Mehsana News Today (15 June 2026): મહેસાણાના આજના મહત્વના સમાચાર, વાંચો એક ક્લિકમાં

મહેસાણા શહેર અને જિલ્લામાં રોજ બરોજની બનતી ઘટનાઓ, રાજકીય હલચલ, ગુનાહિત ઘટનાઓ સહિતના આજના મહત્વના સમાચાર અહીં સંક્ષ્પિતમાં આપવામાં આવ્યા છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 15 Jun 2026 12:05 PM (IST)Updated: Mon, 15 Jun 2026 12:05 PM (IST)
mehsana-latest-news-today-live-updates-on-15-june-2026

Mehsana News Today Live (15 June 2026): મહેસાણા શહેર અને જિલ્લામાં રોજ બરોજની બનતી ઘટનાઓ, રાજકીય હલચલ, ગુનાહિત ઘટનાઓ સહિતના આજના મહત્વના સમાચાર અહીં સંક્ષ્પિતમાં આપવામાં આવ્યા છે. જેથી આજની ભાગદોડમાં એકજ સ્થળે શહેર જિલ્લાના મહત્વના સમચાર વાંચી શકાય.

ઊંઝા માર્કેટયાર્ડમાં મસાલાની સીઝન અંતિમ તબક્કે

વૈશ્વિક સંઘર્ષોને કારણે અટકેલી નિકાસ અને ચોમાસાના આગમન પૂર્વે ઊંઝા માર્કેટયાર્ડમાં મસાલાની સીઝન હવે મંદી સાથે પૂર્ણતાના આરે છે. હાલમાં જીરાની 8000 બોરીની આવક સામે ગુણવત્તા મુજબ ભાવ 3400 થી 4200 રૂપિયાની સપાટીએ રહ્યા છે, જ્યારે નિકાસ પર નિર્ભર ઈસબગુલના ભાવમાં છેલ્લા 10 દિવસમાં મણે 100 રૂપિયાનો ઘટાડો નોંધાતા તે 2400 થી 2700 રૂપિયાની રેન્જમાં આવી ગયા છે. સ્થાનિક માંગમાં ઘટાડો અને આગામી દિવસોમાં વરસાદની શક્યતાને પગલે માર્કેટયાર્ડમાં જણસીની આવકો ટૂંક સમયમાં સંપૂર્ણપણે સ્થગિત થવાની સંભાવના છે.

મહેસાણા: 300 સોસાયટીઓને સ્ટ્રીટલાઇટ બિલમાંથી મુક્તિ મળી શકે

મહેસાણા મહાનગરપાલિકામાં નવા ભળેલા પાંચોટ, રામોસણા અને દેદિયાસણ જેવા વિસ્તારોની અંદાજે 300 ખાનગી રહેણાંક સોસાયટીઓને સ્ટ્રીટલાઇટના વીજ બિલમાંથી મુક્તિ આપવા અંગે આગામી બોર્ડ બેઠકમાં નીતિગત નિર્ણય લેવામાં આવશે. શહેરની જૂની હદમાં અમલી 'અટલ સ્ટ્રીટ લાઇટ યોજના'નો લાભ આ નવા વિસ્તારોને પણ આપવાની માગણી પર મનપા તંત્રએ હકારાત્મક વલણ દાખવ્યું છે. હાલમાં આ સોસાયટીઓ દર મહિને 3,000 થી 20,000 રૂપિયા સુધીનું વીજ બિલ પોતાની રીતે ભરી રહી છે, જેને ધ્યાનમાં રાખી સમગ્ર શહેરમાં સમાન સુવિધા પૂરી પાડવા માટે અગાઉના ઠરાવોમાં જરૂરી સુધારો કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

મહેસાણા: 3,179 ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓ ફરી શાળાએ પરત ફર્યા

મહેસાણા જિલ્લા શિક્ષણ વિભાગે ધોરણ 9 અને 10ના 3,179 આઉટ-ઓફ-સ્કૂલ વિદ્યાર્થીઓને ‘બેક ટુ સ્કૂલ’ અભિયાન હેઠળ ફરીથી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં સામેલ કર્યા છે. કુલ 10,310 બાળકોના સર્વેક્ષણ બાદ જિલ્લા શિક્ષણાધિકારીની ટીમ દ્વારા હાથ ધરાયેલા ડોર-ટુ-ડોર કાઉન્સેલિંગ અને વાલીઓ સાથેના સંપર્કને પગલે આ સફળતા મળી હતી. તપાસ દરમિયાન અન્ય 5,755 વિદ્યાર્થીઓ આઈટીઆઈ કે વ્યાવસાયિક કોર્સમાં જોડાયેલા હોવાનું જાણવા મળ્યું હતું, જ્યારે મજૂરી કે સામાજિક કારણોસર શિક્ષણથી વંચિત બાકીના 309 બાળકોને સરકારી યોજનાઓ દ્વારા પુનઃ સ્થાપિત કરવાના પ્રયાસો હાલ ચાલુ છે.