Nadiad News Today Live (11 June 2026): નડિયાદ શહેર અને ખેડા જિલ્લામાં રોજ બરોજની બનતી ઘટનાઓ, રાજકીય હલચલ, ગુનાહિત ઘટનાઓ સહિતના આજના મહત્વના સમાચાર અહીં સંક્ષ્પિતમાં આપવામાં આવ્યા છે. જેથી આજની ભાગદોડમાં એકજ સ્થળે શહેર જિલ્લાના મહત્વના સમચાર વાંચી શકાય.
નડિયાદમાં કેનેડા મોકલવાના નામે 7 લાખની ઠગાઈ: વડોદરાથી મુખ્ય સૂત્રધાર ઝડપાયો
નડિયાદ પશ્ચિમ પોલીસે કેનેડા મોકલવાના બહાને 7 લાખ રૂપિયાની છેતરપિંડી આચરનાર ટોળકીના મુખ્ય સૂત્રધાર સેલ્વિન મેકવાનની વડોદરાથી ધરપકડ કરી છે. આ ટોળકીએ નડિયાદના એક નાગરિકને કેનેડાના નકલી વિઝા અને વર્ક પરમિટ આપી વિશ્વાસમાં લીધા બાદ માતબર રકમ પડાવી લીધી હતી. આરોપી વડોદરામાં કન્સલ્ટન્સીના ઓઠા હેઠળ આ રેકેટ ચલાવતો હોવાનું ખુલ્યું છે, જ્યારે પોલીસ હાલ આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે ફરાર શખ્સોની સઘન શોધખોળ કરી રહી છે.
ખેડા-બારેજા હાઈવે પર આઈસર ટ્રક પલટી, જાનહાનિ ટળી
ખેડા-બારેજા નેશનલ હાઈવે પર બેટડી લાઠ બ્રિજ પાસે આજે વહેલી સવારે પ્લાસ્ટિકના દાણા ભરેલી એક આઈસર ટ્રક પલટી ગઈ હતી. વાપીથી અમદાવાદ જઈ રહેલી આ ટ્રકના ચાલકે સવારે 7 વાગ્યાની આસપાસ સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા વાહન બ્રિજની દીવાલ સાથે અથડાયું હતું. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, જોકે હાઈવે પર ટ્રાફિક વ્યવસ્થિત કરવા NHAIની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરી હતી.
વિંઝોલના વાધેશ્વરી માતાજી મંદિરે ધારાસભ્યની આગેવાનીમાં સ્વચ્છતા અભિયાન
ઠાસરાના વિંઝોલ ગામે આવેલા શ્રી વાધેશ્વરી માતાજી મંદિર પરિસરમાં ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમારની અધ્યક્ષતામાં સ્વચ્છતા અભિયાન અને શ્રમદાનનો કાર્યક્રમ યોજાયો હતો. વડાપ્રધાનના 'સ્વચ્છ ભારત' સંકલ્પ અંતર્ગત આયોજિત આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ અને સંગઠનના હોદ્દેદારોએ જોડાઈને મંદિર પરિસરની સફાઈ કરી હતી. ધારાસભ્યએ ગ્રામજનોને સ્વચ્છતાને સંસ્કાર બનાવી ગામને પ્લાસ્ટિક મુક્ત રાખવા અપીલ કરી હતી, જે બાદ સૌએ નિયમિત સફાઈ જાળવવાના શપથ લીધા હતા.
નડિયાદ: ઉઘરાણીથી કંટાળી હાથજના 20 વર્ષીય યુવાનનો આપઘાત
નડિયાદ તાલુકાના હાથજ ગામના 20 વર્ષીય મહેબૂબખાન પઠાણે દેવા અને લેણદારોની સતત ઉઘરાણીથી કંટાળી મરીડા સીમમાં આવેલી દરગાહમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. ૯ જૂનના રોજ ઘરેથી નીકળ્યા બાદ ગુમ થયેલા યુવાનનો મૃતદેહ શોધખોળ દરમિયાન લોખંડના સળિયે લટકતી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ હતી. નડિયાદ રૂરલ પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જોકે ઘટનાસ્થળેથી કોઈ સ્યુસાઈડ નોટ મળી આવી નથી.
માતર: મંદિરના પૂજારીના ક્રેડિટ કાર્ડમાંથી 8 મિનિટમાં 44,847 રૂપિયાની ચોરી
માતર તાલુકાના ત્રાજ ગામે અંબાજી મંદિરના પૂજારી સુભાષચંદ્ર ભટ્ટના ક્રેડિટ કાર્ડમાંથી કોઈ પણ ઓટીપી (OTP) વગર માત્ર 8 મિનિટના ગાળામાં 44,847 રૂપિયાની સાયબર ચોરી થઈ છે. ગત 23 મેના રોજ પાંચ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા આ રકમ ઉપાડી લેવાતા પૂજારીએ તાત્કાલિક સાયબર હેલ્પલાઈન 1930 પર ફરિયાદ કરી હતી. આ મામલે માતર પોલીસ મથકે વિધિવત ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ તપાસ તેજ કરી છે.
