્રિડ સિવાય) માંગ 111 ટકા વધીને 5,271 થી 11,126 યુનિટ થઈ ગઈ.
વેચાણ વધવા પાછળના મુખ્ય કારણો
પશ્ચિમ એશિયામાં ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચેના ભૌગોલિક તણાવને કારણે ઈંધણની અછતની અફવા ફેલાઈ હતી, જેણે લોકોને EV તરફ વળવા પ્રેર્યા છે. આ ઉપરાંત, સરકારની 'PM E-DRIVE' યોજના હેઠળ મળતી સબસિડી પણ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરને સસ્તા અને આકર્ષક બનાવે છે. આ સબસિડી જુલાઈ 2026 સુધી ચાલુ રહેવાની છે. ઓટોમોબાઈલ એસોસિએશન (FADA) ના ગુજરાત ચેરપર્સન પ્રણવ શાહના જણાવ્યા મુજબ, લોકો હવે લાંબા ગાળાની બચત અને માલિકીના ખર્ચને ધ્યાનમાં રાખીને EV ખરીદી રહ્યા છે.
ઇલેક્ટ્રિક વાહનોમાં ટુ-વ્હીલરનો દબદબો
અમદાવાદમાં વેચાતા કુલ ઇલેક્ટ્રિક વાહનોમાં 90% હિસ્સો માત્ર ટુ-વ્હીલરનો છે, જ્યારે ઇલેક્ટ્રિક કાર અને અન્ય મોટા વાહનોનો હિસ્સો 10% ની આસપાસ છે. મધ્યમ વર્ગના પરિવારો પેટ્રોલ પંપના ચક્કર કાપવાને બદલે ઘરે બેઠા ચાર્જ થઈ શકે તેવા ઇ-સ્કૂટરને પ્રાથમિકતા આપી રહ્યા છે.
ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહનોના વપરાશમાં 75 ટકાનો વધારો જોવા મળ્યો છે, જ્યારે રાષ્ટ્રીય સ્તરે આ આંકડો 88 ટકા છે. ચાર્જિંગ સ્ટેશનની અપૂરતી સુવિધાઓ હોવા છતાં, વધતા પેટ્રોલના ભાવથી બચવા માટે અમદાવાદીઓ ઇલેક્ટ્રિક વાહનો તરફ ઝડપથી વળી રહ્યા છે.
