Ahmedabad Traffic Update: SG હાઈવે પર પેલેડિયમ જંક્શનના ચાર રસ્તા બંધ, જાણો નવો રૂટ

ટ્રાફિક ઘટાડવા પેલેડિયમ જંક્શન ખાતે પ્રાયોગિક ધોરણે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 06 Jun 2026 12:45 PM (IST)Updated: Sat, 06 Jun 2026 12:45 PM (IST)
ahmedabad-sg-highway-palladium-junction-traffic-diversion-u-turn

Ahmedabad Palladium intersection closed: અમદાવાદ શહેરના અત્યંત વ્યસ્ત SG હાઈવે પર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે મહાનગરપાલિકા અને ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા પ્રાયોગિક ધોરણે એક નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાફિક વ્યવસ્થાને સુદ્રઢ બનાવવાના હેતુથી પેલેડિયમ જંક્શન ખાતે આવેલા ચાર રસ્તાને બંધ કરી નવો ડાયવર્ઝન આપ્યો છે.

પેલેડિયમ જંક્શન ખાતે સેન્ટ્રલ કટ બંધ થયો

SG હાઇવે પર ટ્રાફિકનો પ્રવાહ અટક્યા વગર સતત ચાલુ રહે તે માટે પ્રાયોગિક ધોરણે પેલેડિયમ જંક્શનના મધ્ય ભાગમાં આવેલા ચાર રસ્તાનો કટ બેરિકેડિંગ બોર્ડ અને ડ્રમ મૂકીને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. આ કટ બંધ થવાથી સિગ્નલ પર વાહનોની લાંબી કતારો લાગતી અટકશે અને વાહનોની ગતિ જળવાઈ રહેશે.

ડબલ યુ-ટર્ન ડાયવર્ઝન કેવી રીતે કામ કરશે?

હવે અહીંથી પસાર થતા વાહનચાલકો સીધા ક્રોસ થવાને બદલે બ્રિજના પિલર નીચે બનાવવામાં આવેલા યુ-ટર્નનો (U-Turn) ઉપયોગ કરવાનો રહેશે. નવી વ્યવસ્થા અનુસાર, વાહનચાલકોની સગવડ માટે બ્રિજના પિલર નીચે બંને બાજુએ આશરે 80 થી 100 મીટરની લંબાઈમાં બે-બે યુ-ટર્ન તૈયાર કરવામાં આવ્યા છે. ચાર રસ્તા પર ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે આ જગ્યાએ ખાસ 'કેપ્સ્યુલ આકારનું' ટ્રાફિક ડાયવર્ઝન અમલમાં મૂકવામાં આવ્યું છે, જેથી વાહનોની અવરજવર સરળતાથી થઈ શકે.

પ્રયોગ સફળ રહેશે તો કાયમી અમલ કરાશે

હાલમાં આ વ્યવસ્થા માત્ર પ્રાયોગિક (Experimental) ધોરણે શરૂ કરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન વાહનચાલકોને પડનારી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને જરૂરી અન્ય સુવિધાઓ અને સુધારા પણ તબક્કાવાર કરવામાં આવશે.

આ નવા ડાયવર્ઝન બાદ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકના પ્રવાહનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જો આ નવો પ્રયોગ ટ્રાફિક હળવો કરવાની દ્રષ્ટિએ અસરકારક અને પબ્લિક માટે અનુકૂળ સાબિત થશે, તો આગામી સમયમાં આ વ્યવસ્થાને કાયમી ધોરણે અમલમાં મૂકી દેવામાં આવશે.