Gopal Italia: વિસાવદરની પેટાચૂંટણી જીત્યા બાદ ગોપાલ ઈટાલિયાએ જવાહર ચાવડા ઝિંદાબાદના લગાવ્યા નારા, જાણો શું છે સાચુ કારણ

કાર્યકર્તાઓએ ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડા ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. આશ્ચર્યજનક રીતે ગોપાલ ઇટાલિયાએ પણ આ નારામાં સૂર પુરાવી જવાહર ચાવડા ઝિંદાબાદના પોકારો કર્યા હતા.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Mon, 23 Jun 2025 03:45 PM (IST)Updated: Mon, 23 Jun 2025 03:45 PM (IST)
visavadar-by-election-result-gopal-italias-win-sparks-jawahar-chavda-zindabad-slogans-was-bjp-defeat-linked-to-former-minister
HIGHLIGHTS
  • વિસાવદર વિધાનસભા બેઠક પર ફરી ભાજપની હાર થઇ છે.
  • આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17554 મતે વિજય થયો છે.

Gopal Italia, Visavadar By Election Result: વિસાવદર પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત બાદ રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. જીત બાદ ગોપાલ ઇટાલિયા જ્યારે જૂનાગઢની બજારમાં નીકળ્યા હતા. ત્યારે તેમની સાથે રહેલા કાર્યકર્તાઓએ ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડા ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. આશ્ચર્યજનક રીતે ગોપાલ ઇટાલિયાએ પણ આ નારામાં સૂર પુરાવી જવાહર ચાવડા ઝિંદાબાદના પોકારો કર્યા હતા. જે રાજકીય ગલિયારામાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

ગોપાલ ઇટાલિયાની જીત પાછળ અનેક પરિબળો જવાબદાર હોઈ શકે છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, આ જીતમાં ઘણા આગેવાનોની સક્રિયતા રહી છે. જેમાં જવાહર ચાવડાએ સૌથી વધુ સક્રિય ભૂમિકા નિભાવી હોવાનું કહેવાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જવાહર ચાવડાએ વિસાવદર અને ભેંસાણ વિધાનસભા વિસ્તારોમાં વસતા આહીર સમાજના મતો આમ આદમી પાર્ટી તરફ વાળવામાં મહત્વનો ભાગ ભજવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

જાણકારો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે, ભાજપની વિસાવદરમાં થયેલી હાર પાછળ જવાહર ચાવડાની પણ મોટી અને નિર્ણાયક ભૂમિકા રહી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જવાહર ચાવડા જેઓ ભૂતકાળમાં મંત્રી પણ રહી ચૂક્યા છે.

વિસાવદર વિધાનસભા બેઠક પર ફરી ભાજપની હાર થઇ છે. પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સામે ભાજપે હારનો સામનો કરવો પડ્યો છે. આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17554 મતે વિજય થયો છે.

ઉમેદવાર પક્ષ મળેલા કુલ મત
કિરીટ પટેલ ભાજપ 58388
ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી 75942
નીતિન રાણપરિયા કોંગ્રેસ 5501