Gujarat Weather Forecast | આજનું હવામાન વરસાદ: ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાની અસર જોવા મળી રહી છે. આજે સૌરાષ્ટ્રમાં હળવા વરસાદી ઝાપટાં વરસ્યા છે. ત્યારે હવામાન વિભાગે ત્રણ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા છે. રાજ્યના 11 જિલ્લાઓમાં ભારે પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા
હવામાન વિભાગ દ્વારા આજે સાંજે જારી કરવામાં આવેલા વેધર નોટિફિકેશન અનુસાર ત્રણ કલાક દરમિયાન રાજ્યના 11 જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, સાબરકાંઠા, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઇ શકે છે અને હળવોથી મધ્યમ વરસાદ છૂટાછવાયા સ્થળોએ થઇ શકે છે.
આ જિલ્લાઓમાં જોવા મળ્યો વરસાદી માહોલ
ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ યથાવત છે. નૈઋત્યના ચોમાસાની સિસ્ટમ અરબ સાગરમાંથી ગુજરાત તરફ આગળ વધી રહી છે. જેની અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી છે. આજે સવારથી જૂનાગઢ અને નવસારી જિલ્લાાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જૂનાગઢ જિલ્લામાં બપોરે 12 વાગ્યા સુધીમાં કેશોદમાં 3 મિ.મી. અને મેંદરડામાં 1 મિ.મી. વરસાદ વરસ્યો છે. જ્યારે નવસારી તાલુકામાં 1 મિ.મી. વરસાદ નોંધાયો છે.
આજે આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા
હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર, આજે 17 જૂન 2026ના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, નવસારી, તાપી, વલસાડ, ડાંગ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
આવતીકાલે ક્યાં થઇ શકે છે વરસાદ
આવતીકાલે 18 જૂન 2026ના રોજ અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. એટલે કે હાલ રાજ્યમાં જે પ્રકારની ગરમી વાદળછાયા વાતાવરણ વચ્ચે અનુભવાઇ રહી છે તેવી જ ગરમી આગામી સાત દિવસ દરમિયાન અનુભવાઇ શકે છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.
કેટલે પહોંચ્યું ચોમાસું
હાલ ચોમાસું હરનાઇ, સોલાપુર, હૈદરાબાદ, ભદ્રચલમ, કોરાપુટ, ફુલબની, રાંચી, જમુઇ, મુઝફ્ફરપુરમાંથી પસાર થઇ રહ્યું છે. આગામી 4-5 દિવસ દરમિયાન તેલંગાણા, ઓડિશા, ઝારખંડ અને બિહારના કેટલાક ભાગો અને છત્તીસગઢના કેટલાક ભાગોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. પંજાબથી બિહાર સુધી, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં મોસમી દરિયાઈ સપાટીનું સ્તર યથાવત છે.
આવતીકાલે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કરી શકે
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તરીકે એક ચક્રવાતી પરિભ્રમણ ઉત્તર પાકિસ્તાન અને પડોશમાં દરિયાની સપાટીથી સરેરાશ 3.1 કિમી ઉપર સ્થિત છે, જેમાં મધ્ય ઉષ્ણકટિબંધીય સ્તરોમાં એક ખાડો છે અને તેની ધરી દરિયાની સપાટીથી સરેરાશ 5.8 કિમી ઉપર છે, જે લગભગ 72°E અને અક્ષાંશ 32°N ના ઉત્તરમાં લાંબા રેખાંશ સાથે ફેલાયેલી છે. આવતીકાલે એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કરે તેવી શક્યતા છે. હાલ રાજ્યમાં નીચા સ્તરે દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે.
