TET પરીક્ષાથી મુક્તિ માટે ગુજરાતના પ્રાથમિક શિક્ષકોએ આંદોલનનું હથિયાર ઉગામ્યું, સંસદ સુધી કરશે પ્રદર્શન; જાણો સંપૂર્ણ શેડ્યૂલ

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે ત્રણ તબક્કામાં આંદોલન કાર્યક્રમ નક્કી કર્યો છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Wed, 17 Jun 2026 09:08 AM (IST)Updated: Wed, 17 Jun 2026 09:08 AM (IST)
gujarat-primary-teachers-protest-complete-schedule-over-tet-exam-exemption

Gujarat Primary Teachers Protest: તમામ પ્રાથમિક શિક્ષકો માટે TET ફરજિયાત કરવાના આદેશ સામે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ (AIPTF) અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે બાંયો ચડાવી અને આદોંલનની જાહેરાત કરી છે. શિક્ષકોના આંદોલન હેઠળ જિલ્લા કક્ષાએથી રાજધાની નવી દિલ્હીમાં સંસદ સુધી વિરોધ પ્રદર્શન અને ધરણા કાર્યક્રમ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

શિક્ષક સંઘ દ્વારા 3 તબક્કાનો માસ્ટર પ્લાન

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે આ આંદોલનને ઉગ્ર બનાવવા માટે ત્રણ તબક્કાનો કાર્યક્રમ ઘડી કાઢ્યો છે: 

  • 15 થી 30 જૂન, 2026: જિલ્લા કક્ષાએ ધરણાં કાર્યક્રમ કરી સંસદ સભ્યો, ધારાસભ્યો તથા કલેક્ટરને આવેદનપત્ર આપવું.
  • 5 થી 20 જુલાઈ, 2026: રાજ્ય કક્ષાએ ધરણાં કાર્યક્રમ કરી મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને આવેદનપત્ર પાઠવવું. સાથે જ પ્રેસ કોન્ફરન્સ કરી જાગૃતિ અભિયાન ચલાવવું.
  • થી 12 ઓગસ્ટ, 2026: આ આંદોલનની પ્રગતિની સમીક્ષા કરવી, કાનૂની અને કાયદાકીય માર્ગદર્શન મેળવવું અને સંસદના ચોમાસુ સત્ર દરમિયાન 'રાષ્ટ્રીય વ્યાપી આંદોલન' ની આગામી તૈયારી કરવી.
naidunia_image

આજે જિલ્લા કક્ષાએ મહા-ધરણા કાર્યક્રમ

આજે 17 જૂન, બુધવારના રોજ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પ્રાથમિક શિક્ષકો દ્વારા એક દિવસીય મહાધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં તમામ શિક્ષક ભાઈ-બહેનોને મોટી સંખ્યામાં જોડાવા અને "શિક્ષક એકતા ઝિંદાબાદ" ના નારાને બુલંદ કરવા શિક્ષક સંઘ દ્વારા ખાસ આહવાન કરવામાં આવ્યું છે.

શું છે વિવાદ અને કેમ થઈ રહ્યો છે વિરોધ?

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી અને પ્રમુખના જણાવ્યા અનુસાર, સુપ્રીમ કોર્ટ દ્વારા 11 સપ્ટેમ્બર 2025 ના રોજ એક આદેશ કરવામાં આવ્યો હતો. જેમાં 2010 પહેલા સેવામાં જોડાયેલા તમામ શિક્ષકોએ TET પરીક્ષા ફરજિયાત પાસ કરવી પડશે તેવો ઉલ્લેખ હતો. જોકે, તાજેતરમાં સુપ્રીમ કોર્ટે આ સમય મર્યાદા વધારીને 31 ઓગસ્ટ 2028 સુધીમાં TET પાસ કરવા માટેનો આદેશ આપ્યો છે.

પ્રાથમિક શિક્ષક સંઘનો મુખ્ય વિરોધ એ છે કે જે શિક્ષકો વર્ષોથી સેવામાં છે, તેમની સેવા, સુરક્ષા અને વ્યાવસાયિક ગૌરવ પર આ નિયમથી સીધી અસર પડે છે. આ મુદ્દે દિલ્હી ખાતે 10 જૂન 2026 ના રોજ AIPTF એકશન કમિટીની બેઠક મળી હતી, જેમાં દેશભરના અનુભવી શિક્ષકોની આજીવિકા બચાવવા માટે તબક્કાવાર આંદોલનનો નિર્ણય લેવાયો હતો.