Jamnagar: લગ્નના 20 દિવસ પહેલા જ સગીરાએ બાળકને જન્મ આપ્યો, દુષ્કર્મ આચરનાર મંગેતર જેલ ભેગો

સગાઈ બાદ માતા-પિતા કામ અર્થે જાય, ત્યારે મંગેતર ઘરે આવતો અને એકલતાનો લાભ લઈને સગીરા સાથે શરીર સબંધ બાંધતો હતો. જેના કારણે સગીરાને ગર્ભ રહી ગયો હતો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 07 Apr 2026 06:03 PM (IST)Updated: Tue, 07 Apr 2026 06:03 PM (IST)
jamnagar-news-minor-gives-birth-20-days-before-wedding-fiance-arrested-for-rape
HIGHLIGHTS
  • સગીરાને પેટમાં અસહ્ય દુખાવો ઉપડતાં પરિવારજનો હોસ્પિટલ લઈ ગયા

Jamnagar: જામનગર શહેરમાં દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાએ બાળકને જન્મ આપતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે સગીરાના મંગેતરની પોલીસે ધરપકડ કરીને જેલના હવાલે કરી દીધો છે.

સગાઈ બાદ મંગેતર ઘરે આવીને સબંધ બાંધતો હતો

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, જામનગર-રાજકોટ રોડ પરના વિસ્તારમાં રહેતી સગીરાની નજીકના વિસ્તારમાં રહેતા શ્રમિક યુવક સાથે સગાઈ કરવામાં આવી હતી. આજથી 20 દિવસ બાદ બન્નેના લગ્ન લેવાયા હતા.

જો કે સગીરાને અચાનક પેટમાં દુખાવો ઉપડતાં પરિવારના સભ્યો તાત્કાલિક સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તબીબી તપાસ દરમિયાન સગીરા ગર્ભવતી હોવાનો ભાંડો ફૂટ્યો હતો. આ દરમિયાન સગીરાને વધારે દુખાવો ઉપડતાં પ્રસુતિ કરવામાં આવતા તેણે બાળકને જન્મ આપ્યો હતો.

માતાની પૂછપરછમાં સામે આવ્યું કે, સગાઈ બાદ જ્યારે પરિવારના સભ્યો કામ અર્થે બહાર જતા ત્યારે મંગેતર ઘરે આવતો હતો. જ્યાં સગીરાની એકલતાનો લાભ લઈને તેની સાથે બળજબરીથી સબંધ બાંધતો હતો. મંગેતર દ્વારા અવારનવાર સબંધ બાંધવાના કારણે સગીરાને ગર્ભ રહી ગયો હતો.

આખરે ઘટનાની ગંભીરતાને જોતા સગીરાની માતાએ જામનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે સગીરાના મંગેતર વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને ધરપકડ કરી છે.