Narmada: નર્મદા જિલ્લામાં રાજકીય આગેવાનો અને પોલીસ વિભાગની મિલીભગતથી મોટા પાયે ચાલી રહેલા ગેરકાયદેસર દારૂ અને જુગારના અડ્ડાઓનો મામલો હવે રાજ્ય કક્ષાએ પહોંચ્યો છે. ભરૂચ લોકસભા બેઠકના સાંસદ મનસુખ વસાવાએ આ અંગે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને રજૂઆત કરી છે. સાંસદના આ ગંભીર આક્ષેપો ભરેલા પત્રને પગલે સમગ્ર નર્મદા જિલ્લાના રાજકારણમાં અને પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.
ભ્રષ્ટ પોલીસ અધિકારીઓના નામ જોગ ઉલ્લેખથી ફફડાટ
સાંસદ મનસુખ વસાવાએ ગૃહમંત્રીને લખેલા પત્રમાં કોઈ રાજકીય નેતાના નામનો સીધો ઉલ્લેખ કર્યો નથી, પરંતુ હપ્તાખોરી અને ભ્રષ્ટાચારમાં લિપ્ત એવા કેટલાક પોલીસકર્મીઓના નામ જોગ ઉલ્લેખ કરીને કડક કાર્યવાહીની માંગ કરી છે.
PM Kisan Yojanaને લઈને મોટી અપડેટઃ આવા ખેડૂતોના ખાતામાં નહીં આવે 23મો હપ્તો, આ જરૂરી કામ આજે જ પતાવો
તેમણે પત્રમાં આક્રોશપૂર્વક જણાવ્યું છે કે, મહારાષ્ટ્રની સરહદેથી નર્મદા જિલ્લા ઉપરાંત ઉમલ્લા, રાજપારડી, કરજણ અને શિનોર જેવા પડોશી વિસ્તારોમાં મોટા પાયે કેમિકલયુક્ત ઝેરી દારૂનો જથ્થો સપ્લાય કરવામાં આવી રહ્યો છે.
આ ગેરકાયદેસર સપ્લાય રૂટ પર આવતા તમામ પોલીસ સ્ટેશનના PSI (પોલીસ સબ ઇન્સ્પેક્ટર)ની સંડોવણી હોવાનો તેમણે સીધો આક્ષેપ કર્યો છે, જેમાં ખાસ કરીને આમલેથા પોલીસ સ્ટેશનની ભૂમિકા અત્યંત શંકાસ્પદ હોવાનું જણાવ્યું છે.
આ કેમિકલવાળો ઝેરી દારૂ પીને આપણું સ્થાનિક યુવાધન ખતમ થઈ રહ્યું છે, તેને તાત્કાલિક બચાવી લો: મનસુખ વસાવા
ગૃહમંત્રીને પત્ર લખતા પહેલા સાંસદે નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક (SP)ને પણ આ બાબતે લેખિત રજૂઆત કરી હતી. જોકે, સ્થાનિક સ્તરે પોલીસ તંત્ર દ્વારા કોઈ નક્કર કે યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવતા આખરે તેમણે રાજ્ય કક્ષાએ ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાની ફરજ પડી છે.
