Nadiad News Today (9 June 2026): નડિયાદના આજના મહત્વના સમાચાર, વાંચો એક ક્લિકમાં

નડિયાદ શહેર અને ખેડા જિલ્લામાં રોજ બરોજની બનતી ઘટનાઓ, રાજકીય હલચલ, ગુનાહિત ઘટનાઓ સહિતના આજના મહત્વના સમાચાર અહીં સંક્ષ્પિતમાં આપવામાં આવ્યા છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 09 Jun 2026 12:29 PM (IST)Updated: Tue, 09 Jun 2026 12:29 PM (IST)
nadiad-latest-news-today-live-updates-on-09-june-2026

Nadiad News Today Live (9 June 2026): નડિયાદ શહેર અને ખેડા જિલ્લામાં રોજ બરોજની બનતી ઘટનાઓ, રાજકીય હલચલ, ગુનાહિત ઘટનાઓ સહિતના આજના મહત્વના સમાચાર અહીં સંક્ષ્પિતમાં આપવામાં આવ્યા છે. જેથી આજની ભાગદોડમાં એકજ સ્થળે શહેર જિલ્લાના મહત્વના સમચાર વાંચી શકાય.

મહુધાની સરકારી શાળાઓમાં 91 નવા વર્ગખંડોને મંજૂરી

ગુજરાત સરકારે મહુધા વિધાનસભા વિસ્તારની સરકારી પ્રાથમિક શાળાઓ માટે વર્ષ 2026-27 દરમિયાન 91 નવા વર્ગખંડોના બાંધકામને મંજૂરી આપી છે. આ પહેલનો મુખ્ય હેતુ ગ્રામીણ વિસ્તારોમાં વર્ગખંડોની તંગી નિવારી વિદ્યાર્થીઓને આધુનિક સુવિધાઓ સાથેનું શ્રેષ્ઠ શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવાનો છે. મંત્રી સંજયસિંહ મહિડાની રજૂઆતો બાદ લેવાયેલા આ નિર્ણયથી સ્થાનિક શાળાઓમાં જગ્યાની સમસ્યા હલ થશે અને શિક્ષણના સ્તરમાં સીધો સુધારો જોવા મળશે. આ મંજૂરીને પગલે સમગ્ર વિસ્તારના વાલીઓ અને શિક્ષણ જગતમાં હર્ષની લાગણી ફેલાઈ છે.

નડિયાદ: સરદાર પ્રતિમા પાસેનો માર્ગ 8 ફૂટ ખુલ્લો કરાતા વેપારીઓને રાહત

નડિયાદના ત્રિમૂર્તિ કોમ્પ્લેક્સ પાસે કાંસની સફાઈ માટે એક મહિનાથી બંધ કરવામાં આવેલો રસ્તો સ્થાનિક વેપારીઓની રજૂઆત બાદ તંત્ર દ્વારા 8 ફૂટ જેટલો ખુલ્લો કરવામાં આવ્યો છે. લાંબા સમયથી માર્ગ બંધ હોવાથી વેપાર-ધંધા પર અસર પડતી હોવાની ફરિયાદને પગલે પાલિકાએ પતરા હટાવી વાહનચાલકો અને રાહદારીઓને અવરજવર માટે જગ્યા કરી આપી છે. જોકે, અકસ્માત ટાળવા માટે ખુલ્લા કાંસની ફરતે સુરક્ષા આડશ હજુ પણ યથાવત રાખવામાં આવી છે.

નડિયાદમાં ડમ્પરમાંથી ગંદકી રસ્તા પર ઢોળાતા વાહનચાલકો પરેશાન

નડિયાદના સરદાર સ્ટેચ્યુ વિસ્તારમાં કાંસની સફાઈ દરમિયાન નગરપાલિકાના ડમ્પરમાંથી ગંદા પાણીના ફુવારા ઉડતા વાહનચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. કમળા ડમ્પિંગ સાઈટ પર કચરો લઈ જતી વખતે વાહનનો પાછળનો દરવાજો વ્યવસ્થિત બંધ ન હોવાથી લીકેજને કારણે આખી ગંદકી મુખ્ય માર્ગો પર ફેલાઈ હતી. સ્થાનિકોના આક્રોશ બાદ ડેપ્યુટી કમિશનર રુદ્રેશ હુદળે આ બેદરકારીની નોંધ લઈ જવાબદાર ચાલક અને કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાની તેમજ ભવિષ્યમાં આવી ઘટના ન બને તેની ખાતરી આપી છે.

માતરમાં સ્વચ્છતા સપ્તાહની ઉજવણી, રેલી અને શપથ ગ્રહણ સાથે વૃક્ષારોપણ કરાયું

માતર તાલુકા વહીવટી તંત્ર દ્વારા 8 જૂન, 2026ના રોજ ‘સ્વચ્છતા સપ્તાહ અભિયાન’ અંતર્ગત એન.સી. પરીખ હાઈસ્કૂલથી ઐતિહાસિક ગાંધી આશ્રમ સુધી જનજાગૃતિ રેલી યોજવામાં આવી હતી. ગાંધી આશ્રમ ખાતે અધિકારીઓ અને નાગરિકોએ ગાંધીજીની પ્રતિમાને અંજલિ અર્પણ કરી દેશને સ્વચ્છ રાખવાના સામૂહિક શપથ લીધા હતા. આ જનજાગૃતિ કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ જાળવણીના હેતુથી વહીવટી તંત્ર દ્વારા આશ્રમ પરિસરમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.