આકાશી આફતો સામે ધરતીપુત્રોનું મજબૂત કવચ બનતી ગુજરાત સરકાર; 10 વર્ષમાં 1.36 કરોડ ખેડૂતોને રૂ. 22,733 કરોડનું ઐતિહાસિક પીઠબળ

ગુજરાત સરકારે છેલ્લા એક દાયકામાં કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિનો સામનો કરનારા 1.36 કરોડથી વધુ ખેડૂતોને રૂ. 22,733 કરોડની રેકોર્ડબ્રેક સહાય ચૂકવી છે. વાંચો સંપૂર્ણ ખાસ અહેવાલ.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 16 Jun 2026 09:40 PM (IST)Updated: Tue, 16 Jun 2026 09:41 PM (IST)
gujarat-governments-agricultural-relief-package-rs-22733-crore-financial-assistance-to-farmers-in-10-years

Gujarat Agriculture Relief Package: વૈશ્વિક સ્તરે આવી રહેલા ક્લાઈમેટ ચેન્જના કારણે હાલના વર્ષોમાં ખેતી ક્ષેત્રે અનિશ્ચિતતા ખૂબ વધી ગઈ છે. છેલ્લા એક દાયકામાં ગુજરાતના ધરતીપુત્રોએ કમોસમી વરસાદ (માવઠું), અતિવૃષ્ટિ અને વિનાશક વાવાઝોડા જેવી અનેક કુદરતી આફતોનો સામનો કરવો પડ્યો છે. આવા કપરા અને મુશ્કેલ સમયમાં ગુજરાત સરકારે સંવેદનશીલ અભિગમ અપનાવીને રાજ્યના ખેડૂતોને આર્થિક કટોકટીમાંથી ઉગારવા માટે મજબૂત આર્થિક પેકેજો જાહેર કર્યા છે. વર્ષ 2015-16થી લઈને વર્ષ 2025-26 સુધીના છેલ્લા 10 વર્ષોમાં રાજ્ય સરકારે વિવિધ કૃષિ રાહત પેકેજ અંતર્ગત 1.36 કરોડથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને કુલ રૂ. 22,733 કરોડની માતબર સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરાવી છે.

વર્ષ 2025-26: ગુજરાતના કૃષિ ઇતિહાસનું સૌથી મોટું રાહત પેકેજ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે આફતની ઘડીમાં ખેડૂતો સુધી ત્વરિત સહાય પહોંચાડવાની પરંપરાને વધુ વેગવંતી બનાવી છે. તાજેતરના વર્ષ 2025-26 દરમિયાન ભારે વરસાદ અને કુદરતી પ્રકોપના કારણે થયેલા વ્યાપક પાક નુકસાન સામે સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો હતો. માત્ર એક જ વર્ષના ગાળામાં 36.74 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં રૂ. 10,337 કરોડની સહાય સીધી ડીબીટી (DBT) મારફતે ટ્રાન્સફર કરવામાં આવી છે. ગુજરાતના ઇતિહાસમાં ખેડૂતોને આર્થિક કટોકટીમાંથી બેઠા કરવા માટે આપવામાં આવેલી આ અત્યાર સુધીની સૌથી મોટી સહાય પૈકીની એક છે.

SDRF ઉપરાંત રાજ્ય સરકારે પોતાના ભંડોળમાંથી આપ્યો આર્થિક સધિયારો

સરકારની આ પ્રતિબદ્ધતા માત્ર કેન્દ્રીય નિયમો પૂરતી મર્યાદિત નથી રહી. છેલ્લા દસ વર્ષમાં ચૂકવવામાં આવેલી કુલ રૂ. 22,733 કરોડની સહાય પર નજર કરીએ તો, તેમાં કેન્દ્રીય આપત્તિ પ્રતિભાવ ભંડોળ (SDRF) ના નિયમો મુજબ રૂ. 15,829 કરોડ મંજૂર કરાયા હતા. પરંતુ ખેડૂતોનું નુકસાન મોટું હોવાથી લોકહિત વલણ અપનાવીને ગુજરાત સરકારે પોતાના બજેટ (રાજ્ય ભંડોળ)માંથી વધારાના રૂ. 6,904 કરોડ ઉમેરીને ખેડૂતોને આર્થિક સુરક્ષા પ્રદાન કરી છે.

છેલ્લા એક દાયકામાં વર્ષવાર ચૂકવાયેલી સહાયના આંકડા

ગુજરાત સરકાર હંમેશાં આપત્તિના સમયે ધરતીપુત્રોની પડખે અડીખમ ઊભી રહી છે, જે નીચે આપેલા વિગતવાર વર્ષવાર આંકડાઓ પરથી સ્પષ્ટ જોઈ શકાય છે:

ક્રમ વર્ષ લાભાર્થી ખેડૂતોની સંખ્યા ચૂકવવામાં આવેલી કુલ સહાય (રૂપિયામાં)
1 2015-16 1.82 લાખ ખેડૂતો રૂ. 279 કરોડ
2 2017-18 7.69 લાખ ખેડૂતો રૂ. 1,706 કરોડ
3 2018-19 17.59 લાખ ખેડૂતો રૂ. 1,678 કરોડ
4 2019-20 33.18 લાખ ખેડૂતો રૂ. 2,489 કરોડ
5 2020-21 19.03 લાખ ખેડૂતો રૂ. 2,906 કરોડ
6 2021-22 7.67 લાખ ખેડૂતો રૂ. 1,240 કરોડ
7 2022-23 1.93 લાખ ખેડૂતો રૂ. 197 કરોડ
8 2023-24 2.55 લાખ ખેડૂતો રૂ. 410 કરોડ
9 2024-25 8.04 લાખ ખેડૂતો રૂ. 1,491 કરોડ
10 2025-26 36.74 લાખ ખેડૂતો રૂ. 10,337 કરોડ
કુલ યોગ 1.36 કરોડથી વધુ ખેડૂતો રૂ. 22,733 કરોડ

ગ્રાઉન્ડ રિપોર્ટ: સરકારી સહાયથી ફરી બેઠા થયા સુરેન્દ્રનગરના દેવરાજભાઈ

આ સરકારી આંકડાઓ માત્ર કાગળ પર નથી, પરંતુ તેની પાછળ લાખો પરિવારોના અશ્રુ લૂછાયાની જીવંત વાર્તાઓ છુપાયેલી છે. આવી જ એક ગાથા સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં આવેલા આદરિયાણા ગામના ખેડૂત દેવરાજભાઈ સોલંકીની છે. ગત વર્ષે આવેલા અણધાર્યા કમોસમી વરસાદે દેવરાજભાઈના ચણાના ઊભા પાકને સંપૂર્ણપણે બરબાદ કરી નાખ્યો હતો. આખા વર્ષની મહેનત પાણીમાં જતાં પરિવાર ભારે આર્થિક સંકટમાં આવી પડ્યો હતો.

આ કપરી પરિસ્થિતિને યાદ કરતા દેવરાજભાઈ સોલંકી જણાવે છે કે, જ્યારે મેં સવારે ખેતરમાં જઈને જોયું તો મારો ચણાનો આખો પાક નાશ પામ્યો હતો. એ ક્ષણે મારી આંખો સામે અંધકાર છવાઈ ગયો અને લાગ્યું કે હવે આખું વર્ષ દેવાના બોજ નીચે અને મુશ્કેલીમાં વિતશે. પરંતુ આવા સમયે રાજ્ય સરકારે અમારા જેવા નાના ખેડૂતોની ચિંતા કરી. કૃષિ રાહત પેકેજ હેઠળ મને રૂ. 44,000ની આર્થિક સહાય મળી. આ રકમ અમારા પરિવાર માટે નવું જીવન લાવનારી સાબિત થઈ. આ સહાયના કારણે જ અમે ખેતરમાં ફરીથી નવું વાવેતર કરી શક્યા અને આજે અમારો પરિવાર ફરી હસતો-ખેડતો થયો છે.

આત્મનિર્ભર બનતો ગુજરાતનો અન્નદાતા

રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે લેવાયેલા આ ત્વરિત નિર્ણયો એ સાબિત કરે છે કે ગુજરાતમાં કુદરતી આફતો સામે લડવા માટે માત્ર વહીવટી તંત્ર જ સજ્જ નથી, પરંતુ નેતૃત્વમાં પણ સંવેદનશીલતા ભરેલી છે. આ વ્યાપક આર્થિક સહાયના પરિણામે જ આજે ગુજરાતનો અન્નદાતા વધુ આત્મવિશ્વાસ સાથે નવી ટેકનોલોજી અપનાવીને ખેતી તરફ વળ્યો છે, કારણ કે તેને દ્રઢ ભરોસો છે કે ગમે તેવી આકાશી આફત આવશે – તેની પડખે તેની સરકાર કાયમ અડીખમ ઊભી છે.