Ahmedabad News: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA) ના ખ્યાતનામ વાર્ષિક સાંસ્કૃતિક મહોત્સવ 'Chaos 2026' ની 31મી આવૃત્તિ તાજેતરમાં ઉત્સાહભેર સંપન્ન થઈ. 16 થી 18 જાન્યુઆરી, 2026 દરમિયાન યોજાયેલા આ ત્રણ દિવસીય મહોત્સવની થીમ 'Hues of Heritage' (વારસાના રંગો) રાખવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતને આધુનિક પરિપ્રેક્ષ્યમાં રજૂ કરવાનો હતો.
મહોત્સવની ઔપચારિક શરૂઆત 15 જાન્યુઆરીએ સંસ્થાના આઇકોનિક લુઇસ કાહ્ન પ્લાઝા ખાતે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. IIMA ના ડાયરેક્ટર પ્રોફેસર ભરત ભાસ્કર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સમારોહ બાદ મુનાફ લુહાર અને તેમના સૂફી બેન્ડના મધુર પરફોર્મન્સે મહોત્સવની શાનદાર શરૂઆત કરી હતી.
આ પણ વાંચો
સંગીત પ્રેમીઓ માટે આ ત્રણેય દિવસો યાદગાર રહ્યા હતા. પ્રથમ દિવસે રિત્વિક (Ritviz) ના ઈલેક્ટ્રોનિક અને ક્લાસિકલ સંગીતના મિશ્રણે શ્રોતાઓને ડોલાવ્યા હતા, જ્યારે બીજા દિવસે રેપર રફ્તાર (Raftaar) અને ડીજે રાવેટરના પાવરફુલ પરફોર્મન્સે યુવાનોમાં ભારે આકર્ષણ જગાવ્યું હતું. મહોત્સવના અંતિમ દિવસે જાણીતા ગાયક જાવેદ અલીના ભાવુક અને સુરીલા ગીતોએ કાર્યક્રમનું ગરિમાપૂર્ણ સમાપન કર્યું હતું.
વૈચારિક આદાન-પ્રદાન માટે યોજાયેલા 'સ્પીકર સેશન્સ'માં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ ભાગ લીધો હતો. જાણીતા પ્રેરક વક્તા શ્રી ગૌર ગોપાલ દાસે વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટના તણાવ અને ઓવરથિંકિંગમાંથી બહાર આવવા માટે મિત્રતા અને ડાયરી લખવા જેવા ઉપાયો સૂચવ્યા હતા. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ એડવોકેટ જે સાઈ દીપકે વૈશ્વિક વાતાવરણમાં પોતાની સાંસ્કૃતિક ઓળખ જાળવી રાખવા અને 'ધર્મ' ના ખ્યાલ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. જ્યારે કોર્પોરેટ લીડર બાલુ નાયરે સ્ટાર્ટ-અપમાં સફળતા મેળવવા માટે મક્કમતા અને સ્પષ્ટતાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
આ મહોત્સવ માત્ર મનોરંજન પૂરતો મર્યાદિત ન રહેતા શીખવાનું માધ્યમ પણ બન્યો હતો. કેમ્પસમાં બેકિંગ, કોફી અને મોકટેલ માસ્ટરી તથા તાઈકવાન્ડો જેવા રચનાત્મક વર્કશોપ્સ યોજાયા હતા. રમતગમત ક્ષેત્રે આ વર્ષે પ્રથમ વખત 'બોક્સ ક્રિકેટ' ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી હતી, જે ખૂબ જ લોકપ્રિય રહી હતી. આ ઉપરાંત, ભારતીય સેના દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલા આધુનિક શસ્ત્રો (Weapon Display) એ યુવાનોમાં દેશભક્તિ અને જિજ્ઞાસાનો સંચાર કર્યો હતો.
સમગ્ર દેશમાંથી આવેલા હજારો વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓની ભાગીદારી સાથે Chaos 2026 એ કળા, સંસ્કૃતિ અને સમુદાયના અદભૂત સંગમ તરીકે ફરી એકવાર પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી છે.
