અમદાવાદમાં CA દંપતીએ સગા વહાલાંઓને જ લગાવ્યો રૂપિયા 10 કરોડથી વધુનો ચૂનો, લક્ઝુરિયસ લાઈફ બતાવી મામાને પણ ન છોડ્યા

CA દંપતીએ શેરબજારમાં રોકાણના નામે સગા મામા સહિત સંબંધીઓ સાથે ₹10.36 કરોડની ઠગાઈ આચરી છે. ખોટા બેંક સ્ટેટમેન્ટ આપી છેતરપિંડી કરનાર પતિ-પત્નીની EOW એ ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 17 Jun 2026 04:56 PM (IST)Updated: Wed, 17 Jun 2026 04:56 PM (IST)
ca-couple-in-ahmedabad-duped-relatives-including-maternal-uncle-of-rs-10-crore-arrested-by-eow

Ahmedabad CA Fraud Case: કહેવત છે કે સગાં વહાલાં જ આફતના સમયે કામ આવે પરંતુ અમદાવાદમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં સગા ભાણિયાએ જ પોતાના મામા અને અન્ય સંબંધીઓનો વિશ્વાસ જીતીને કરોડો રૂપિયાનું આંધણ કરી નાખ્યું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ઓફિસ ધરાવતા અને વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) એવા એક હાઈપ્રોફાઈલ દંપતીએ શેરબજારમાં રોકાણના નામે પોતાના જ પરિવારજનો સાથે રૂ. 10.36 કરોડની છેતરપિંડી આચરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે આર્થિક ગુના નિવારણ શાખા (EOW) ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી ઠગ દંપતીની ધરપકડ કરી લીધી છે.

ભાણિયાએ મામાને પણ ન છોડ્યા

મળતી માહિતી મુજબ, અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા કૌશલભાઈ વિનોદકુમાર નાયકે EOW ક્રાઈમ બ્રાંચમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તેમની જ સગી બહેનનો દીકરો જ્વલિત ઉર્ફે જય અને તેની પત્ની બોસકી બંને ક્વોલિફાઇડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) છે. કૌશલભાઈ અને તેમના પરિવારના તમામ સભ્યોના ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાથી લઈને તમામ પ્રકારની નાણાકીય બાબતોની જવાબદારી આ CA દંપતી જ સંભાળતું હતું. પરિવારના સભ્યો હોવાથી કૌશલભાઈને તેમના પર અંધવિશ્વાસ હતો.

naidunia_image

શેરબજારમાં બમણા નફાની લાલચ આપી કરોડો પડાવ્યા

જ્વલિત અને તેની પત્ની બોસકીએ આ વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવવાનું શરૂ કર્યું. તેમણે કૌશલભાઈ અને પરિવારના અન્ય સભ્યોને શેરબજારમાં રોકાણ કરીને ખૂબ જ ટૂંકા સમયમાં મોટો નફો કમાઈ આપવાના સોનેરી સપનાંઓ બતાવ્યા હતા. સગા ભાણિયાની વાતમાં આવીને કૌશલભાઈએ પોતાના ખાતામાંથી રૂ. 5.91 કરોડ તેમજ પરિવારના અન્ય સંબંધીઓ પાસેથી રૂ. 4.44 કરોડ મળીને કુલ રૂ. 10.36 કરોડ આ દંપતીના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા.

બેંકના ખોટા સ્ટેટમેન્ટ અને ફેક ઇમેઇલથી ભાંડો ફૂટ્યો

આરોપી દંપતીએ આટલી મોટી રકમ પડાવી લીધા બાદ જુદી જુદી જગ્યાએ રોકાણ કરી દીધું હોવાના દાવા કર્યા હતા. જોકે, પાપનો ઘડો ત્યારે ભરાયો જ્યારે ફરિયાદી કૌશલભાઈએ તેમના દીકરાના વિદેશ અભ્યાસના વિઝાની પ્રક્રિયા માટે બેંક સ્ટેટમેન્ટની માંગણી કરી.

આરોપી CA દંપતીએ કૌશલભાઈને છેતરવા માટે બેંકનું એક સંપૂર્ણ ખોટું (ફેક) સ્ટેટમેન્ટ બનાવીને મોકલી આપ્યું હતું. એટલું જ નહીં, ખોટી વિગતો દર્શાવતો એક ઇમેઇલ પણ કરવામાં આવ્યો હતો. કૌશલભાઈને શંકા જતાં જ્યારે તેમણે તપાસ કરી ત્યારે આખું કૌભાંડ સામે આવ્યું હતું.

ખોટી કંપનીઓ બનાવી બેંક ખાતા ખોલાવ્યા

તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે નાયક પરિવારના તમામ સત્તાવાર દસ્તાવેજો આ CA દંપતી પાસે જ રહેતા હતા. જેનો દુરુપયોગ કરીને દંપતીએ પરિવારના સભ્યોના નામે ખોટી શેલ કંપનીઓ રજિસ્ટર કરાવી દીધી હતી, તેમના નામે ખોટા બેંક ખાતાઓ ખોલાવ્યા હતા અને તેમાં મોટા પાયે બેનામી નાણાકીય વ્યવહારો પણ કર્યા હતા.

લોકોને ફસાવવા જીવતા હતા લેવિશ લાઈફ સ્ટાઈલ

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ઠગ દંપતી અમદાવાદ અને ગાંધીનગરમાં એક-એક આલીશાન ઓફિસ ધરાવે છે. લોકોને પોતાની જાળમાં ફસાવવા અને પોતાનો ખોટો રુઆબ દેખાડવા તેઓ અત્યંત વૈભવી અને લક્ઝુરિયસ લાઈફ સ્ટાઈલ જીવતા હતા. મોંઘી ગાડીઓ અને હાઈ-ફાઈ રહેણીકહેણી જોઈને કોઈને પણ શંકા ન જાય કે તેઓ છેતરપિંડી આચરી રહ્યા છે. લોકોને લાગતું કે તેઓ શેરબજારમાંથી જ આટલી મોટી કમાણી કરી રહ્યા છે.

21 જૂન સુધીના રિમાન્ડ મંજૂર

EOW ક્રાઈમ બ્રાન્ચે આ મામલે તાત્કાલિક એક્શન લઈને આરોપી જ્વલિત અને તેની પત્ની બોસકીની ધરપકડ કરી લીધી છે. કોર્ટે આરોપી દંપતીના 21 જૂન સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસનું કહેવું છે કે આરોપીઓ વ્યવસાયે CA હોવાથી નાણાકીય ટ્રાન્ઝેક્શન અને કાયદાકીય છટકબારીઓમાં પાવરધા છે. તેમણે આ કરોડો રૂપિયા ક્યાં ડાયવર્ટ કર્યા છે અથવા કઈ મિલકતો ખરીદી છે તેની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.

પોલીસે આ દંપતીનો ભોગ બનેલા અન્ય નાગરિકોને પણ ન્યાય માટે અને ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સમક્ષ આવવા અપીલ કરી છે.