ચૂંટણીના એક મહિના બાદ ગુજરાતની 7 મનપાને મળશે નવા મેયર; જ્ઞાતિ અને પ્રાદેશિક સમીકરણો પર નજર, જાણો કોણ છે સૌથી આગળ

ગુજરાતની 7 મહાનગરપાલિકાઓમાં આજે નવા મેયર અને પદાધિકારીઓની વરણી થશે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 28 May 2026 08:37 AM (IST)Updated: Thu, 28 May 2026 08:41 AM (IST)
7-municipal-corporations-new-mayor-announcement-surat-rajkot-vadodara

Mayor Announcement 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોના એક મહિના પછી આખરે મનપાના નવા પદાધિકારીઓની વરણી શરુ થઈ ગઈ છે. ગત 26 મેના રોજ નવસારી, ગાંધીધામ, અમદાવાદ, જામનગર, મોરબી, પોરબંદર, મહેસાણા અને નડિયાદ સહિત આઠ જેટલી મનપાના હોદ્દેદારોની જાહેરાત કરી લીધા પછી, આજે રાજકોટ, વલસાડ-વાપી, સુરત, સુરેન્દ્રનગર, વડોદરા, ભાવનગર અને આણંદ મનપાના નનવા પદાધિકારીઓના નામની જાહેરાત કરવામાં આવશે.

સુરત મહાનગરપાલિકા

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 115 બેઠકો પર ભવ્ચ વિજય મેળવી લીધા પછી ભાજપ માટે પદાધિકારીઓની પસંદગી થોડી જટિલ બની છે. જેમાં આ વખતે મેયર પદ માટે સામાન્ય મહિલા અનામત છે.

  • મેયર પદ માટે રેસ: દક્ષિણ ગુજરાતના વરાછા અને કતારગામ જેવા વિસ્તારોમાં ભાજપે કરેલા શાનદાર પ્રદર્શન પછી પાટીદાર મહિલા મેયર બને તેવી પ્રબળ શક્યતાઓ રહેલી છે. હાલ મૂળ સુરતની મહિલા અને સૌરાષ્ટ્રની મહિલા વચ્ચે કટોકટી જેવી સ્પર્ધા છે.
  • પાવર બેલેન્સિંગ ફોર્મ્યુલા: જો મેયર પદ માટે કોઈ 'મૂળ સુરતી મહિલા' ઉમેદવારની પસંદગી કરવામાં આવે, તો સૌથી વધુ પાવરફુલ ગણાતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું પદ સૌરાષ્ટ્રના કોર્પોરેટરને સોંપાશે.
  • પરપ્રાંતીય સમુદાયોને સાચવવાનું સમીકરણ: ડેપ્યુટી મેયર અને શાસક પક્ષના નેતાના પદ બિન ગુજરાતી સમાજ માટે રખાયા છે. જો ડેપ્યુટી મેયર મરાઠી સમાજમાંથી બનશે, તો શાસક પક્ષના નેતા ઉત્તર ભારત કે રાજસ્થાની સમાજમાંથી બનશે.

વડોદરા મહાનગરપાલિકા

વડોદરામાં 76 પૈકી 69 બેઠકો જીતનાર ભાજપમાં મેયર કરતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે પડાપડી જોવા મળી છે. કારણ કે, વિકાસકામોની મંજૂરી અને તિજોરીની ચાવી ચેરમેન પાસે હોય છે.

  • મેયર પદ માટે રેસ: વડોદરા મનપામાં પ્રથમ અઢી વર્ષ એસસી કેટેગરીમાંથી પુરુષ અનામતસ છે.
  • SC પુરુષ અનામતમાં મોખરે: મેયર પદ માટે એસસી પુરુષ અનામત બેઠકો છે. જેમાં વોર્ડ નંબર 12માંથી જીતેલા સમીર વાઘેલા સહિત 3 ઉમેદવારોના નામની સૌથી વધારે ચર્ચા છે.

ભાવનગર મહાનગરપાલિકા

ભાજપના ગઢ ગણાતા ભાવનગરમાં આ વખતે મેયર પદ માટે જ્ઞાતિગત સમીકરણો મહત્વના બન્યા છે, જેમાં આ પદ સામાન્ય સ્ત્રી માટે અનામત હોય તેથી ક્ષત્રિય, બ્રાહ્મણ અને પટેલ સમાજની મહિલા નેતાઓના નામોની ચર્ચા તેજ બની છે.

મેયર પદ માટેના પ્રબળ દાવેદારો

  • વર્ષાબા વિક્રમસિંહ પરમાર: ક્ષત્રિય મહિલા ઉમેદવાર જે કાળીયાબીડ વોર્ડના ઉમેદવાર છે. તેઓ મેયર પદ માટેની રેસમાં પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે.
  • હીરાબેન વિનોદભાઈ કુકડિયા: પટેલ સમાજના ચિત્રા-નારી વોર્ડના ઉમેદવાર, તેઓ મેયર પદ માટે મજબૂત દાવેદાર છે. જેઓ 2 ટર્મથી જીતતા આવ્યા છે.
  • દક્ષાબેન ભટ્ટ: બ્રાહ્મણ સમાજમાંથી આવતા દાવેદારનું નામ ચર્ચાઈ રહ્યું છે.
  • સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન: આ શક્તિશાળી પદ માટે સિનિયર નેતાઓનું લોબિંગ ચાલી રહ્યું છે. જેમાં અશોક બારૈયા, રાજુ રાબડીયા, ઉપેન્દ્રસિંહ ચુડાસમા અને સંજય વેગડનું નામ ચર્ચાઈ રહયું છે.

રાજકોટ મહાનગરપાલિકા

સૌરાષ્ટ્રની અન્ય મનપા જામનગર, મોરબી, પોરબંદરમાં પાટીદારોને મેયર પદ ન મળતા, રાજકોટમાં મેયર પદ માટે પાટીદાર સમાજમાંથી બને તેવી શક્યતા દેખાઈ રહી છે. જ્યારે આજે બકરી ઈદની રજા હોવાથી સામાન્ય સભા યોજીને પદાધિકારીઓ પદ ગ્રહણ કરી શકે છે.

મેયર પદ માટે દાવેદારોના નામ:

  • કડવા પાટીદાર: અશ્વિન ભોરણીયા
  • લેઉવા પાટીદાર: દિલીપ લુણાગરિયા, કેતન પટેલ અને પરેશ પીપળીયા
  • સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન: બીજા મહત્વના હોદ્દા તરીકે સ્ટે. કમિટીના ચેરમેન પદ માટે બ્રાહ્મણ સમાજમાંથી નેહલ શુક્લાનું લોબિંગ મજબૂત છે. જ્યારે ઓબીસી સમાજમાંથી ઘનશ્યામ હેરભા અને ડો. પ્રદિપ ડવ અને ક્ષત્રિય સમાજમાંથી આવતા નરેન્દ્રસિંહ જાડેજા રેસમાં છે.
  • ડે. મેયર: લોહાણા સમાજમાંથી મહિલાને સ્થાન અપાય તેવી શક્યતા છે. જેમાં દક્ષાબેન વસાણીનું નામ સૌથી મોખરે ચાલી રહ્યું છે.