સાળંગપુર ધામનો મોટો નિર્ણય કિંગ ઓફ સાળંગપુર સહિત હનુમાનજીના સ્વરૂપોને મળ્યું IP કવચ

સાળંગપુર ધામ દ્વારા શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના દિવ્ય સ્વરૂપો અને કિંગ ઓફ સાળંગપુર માટે બૌદ્ધિક સંપત્તિના હકો મેળવી ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. આ પગલું ધામની ઓળખ અને આધ્યાત્મિક ગૌરવને ભાવિ પેઢીઓ માટે સુરક્ષિત રાખવા માટે છે.

By: Jivan KapuriyaEdited By:Jivan KapuriyaPublish Date: Fri, 12 Jun 2026 11:37 AM (IST)Updated: Fri, 12 Jun 2026 11:37 AM (IST)
salangpur-temple-secures-ip-rights-for-hanuman-forms

સાળંગપુર: ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ કરોડો ભક્તોની અતૂટ આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની ભક્તિમાં લીન ભક્તો માટે હવે એક ગૌરવશાળી સમાચાર સામે આવ્યા છે. મંદિર પ્રશાસન દ્વારા સાળંગપુર ધામની આગવી ઓળખ અને આધ્યાત્મિક ગૌરવને ભાવિ પેઢીઓ સુધી અકબંધ અને સુરક્ષિત રાખવા માટે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંતર્ગત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના વિવિધ દિવ્ય સ્વરૂપો અને "કિંગ ઓફ સાળંગપુર" સહિતની વિશિષ્ટતાઓ માટે બૌદ્ધિક સંપત્તિ (Intellectual Property) ના હકો મેળવવામાં આવ્યા છે.

દાદાના ચરણોમાં સમર્પિત થયા પ્રમાણપત્રો

સાળંગપુર ધામ સાથે સંકળાયેલી આધ્યાત્મિક વિશિષ્ટતાઓ અને આસ્થાને સુરક્ષિત રાખવાના શુભ હેતુથી વિવિધ કોપીરાઈટ અને ટ્રેડમાર્કના સર્ટિફિકેટ્સ પ્રાપ્ત કરવામાં આવ્યા છે. આ તમામ મહત્વના નોંધણી પ્રમાણપત્રોને આજે એક વિશેષ કાર્યક્રમમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના પવિત્ર ચરણોમાં ભાવપૂર્વક સમર્પિત કરવામાં આવ્યા હતા. આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ પવિત્ર ધામની ઓળખ, ગૌરવ અને આધ્યાત્મિક વારસાનું સંરક્ષણ કરવાનો છે.

નિષ્ણાત લો ફર્મનું માર્ગદર્શન

આ સમગ્ર કાયદાકીય પ્રક્રિયાને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં દેશની અગ્રણી લો ફર્મ D N AHYA & CO. દ્વારા મહત્વની ભૂમિકા ભજવવામાં આવી છે. આઈ.પી. (IP) ક્ષેત્રના જાણીતા નિષ્ણાત શ્રી દર્શિત આહ્યાના કુશળ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કામગીરી અત્યંત સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે. હનુમાનજી મહારાજના વિવિધ દિવ્ય સ્વરૂપો, વિશિષ્ટ ચિત્રાત્મક અભિવ્યક્તિઓ અને સર્જનાત્મક કૃતિઓને હવે કાયદાકીય સુરક્ષા પ્રાપ્ત થઈ છે.

આધુનિક કાયદો અને સાંસ્કૃતિક ધરોહર

આ પ્રસંગે મંદિરના કોઠારી શ્રી વિવેકસાગર સ્વામીએ જણાવ્યું હતું કે, ભારતની આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને ધાર્મિક ધરોહરને આધુનિક બૌદ્ધિક સંપત્તિના કાયદાઓ દ્વારા સુરક્ષિત કરવી એ સમયની મોટી આવશ્યકતા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના આશીર્વાદથી ભક્તિ, સેવા અને સંસ્કૃતિના આ દિવ્ય વારસાનું સંરક્ષણ અને સંવર્ધન આગામી વર્ષોમાં પણ સતત ચાલુ રહેશે. આ પગલાથી સાળંગપુર ધામના ગૌરવને કાયદાકીય પીઠબળ મળ્યું છે.