વડનગરના ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિરમાં મોટો વહીવટી ફેરફાર, ટ્રસ્ટી મંડળ હટાવવા હુકમ, સરકારી વહીવટદારની નિમણૂક

વડનગરના ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિરના વહીવટમાં મોટો ફેરફાર. ચેરિટી કમિશનરે ટ્રસ્ટીઓને ગેરબંધારણીય જાહેર કરી વહીવટદારની નિમણૂક કરી.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sun, 14 Jun 2026 09:30 PM (IST)Updated: Sun, 14 Jun 2026 09:30 PM (IST)
vadnagar-hatkeshwar-mahadev-temple-administration-charity-commissioner-order

Vadnagar News: ઉત્તર ગુજરાતના વડનગર સ્થિત સુપ્રસિદ્ધ અને પૌરાણિક હાટકેશ્વર મહાદેવ મંદિરના વહીવટને લઈને વર્ષોથી ચાલી રહેલા વિવાદનો અંતિમ તબક્કો આવી ગયો છે. મહેસાણાના ઇન્ચાર્જ ચેરિટી કમિશનરે એક મહત્વના અને ઐતિહાસિક આદેશ દ્વારા હાલના મંદિર ટ્રસ્ટીઓને ગેરબંધારણીય જાહેર કરી તેમને તાત્કાલિક અસરથી હોદ્દા પરથી દૂર કર્યા છે. આ સાથે જ વહીવટની લગામ ડેપ્યુટી ચેરિટી કમિશનરને સોંપવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો?

હાટકેશ્વર મહાદેવ ટ્રસ્ટ (નોંધણી ક્રમાંક: A/533-મહેસાણા)ના વહીવટ અંગે 1993થી વિવાદ ચાલી રહ્યો હતો. આ મામલે મંદિરના મુખ્ય પૂજારી જયંતભાઈ કે. પંડ્યા અને સ્થાનિક નાગરિકો - સુભાષભાઈ ભટ્ટ, નીલકંઠભાઈ ધોળકિયા, જયેશભાઈ મહેતા અને ચેતનાબેન બુચ દ્વારા ચેરિટી કમિશનરની કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. અરજદારોનો મુખ્ય આરોપ હતો કે, વર્ષોથી ટ્રસ્ટનો વહીવટ કરનારા લોકોએ બિનબંધારણીય રીતે હોદ્દા મેળવ્યા હતા અને મંદિરમાં ગેરરીતિ આચરી રહ્યા હતા.

મધ્યરાત્રિએ વહીવટનો કબજો, ટ્રસ્ટીઓ દ્વારા વિરોધ

ચેરિટી કમિશનરના આદેશ બાદ, વહીવટ પોતાના હસ્તક લેવા માટે અધિકારીઓ પોલીસ કાફલા સાથે રાત્રે 2 વાગ્યાના સુમારે મંદિર પરિસરમાં પહોંચ્યા હતા. તે સમયે હંગામો સર્જાયો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટ્રસ્ટીઓએ ઓફિસ અને રૂમોને તાળા મારીને પરિસર છોડી દીધું હતું. ત્યારબાદ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી વહીવટી તંત્રએ મંદિરનો કબજો મેળવ્યો હતો.

અધિકારીઓનું શું કહેવું છે?

પેટલાદ અને મહેસાણાના ઇન્ચાર્જ ડેપ્યુટી ચેરિટી કમિશનર વી. એન. વસાવાએ જણાવ્યું હતું કે- વર્ષ 1993થી ટ્રસ્ટના દફતરે કોઈ પણ કાયદેસરના ટ્રસ્ટી અસ્તિત્વમાં નહોતા. બે જૂથો વચ્ચે લાંબા સમયથી ખેંચતાણ ચાલી રહી હતી. કોર્ટના આદેશનું પાલન કરાવવા માટે ટ્રસ્ટીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ પ્રતિસાદ ન મળતા તેમના રહેઠાણે જઈને નોટિસ ચોંટાડીને આદેશની જાણ કરવામાં આવી છે.

આગળની કાર્યવાહી

ટ્રસ્ટીઓને હાજર રહેવા આદેશ: તમામ પૂર્વ ટ્રસ્ટીઓને આગામી 15 જૂને ટ્રસ્ટ ઓફિસમાં હાજર રહેવા નિર્દેશ આપવામાં આવ્યો છે.

નવી ચૂંટણી સુધીનો સમયગાળો: આગામી 6 મહિનામાં નિયમાનુસાર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરીને નવું ટ્રસ્ટી મંડળ ન બને ત્યાં સુધી મંદિરનો વહીવટ ચેરિટી કમિશનરની દેખરેખ હેઠળ રહેશે.

પોલીસ સુરક્ષા: સુરક્ષાના ભાગરૂપે મંદિર પરિસરમાં પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.