Narmada: ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલ સ્ટેચ્યૂ ઑફ યુનિટીની આસપાસના ગામમાં રહેતા લગભગ 1 હજાર જેટલા આદિવાસી પરિવારો રાંધણ ગેસની બાબતમાં આત્મનિર્ભર બની રહ્યા છે.
આદિવાસી પરિવારોને LPG ગેસ અને લાકડા પરની નિર્ભરતા ઓછી કરવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પહેલ રંગ લાવી રહી છે. જે અંતર્ગત આદિવાસી પરિવારોને બાયોગેસ પ્લાન્ટથી સજ્જ કરવામાં આવી રહ્યા છે.
1 હજાર આદિવાસી ઘરોમાં બાયો ગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવશે
ગત વર્ષે વડાપ્રધાન મોદીએ એકતાનગરમાં આયોજિત એકતા દિવસ પરેડ દરમિયાન જાહેર કર્યું હતું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આસપાસ રહેતા 1000 આદિવાસી ઘરોમાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવશે. જે બાદ અત્યાર સુધીમાં 665 જેટલા બાયોગેસ પ્લાન્ટ સ્થપાઈ પણ ચૂક્યા છે.
આ યોજના નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાની 38 ગ્રામ પંચાયતો હેઠળ આવેલા 89 ગામોમાં અમલમાં છે. ગરુડેશ્વર તાલુકા પંચાયત દ્વારા અમલામાં મૂકાયેલ આ યોજનાનું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) દ્વારા મોનિટરિંગ થઇ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યના ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા મળે તે માટેની યોજનાઓનો ત્વરિત અમલ થઇ રહ્યો છે.
હવે LPG ગેસના બાટલાની ચિંતા નહીં
આ અંગે સ્ટેચ્યૂ ઑફ યુનિટીથી 7 કિમી દૂર આવેલ વાઘપુરા ગામમાં રહેતી રવિના તડવીએ જણાવ્યું કે, હવે અમારે LPG ગેસની ચિંતા નથી. બાયોગેસ પ્લાન્ટ દ્વારા દરરોજ સ્વચ્છ ઇંધણ મળે છે અને બાયોગેસ પ્લાન્ટમાંથી નીકળતી સ્લરી ખેતીમાં રાસાયણિક ખાતરનો ઉત્તમ વિકલ્પ બની છે. જૈવિક ખાતરને કારણે પાક ઉત્પાદન પણ વધે છે.
અન્ય ગ્રામજન ચંદુ તડવીએ જણાવ્યું કે, બાયોગેસ પ્લાન્ટને કારણે સૌથી વધુ લાભ મહિલાઓને થયો છે. પહેલાં મહિલાઓ ખેતરમાં કામ કર્યા પછી લાકડાં ભેગા કરવા માટે લાંબા અંતર સુધી જતી હતી. ચૂલા પર રસોઇ કરવાને કારણે ધૂમાડો થતો અને આંખોને પણ નુકશાન થતું હતુ. જો કે હવે બાયોગેસના ઉપયોગથી મહિલાઓ ધુમાડાથી મુક્ત થઈ ગઈ છે અને રસોઈ ગેસમાં આત્મનિર્ભર બની છે.
