Banaskantha: પાલનપુર અને દિયોદરમાં ફૂડ વિભાગના દરોડા, 8 લાખથી વધુનું અધધ 1444 કિલો શંકાસ્પદ ઘી જપ્ત

આરોગ્ય વિભાગે ખાદ્ય સુરક્ષા અને ધોરણ અધિનિયમ-2006 હેઠળ કાર્યવાહી કરી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 17 May 2026 12:27 PM (IST)Updated: Sun, 17 May 2026 12:27 PM (IST)
palanpur-deodar-food-department-raids-1444-kg-adulterated-ghee-seized
HIGHLIGHTS
  • પાલનપુર અને દિયોદરમાં ફૂડ વિભાગના દરોડા
  • 1444 કિલો ડુપ્લિકેટ અને શંકાસ્પદ ઘી ઝડપાયું

Gujarat Suspicious ghee seized: નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો સામે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે સકંજો કસ્યો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા બનાસકાંઠા જિલ્લાના પાલનપુર અને દિયોદર વિસ્તારમાં દરોડા પાડીને ડુપ્લિકેટ અને શંકાસ્પદ ઘીના વેચાણ અને સંગ્રહ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.

પાલનપુર અને દિયોદરમાં વિશેષ દરોડા

રાજ્ય સરકારના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પાલનપુર અને દિયોદર વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન તપાસ કરતા ત્રણ સ્થળોથી કુલ 1444 કિલોગ્રામથી વધુ શંકાસ્પદ ઘી ઝડપાયું છે. જપ્ત કરાયેલા આ ભેળસેળયુક્ત ઘીના જથ્થાની અંદાજિત કિંમત રૂ. 8.28 લાખથી વધુ હોવાનું સામે આવ્યું છે.

1444 કિલોથી વધુ શંકાસ્પદ ઘી જપ્ત

આ દરોડાની વિગતો આપતા અધિકારીઓએ જણાવ્યું કે, તપાસ દરમિયાન પાલનપુર વિસ્તારમાંથી આશરે 448 કિલો અને દિયોદર વિસ્તારમાંથી અંદાજે 446 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય એક સ્થળેથી પણ આશરે 551 કિલો ઘી ઝડપાયું હતું. મોટી માત્રામાં ભેળસેળયુક્ત અથવા ડુપ્લિકેટ ઘી હોવાની શંકા હેઠળ આ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.

ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાનૂની કાર્યવાહી

નકલી ઘી પકડવાનું આ મેગા ઓપરેશન ફૂડ સેફ્ટી ઓફિસર ચેતના ગુર્જર, એમ.એન. ગુર્જર અને એસ.એમ. પટેલની ટીમ દ્વારા વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરીને કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગે આ મામલે ખાદ્ય સુરક્ષા અને ધોરણ અધિનિયમ-2006 (Food Safety and Standards Act-2006) હેઠળ આગળની કાનૂની કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે.

રાજ્ય આરોગ્ય મંત્રી દ્વારા કડક ચેતવણી

આ ગંભીર મામલે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું કે, "લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં. નકલી અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થ બનાવનાર સામે કડક કાર્યવાહી થશે અને કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં."

રાજ્ય સરકાર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે નાગરિકો સુધી શુદ્ધ અને સુરક્ષિત ખાદ્ય પદાર્થો પહોંચે તે માટે આવી તપાસની કાર્યવાહી આગામી સમયમાં વધુ સઘન બનાવવામાં આવશે.