Narmada: કાળઝાળ ગરમીથી અબોલા જીવોને બચાવવા 'જંગલ સફારી' સજ્જ: દેશી પ્રાણીઓ માટે કૂલર અને વિદેશીઓ માટે ACની વ્યવસ્થા કરાઈ

પશુ-પક્ષીઓમાં ડિહાઇડ્રેશનની સમસ્યા ન સર્જાય તે માટે જંગલ સફારીના મેનેજમેન્ટ દ્વારા તેમને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેવા 'પાણીદાર અને રસદાર ફળો' ખોરાકમાં આપવામાં આવી રહ્યા છે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 16 May 2026 07:16 PM (IST)Updated: Sat, 16 May 2026 07:16 PM (IST)
narmada-news-ekta-nagar-jungle-safari-prepared-to-save-animals-from-scorching-heat
HIGHLIGHTS
  • સ્ટેચ્યુ ઑફ યુનિટી નજીક 135 એકરમાં ફેલાયેલા ઝૂઓલોજી પાર્કમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રીએ પહોંચ્યું
  • જંગલ સફારી પાર્કમાં વૃક્ષો ઉગાડીને જંગલ જેવો માહોલ ઉભો કરવામાં આવ્યો છે

Narmada: ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થઈ ચૂકી છે, જેના કારણે સામાન્ય જનજીવન ભારે પ્રભાવિત થયું છે.

આવા કપરા સમયમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' પાસે આવેલા પ્રખ્યાત સરદાર પટેલ ઝૂઓલોજી પાર્ક (જંગલ સફારી)માં અબોલા પશુ-પક્ષીઓને અસહ્ય ગરમીથી બચાવવા માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ અને પૂર્વ આયોજિત વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચતા વિશેષ આયોજન

આશરે 135 એકર જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલા આ આધુનિક ઝૂઓલોજી પાર્કમાં હાલ તાપમાનનો પારો 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે. આ આકરી ગરમીમાં પાર્કમાં વસતા 1500થી વધુ વિવિધ પ્રજાતિના દેશી અને વિદેશી પશુ-પક્ષીઓને હીટ સ્ટ્રોક અને ડિહાઇડ્રેશન (પાણીની અછત)થી રક્ષણ આપવું એક મોટો પડકાર છે. જોકે, જંગલ સફારીની ટીમ આ માટે સંપૂર્ણ રીતે સજ્જ દેખાઈ રહી છે.

કુદરતી માહોલ વચ્ચે ટેકનોલોજીનો સમન્વય

જોકે જંગલ સફારી પાર્કમાં મોટા પ્રમાણમાં વૃક્ષો ઉગાડીને કુદરતી જંગલ જેવો જ ઠંડો માહોલ તૈયાર કરવામાં આવ્યો છે, તેમ છતાં વધતા જતા તાપમાનને પહોંચી વળવા ખાસ આયોજન કરાયું છે.

naidunia_image

સ્થાનિક વાતાવરણથી ટેવાયેલા ભારતીય અને સ્થાનિક પ્રાણીઓ માટે મોટા કૂલર મૂકવામાં આવ્યા છે, જ્યારે અન્ય દેશોમાંથી લાવવામાં આવેલા સંવેદનશીલ વિદેશી પશુ-પક્ષીઓ માટે સ્પેશિયલ એર કંડિશનર (AC)ની સુવિધા ઊભી કરાઈ છે. આ ઉપરાંત, સમગ્ર એન્ક્લોઝરમાં ઠંડક જળવાઈ રહે તે માટે સ્પ્રિંકલર (પાણીના ફુવારા) દ્વારા સતત પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

ખોરાકમાં ફેરફાર: પાણીદાર ફળોનો ડાયેટ પ્લાન

ભીષણ ગરમીમાં વન્યજીવોના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે તેમના દૈનિક ખોરાકમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. પશુ-પક્ષીઓમાં ડિહાઇડ્રેશનની સમસ્યા ન સર્જાય તે માટે જંગલ સફારીના મેનેજમેન્ટ દ્વારા તેમને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેવા 'પાણીદાર અને રસદાર ફળો' ખોરાકમાં આપવામાં આવી રહ્યા છે. ઓઆરએસ (ORS) અને વિટામિન યુક્ત પ્રવાહી પણ નિયમિત અપાતું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

વન્યજીવોની સુરક્ષા એ અમારી પ્રાથમિકતા છે

સરદાર પટેલ ઝૂઓલોજી પાર્કના ડાયરેક્ટર વિપુલ ચક્રવર્તીની સીધી દેખરેખ હેઠળ આ તમામ કામગીરી રાઉન્ડ ધ ક્લોક ચાલી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, તાપમાનનો પારો જેમ-જેમ ઊંચો જઈ રહ્યો છે, તેમ-તેમ વન્યજીવોની સુરક્ષા અને અનુકૂળતા માટે તમામ આગોતરા પગલાં લેવાઈ રહ્યા છે, જેથી જંગલ સફારીના પ્રાણીઓને ગરમીની કોઈ પ્રતિકૂળ અસર ન થાય અને તેઓ સ્વસ્થ રહી શકે.