Palanpur News: બનાસકાંઠાના પાલનપુરની દીકરીએ વૈશ્વિક સ્તરે ડંકો વગાડ્યો છે. પાલનપુરની માત્ર 8 વર્ષની નિક્ષા બારોટે હિમાલયના દુર્ગમ રસ્તાઓ ખૂંદીને માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પને સફળતાપૂર્વક સર કર્યો છે. હાડ થીજવતી માઈનસ ડીગ્રી ઠંડી અને પથ્થરીલા રસ્તાઓ વચ્ચે 17,598 ફુટની ગગનચુંબી ઊંચાઈ પર પહોચીને નિક્ષાએ ગર્વથી રાષ્ટ્રગાન ગાયું હતું.
8 વર્ષની બાળકીએ એવરેસ્ટ સર કર્યો
પાલનપુરની 8 વર્ષીય નિક્ષાએ માત્ર 7 દિવસમાં જ આ ટ્રેક પૂરો કર્યો હતો. નિક્ષાએ આ ટ્રેકિંગની શરુઆત 16 મેના રોજ કાઠમંડુથી લુકલા પહોંચીને શરુ કરી હતી. ટ્રેકિંગની શરુઆત લુકલા ખાતે આશરે 2,860 મીટરથી કરી હતી. ત્યાંથી નિક્ષાએ પાખડિંગ અને નામચે બજાર સુધીની યાત્રા કરી. જ્યાં તેઓએ થોડો સમય આરામ પણ કર્યો હતો.
બાળકીએ દુર્ગમ માર્ગોને પાર કર્યા
નામચે બજાર ખાતે આરામ કરી લીધા બાદ, નિક્ષાએ ટેંગબોચે, લોબુચે અને ગોરક્ષેપ જેવા દુર્ગમ અને કઠિન વિસ્તારોને પાર કર્યા હતા. આ માર્ગો પર તેને ઘણી કઠણાઈનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ તેણે 22 મેના રોજ આશરે 17,598 ફૂટની ઉંચાઈએ એવરેસ્ટ બેઝ કેમ્પને સર કર્યો હતો. આ સિદ્ધિને હાંસિલ કર્યા બાદ નિક્ષાએ સેવ નેચર અને ગ્લોબલ વોર્મિંગ જેવા મહત્વપૂર્ણ મેસેજ આપ્યા હતા.
કોણ છે નિક્ષા બારોટ?
8 વર્ષની નિક્ષા બારોટ મૂળ પાલનપુરની રહેવાસી છે. આ બાળકી નાની ઉંમરથી સાહસિક પ્રવૃતિઓને ખેડવાનો શોક ધરાવે છે. 6 વર્ષની ઉમરે નિક્ષાએ કેદારાકાંઠા ટ્રેકને સફળતાપૂર્વક પૂર્ણ કરકી લીધો હતો. અરુણાચણ પ્રદેશથી ગુજરાત સુધીની 4,556 કિમી લાંબી સાયકલ યાત્રા કરીને વૃક્ષારોપણનો સંદેશો પણ આપ્યો હતો. ઉપરાંત આ પ્રશંસનીય પર્યાવરણીય કામગીરી માટે 26 જાન્યુઆરીના રોજ નિક્ષાને જિલ્લા લેવલે સન્માન આપવામાં આવ્યું હતું.
