Nadiad News Today (10 June 2026): નડિયાદના આજના મહત્વના સમાચાર, વાંચો એક ક્લિકમાં

નડિયાદ શહેર અને ખેડા જિલ્લામાં રોજ બરોજની બનતી ઘટનાઓ, રાજકીય હલચલ, ગુનાહિત ઘટનાઓ સહિતના આજના મહત્વના સમાચાર અહીં સંક્ષ્પિતમાં આપવામાં આવ્યા છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 10 Jun 2026 11:58 AM (IST)Updated: Wed, 10 Jun 2026 11:58 AM (IST)
nadiad-latest-news-today-live-updates-on-10-june-2026

Nadiad News Today Live (10 June 2026): નડિયાદ શહેર અને ખેડા જિલ્લામાં રોજ બરોજની બનતી ઘટનાઓ, રાજકીય હલચલ, ગુનાહિત ઘટનાઓ સહિતના આજના મહત્વના સમાચાર અહીં સંક્ષ્પિતમાં આપવામાં આવ્યા છે. જેથી આજની ભાગદોડમાં એકજ સ્થળે શહેર જિલ્લાના મહત્વના સમચાર વાંચી શકાય.

નડિયાદમાં વધુ પાંચ સિટી બસ શરૂ કરવા માગ

નડિયાદને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યાના 2 વર્ષ બાદ પણ સિટી બસ સેવા કથળતા સ્થાનિકોએ મ્યુનિસિપલ કમિશનરને આવેદન આપી જન આંદોલનની ચીમકી આપી છે. કરોડોના ખર્ચે ફાળવાયેલી 32 બસો ડેપોમાં ધૂળ ખાઈ રહી છે, જ્યારે તંત્રના 4 બસોના દાવા સામે વાસ્તવમાં માત્ર 2 જ બસો અનિયમિત રીતે દોડતી હોવાથી મુસાફરો અને વિદ્યાર્થીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. પશ્ચિમ નાગરિક સમિતિએ તાકીદે વધુ 5 બસો શરૂ કરી આ સેવાની કનેક્ટિવિટી આસપાસના 10 ગામો સુધી લંબાવવાની ઉગ્ર માંગ કરી છે.

ખેડા: 930 વાહનો ડિટેઈન થયા બાદ HSRP માટે દોડધામ, 7 દિવસનું વેઈટિંગ

ખેડા જિલ્લામાં માર્ગ સુરક્ષા ઝુંબેશ હેઠળ પોલીસે માત્ર બે દિવસમાં નિયમોનું ઉલ્લંઘન કરનારા 930 થી વધુ વાહનોને ડિટેઈન કરી કડક કાર્યવાહી હાથ ધરી છે. વાહનચાલકોના આક્રોશ અને વ્યવહારિક મુશ્કેલીઓને ધ્યાને રાખી પોલીસે HSRP નંબર પ્લેટ ફિટ કરાવવા 8 દિવસની વધારાની મુદત આપી છે, જેના કારણે ઓનલાઈન પોર્ટલ પર ભારે ધસારાને લીધે હાલ 7 દિવસનું વેઈટિંગ ચાલી રહ્યું છે. પોલીસ તંત્રએ ચેતવણી આપી છે કે આ રાહતની મુદત પૂર્ણ થતા જ 15 જૂનથી સમગ્ર જિલ્લામાં ફરી એકવાર સઘન ચેકિંગ અને વાહન જપ્તીની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

કઠવાડા ગામમાં ચોમાસા પૂર્વે સફાઈ ઝુંબેશ: સરપંચે જાતે શ્રમદાન કરી ગ્રામજનોને પ્રેરણા આપી

ખેડા તાલુકાના કઠવાડા ગામમાં આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને સરપંચના નેતૃત્વમાં જાહેર માર્ગો પર સઘન સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ ઝુંબેશ હેઠળ ગામના મુખ્ય રસ્તાઓ પરથી કચરો દૂર કરી સ્વચ્છતા સુનિશ્ચિત કરવામાં આવી હતી, જેમાં સરપંચે પોતે સફાઈમાં જોડાઈને ગ્રામજનો સમક્ષ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ આયોજનનો મુખ્ય હેતુ વરસાદી પાણીના નિકાલમાં પડતી અડચણો દૂર કરવાનો અને ગામમાં ગંદકીને કારણે ફેલાતા સંભવિત રોગચાળાને અટકાવવાનો છે.

નડિયાદના કંજરીમાં મિલકત વિવાદમાં બે પરિવારો વચ્ચે અથડામણ, 8 સામે ગુનો નોંધાયો

નડિયાદના કંજરી ઈન્દિરાનગરી વિસ્તારમાં વડીલોપાર્જિત મકાનોની વહેંચણી મુદ્દે બે કુટુંબી પરિવારો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં વડતાલ પોલીસે 8 વ્યક્તિઓ સામે ગુનો દાખલ કર્યો છે. જૂન 7ના રોજ થયેલી આ બબાલમાં લોખંડની પાઈપો અને લાકડાના ફટકાથી એકબીજા પર હુમલો કરવામાં આવતા બંને પક્ષે ગંભીર ઈજાઓ પહોંચી હતી. મિલકતમાં ભાગ માંગવા બાબતે થયેલી આ મારામારીમાં જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી, જે અંગે પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

રઢુમાં કેમિકલ પ્રદૂષણ અને ગેરકાયદે દબાણ સામે ગ્રામજનોનો આક્રોશ: કલેક્ટરને આવેદન

ખેડા જિલ્લાના રઢુ ગામની સાબરમતી નદી અને પડતર જમીનમાં અજાણ્યા તત્વો દ્વારા ઠલવાતા ઝેરી કેમિકલના વિરોધમાં ગ્રામજનોએ નડિયાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ કરી છે. સ્થાનિકોએ આ પ્રદૂષણથી માનવ સ્વાસ્થ્ય અને પશુધન પર તોળાતા જોખમ તેમજ ગેરકાયદે માટી પુરાણને કારણે વરસાદી પાણીના નિકાલમાં સર્જાતી અડચણો અંગે લેખિત રજૂઆત કરી હતી. આ ગુનાહિત પ્રવૃત્તિઓ અને વધતી પશુચોરી ડામવા ગામના પ્રવેશદ્વારો પર સીસીટીવી (CCTV) કેમેરા લગાવવાની માંગ સાથે ગ્રામજનોએ વહીવટી તંત્રને આંદોલનની ચીમકી આપી છે.