તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ થઈ શકે છે! ચેક કરી લો તમારા વાહન પર કોઈ ઈ-ચલણ તો બાકી નથી ને?

તમારા વાહન પર કોઈ બાકી ઈ-ચલણ છે કે નહીં તે ઓનલાઈન કેવી રીતે ચેક કરવું? જાણો નવા ટ્રાફિક નિયમો, 1 વર્ષમાં 5થી વધુ ઈ-ચલણ પર ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ થવાના નિયમની સંપૂર્ણ માહિતી.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Wed, 17 Jun 2026 02:50 PM (IST)Updated: Wed, 17 Jun 2026 02:50 PM (IST)
how-to-check-e-challan-online-driving-license-suspension-new-traffic-rules-india

E-Challan New Rules 2026: જો તમે વાહન ચલાવતી વખતે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરો છો, તો હવે ભારે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં ખૂબ જ મહત્વપૂર્ણ અને કડક સુધારા કરવામાં આવ્યા છે. આ નવા નિયમો અંતર્ગત જો કોઈ વાહનચાલક એક જ વર્ષમાં 5 કે તેથી વધુ વખત ઈ-ચલણ મેળવશે, તો તેનું ડ્રાઇવિંગ લાઇસન્સ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવશે.

આ સાથે જ સમયસર ચલણ ન ભરવા પર વાહનને બ્લોક કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યના તમામ નાગરિકોને કાયદાકીય ગૂંચવણોથી બચવા માટે ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરવા અને બાકી ઈ-ચલણ સમયસર ભરી દેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

ઈ-ચલણ સામે વાંધો ઉઠાવવા માટે કેટલો સમય મળશે?

નવા સુધારા મુજબ, જો કોઈ વાહનચાલક કે માલિકને ઈશ્યુ થયેલા ઈ-ચલણ સામે કોઈ વાંધો, ભૂલ કે રજૂઆત હોય, તો ચલણ ઈશ્યુ થયાની તારીખથી 45 દિવસની સમયમર્યાદા આપવામાં આવશે. આ 45 દિવસની અંદર વાહનચાલકે 'ઈ-ચલણ પોર્ટલ' પર ઓનલાઈન ફરિયાદ દાખલ કરવાની રહેશે.

જો 45 દિવસમાં ચલણ સામે ફરિયાદ નહીં થાય તો શું થશે?

જો ચલણ ઈશ્યુ થયાના 45 દિવસ સુધી કોઈ ફરિયાદ નોંધાવવામાં નહીં આવે, તો એવું માની લેવામાં આવશે કે વાહન માલિક અથવા ડ્રાઇવરે ચલણનો સ્વીકાર કરી લીધો છે. ચલણ સ્વીકૃતિના આ દિવસથી આગામી 30 દિવસની અંદર ચલણની પૂરેપૂરી રકમ ઓનલાઈન ભરપાઈ કરવાની રહેશે.

સમયસર ચલણ નહીં ભરો તો વાહન કેવી રીતે બ્લોક થશે?

નિયત સમયમર્યાદામાં ચલણની રકમ ન ભરનારાઓ સામે કડક પગલાં લેવાશે. જો નક્કી કરેલા દિવસોમાં દંડ નહીં ભરાય, તો 'વાહન પોર્ટલ' પર સંબંધિત વાહનને 'Not to be transacted' એટલે કે બ્લોકની શ્રેણીમાં મૂકી દેવાશે. એકવાર વાહન બ્લોક થઈ ગયા બાદ, સરકારી ટેક્સ સિવાયની અન્ય તમામ સેવાઓ જેવી કે ડ્રાઇવિંગ લાઇસન્સ પ્રક્રિયા, આર.સી. બુક (RC Book) અથવા વાહન સંબંધિત કોઈપણ વહીવટી પ્રક્રિયા થઈ શકશે નહીં.

ફરિયાદ નકારવામાં આવે તો દંડ ભરવાનો શું નિયમ છે?

જો ફરિયાદ નિવારણ સત્તાધિકારી દ્વારા વાહનચાલકની રજૂઆત અથવા ફરિયાદને નકારી દેવામાં આવે, તો ચાલકે ત્યારપછીના 30 દિવસમાં ચલણની પૂરી રકમ ભરવી પડશે. અથવા તો ચલણની કુલ રકમના 50% રકમ ઈ-ચલણ પોર્ટલ પર ડિપોઝિટ તરીકે જમા કરાવીને કોર્ટ સમક્ષ અપીલ કરવાની રહેશે. જો આ બંનેમાંથી કોઈ પણ પ્રક્રિયા કરવામાં નહીં આવે, તો ચલણ આપોઆપ સ્વીકૃત માની લેવાશે અને 15 દિવસમાં રકમ ચૂકવવી પડશે. આમ ન કરનાર વાહનને પણ 'વાહન પોર્ટલ' પર બ્લોક કરી દેવામાં આવશે.

ટ્રાફિક નિયમોના ભંગ બદલ લાઇસન્સ ક્યારે સસ્પેન્ડ થશે?

નવા કેન્દ્રીય નિયમોની સૌથી કડક જોગવાઈ ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્શનને લઈને છે. જો કોઈ એક જ વાહન માલિક અથવા ડ્રાઇવરને 1 જ વર્ષમાં 5 કે તેથી વધુ વખત ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઈ-ચલણ ઈશ્યુ કરવામાં આવશે, તો તે વાહનચાલકનું ડ્રાઇવિંગ લાઇસન્સ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ઈ-ચલણ ઓનલાઈન કેવી રીતે ચેક કરશો?

તમારા વાહન સામે ટ્રાફિક ઈ-ચલણ જારી થયું છે કે નહીં, તેની માહિતી ઓનલાઈન સરળતાથી મેળવી શકાય છે. તેના માટે ત્રણ વિકલ્પ ઉપલબ્ધ છે. તમે ચલણ નંબર, વાહન નંબર અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ (DL) નંબરની મદદથી ઈ-ચલણની વિગતો ચેક કરી શકો છો.

ઈ-ચલણની સ્થિતિ જાણવા માટે Parivahanની સત્તાવાર વેબસાઇટ https://echallan.parivahan.gov.in/index/accused-challan પર જાઓ. વેબસાઇટ ખુલ્યા બાદ તમને ચલણ નંબર, વાહન નંબર અને DL નંબર દ્વારા સર્ચ કરવાનો વિકલ્પ જોવા મળશે. તમારી પાસે ઉપલબ્ધ માહિતીના આધારે કોઈપણ એક વિકલ્પ પસંદ કરીને તમે જાણી શકો છો કે તમારા નામે અથવા વાહન સામે કોઈ ટ્રાફિક ચલણ બાકી છે કે નહીં.