Devbhoomi Dwarka Jam Raval Municipality: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ જામ રાવલ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી અત્યંત શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષે સ્પષ્ટ બહુમતી સાથે શાનદાર જીત હાંસલ કરી છે. નગરપાલિકાના પ્રમુખ પદ માટેના ઉમેદવાર મોતીબહેન પરમારને 24 પૈકી 20 મત મળતા તેઓ વિજેતા જાહેર થયા હતા.
નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી
જામરાવલ નગરપાલિકાના પ્રમુખ પદની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર મોતીબહેન વાલાભાઈ પરમાર વિજેતા બન્યા છે. મતદાન પ્રક્રિયા દરમિયાન મોતીબેનને કુલ 24 પૈકી 20 મતો મળ્યા હતા, જ્યારે તેમની સામે ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવારને માત્ર 4 મતો જ મળ્યા હતા.
બીજી તરફ, ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસના જ મોહનભાઈ રાયશીભાઈ વાઘેલા બિનહરીફ (Unopposed) વિજેતા જાહેર થયા હતા. આમ, બંને પદો પર કોંગ્રેસના ઉમેદવારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
વિકાસ કાર્યો-નાગરિક સુવિધાને પ્રાથમિકતા
જામ રાવલ નગરપાલિકાની નવી બોડીની સત્તાવાર જાહેરાત થતાં જ સભ્યો અને સ્થાનિક આગેવાનોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખને સૌએ શુભેચ્છાઓ પાઠવી હતી, અને શહેરના વિકાસ કાર્યોને વધુ ગતિ આપવા માટે આશા વ્યક્ત કરી હતી.
આ તકે ચૂંટાયેલી નવી ટીમે નગરજનોને ખાતરી આપી હતી કે તેઓ શહેરના પ્રાથમિક પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવશે. સાથે જ જામ રાવલ નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા, રસ્તા, પીવાનું પાણી અને અન્ય પાયાની નાગરિક સુવિધાઓને વિશેષ પ્રાથમિકતા આપવાની પ્રતિબદ્ધતા પણ દર્શાવી હતી.
