Banaskantha Rain: મે મહિનાની અંગદઝાડતી ગરમીમાંથી હવે મોટી રાહત મળવા જઈ રહી છે, કારણ કે હવામાન વિભાગ દ્વારા આગામી 4 જૂન સુધી રાજ્યના અલગ-અલગ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. એવામાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના હવામાનમાં પલટો આવ્યો છે.
આજે સવારથી અસહ્ય ઉકળાટ અને બફારા બાદ સમી સાંજ બાદ બનાસકાંઠા જિલ્લાનું આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતુ. ખાસ કરીને અમીરગઢ પંથકમાં સુસવાટા મારતા પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદનું ઝાપટું વરસ્યું હતુ. અચાનક ખાબકેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં પરસેવે રેબઝેબ થઈ રહેલા નાગરિકોને બફારામાં રાહત મળી છે.
વરસાદની આગાહીને પગલે સાવચેતીના પગલાં લેવા સૂચના અપાઈ
અમદાવાદ સ્થિત હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેને પગલે બનાસકાંઠા કલેકટરની કચેરીની ડીઝાસ્ટર શાખા દ્વારા જિલ્લામાં સાવચેતીના પગલાં લેવા જણાવવામાં આવ્યું છે.
આ પરિસ્થિતિને પગલે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ (APMC) અને તેના પેટા કેન્દ્રોમાં ખુલ્લામાં રાખવામાં આવેલ અનાજ તેમજ અનાજની બોરીઓ વરસાદના કારણે પલળીને બગડી ન જાય તે માટે તાકીદે યોગ્ય વ્યવસ્થા કરવા જણાવાયું છે.
જિલ્લામાં અનાજ કે અનાજ ભરેલી બોરીઓના પરિવહન દરમિયાન પણ તે સુરક્ષિત રહે અને પલળે નહીં તે અંગે ખેડૂતોએ ખાસ કાળજી લેવી. પાક ખેતરમાં હોય તો તેને ઢાંકી દેવાનો રહેશે.
