નવસારીના ધારાગીરી ગામમાં કાળજું કંપાવતી ઘટના, રમતા-રમતા બંધ કારમાં પુરાયેલા બે સગા ભાઈઓના મોત

નવસારીના ધારાગીરી ગામમાં બે માસૂમ ભાઈઓના બંધ કારમાં ગૂંગળામણથી મોત. રમતા-રમતા કારમાં પુરાઈ ગયા હતા બંને ભાઈઓ, સમગ્ર પંથકમાં શોકની લાગણી.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 03 Jun 2026 07:48 PM (IST)Updated: Wed, 03 Jun 2026 07:48 PM (IST)
heart-wrenching-incident-in-dharagiri-village-of-navsari-two-brothers-die-after-being-crushed-in-a-closed-car-while-playing

Navsari News: નવસારીના ધારાગીરી ગામમાંથી એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. ગામમાં ઘર નજીક રમી રહેલા બે સગા માસૂમ ભાઈઓ લાંબા સમયથી બંધ પડેલી એક કારમાં રમવા માટે અંદર ગયા હતા, પરંતુ દરવાજા લોક થઈ જતાં અંદર જ ફસાઈ ગયા હતા. ગૂંગળામણને કારણે બંને બાળકોના કરુણ મોત નીપજતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, ધારાગીરી ગામમાં રહેતી એક મહિલા પોતાના ઘરના કામકાજમાં વ્યસ્ત હતી, ત્યારે તેના બે માસૂમ બાળકો કૈરવ જોગી (ઉંમર વર્ષ 4) અને અભિમન્યુ જોગી (ઉંમર વર્ષ 3) ઘરની બહાર રમી રહ્યા હતા. રમતા-રમતા બંને બાળકો ઘર પાસે પાર્ક કરેલી એક જૂની અને લાંબા સમયથી બંધ હાલતમાં રહેલી કારમાં પ્રવેશી ગયા હતા.

દુર્ભાગ્યવશ, કારના દરવાજા આપમેળે લોક થઈ ગયા હતા, જેના કારણે બાળકો અંદર જ ફસાઈ ગયા હતા. કારમાં ગૂંગળામણ થવાને કારણે બંને બાળકો બેભાન થઈ ગયા હતા. ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે ગામના રસ્તેથી પસાર થતી એક મહિલાની નજર કાર પર પડી અને તેમણે અંદર બેભાન હાલતમાં બાળકોને જોયા.

હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરોએ મૃત જાહેર કર્યા

ગ્રામજનોની મદદથી બંને બાળકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ બંને માસૂમોને તપાસીને મૃત જાહેર કર્યા હતા. એકસાથે બે દીકરાઓ ગુમાવનાર જોગી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પરિવારજનોના આક્રંદથી હોસ્પિટલ પરિસરમાં ઉપસ્થિત લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી.

પોલીસ તપાસ શરૂ

ઘટનાની જાણ થતાં જ નવસારી ગ્રામ્ય પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોલીસે બંને બાળકોના મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે. હાલ પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાર કેવી રીતે લોક થઈ અને બાળકો ત્યાં સુધી કેવી રીતે પહોંચ્યા તે દિશામાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે.