વિશ્વ દૂધ દિવસ વિશેષ: દેશીભઠ્ઠીથી લઈને આધુનિક મશીનની મદદથી રાજકોટમાં દરરોજ સરેરાશ 2 ટન પેંડાનું ઉત્પાદન

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 01 Jun 2023 07:00 AM (IST)Updated: Thu, 01 Jun 2023 07:00 AM (IST)
special-story-on-rajkot-pendra-on-world-milk-day

રાજકોટ.
1 જૂને સમગ્ર વિશ્વમાં દૂધ દિવસ ઉજવાઈ રહ્યો છે અને તેનો હેતુ દૂધ તથા ડેરી પ્રોડક્ટના ઉત્પાદન અને ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. દૂધ અને ડેરી પ્રોડક્ટસ રોજીંદી જરૂરિયાતો સાથે અર્થવ્યવસ્થામાં પણ મહત્ત્વનો હિસ્સો ધરાવે છે, ત્યારે આ દિવસ નિમિત્તે રાજકોટની વિશ્વસ્તરે જાણીતી ડેરી પ્રોડક્ટ પેંડા વિશે વિગતે વાત કરીએ.

રાજકોટ રંગીલું શહેર ગણાય છે, અહીંની પ્રજા ઉદ્યમી, ખંતીલી અને આનંદી છે. રાજકોટના અનેકવિધ ઉદ્યોગો અને ઈનોવેશન્સ દેશ-દુનિયાને આકર્ષે છે. મીઠાઈમાં ગણના પામતાં પેંડા ક્ષેત્રે પણ રાજકોટમાં ઈનોવેશન થયા છે. સમગ્ર દેશમાં દૂધમાંથી સીધા જ પેંડા બનાવવાનો પ્રયોગ અને શરૂઆત રાજકોટમાંથી જ સન 1933માં થઈ હતી. જે આજે પણ ચાલુ છે. રાજકોટના દૂધના પેંડા આજે દુનિયાભરમાં પ્રખ્યાત છે. આ ઉપરાંત માવાના પેંડા, થાબડી પેંડા, કણીદાર પેંડા, રજવાડી પેંડા, કેસર પેંડા, એલચી, ચોકલેટ.. વગેરે વિવિધ સ્વાદના પેંડા રાજકોટની ઓળખ સમાન બન્યા છે.

naidunia_image

રાજકોટ ડેરી મર્ચન્ટ એસોસિએશનના સભ્ય તથા ડેરી પ્રોડક્ટ્સના ઉત્પાદક કલ્પેશ ડોબરિયાના મત મુજબ, રાજકોટમાં સિઝન અને માંગ મુજબ પેંડાના ઉત્પાદનમાં વધઘટ થતી હોય છે. જો કે વાર્ષિક સરેરાશ જોઈએ રોજના આશરે 2 ટન (2000 કિલો) જેટલા પેંડાનું ઉત્પાદન થતું હોવાનું કહી શકાય.

આ પેંડા ઉત્પાદનમાં રોજનું આશરે 25 હજારથી 30 હજાર લીટરથી વધુ દૂધ વપરાશમાં લેવાતું હોવાનો અંદાજ છે. નાણાકીય દ્રષ્ટિએ જોઈએ તો, એક કિલો પેંડાનો સરેરાશ ભાવ રૂપિયા 400 ગણીએ તો, રોજના આશરે રૂપિયા 8 લાખ અને મહિને રૂપિયા 2.40 કરોડના પેંડાનું ઉત્પાદન રાજકોટમાં થાય છે. અન્ય મીઠાઈઓનું ઉત્પાદન અને વેચાણ અલગ!

રાજકોટ એક માત્ર એવું શહેર છે કે જ્યાં સીધા દૂધમાંથી જ પેંડા બને છે. આજે દેશના અન્ય રાજ્યો સાથે વિદેશમાં પણ રાજકોટના પેંડા નિકાસ થવા લાગ્યા છે.

naidunia_image

વધુમાં કલ્પેશભાઈએ જણાવ્યું કે, રાજકોટમાં આશરે 10થી વધુ હોલ સેલર્સ પેંડા ઉત્પાદકો છે, જ્યાં આધુનિક મશીનરી મારફતે પેંડાનું ઉત્પાદન થાય છે. અલબત્ત આ એકમોમાં પેંડાને ઢાળવાથી લઈને આકાર આપવાનું કામ માનવ કારીગરો દ્વારા જ થાય છે. જો કે દૂધને ઉકાળવા માટે દેશી ચૂલા કે ભઠ્ઠીના બદલે સ્ટીમ આધારિત મશીનરીનો ઉપયોગ થવા લાગ્યો છે. જ્યારે રાજકોટમાં દેશી ભઠ્ઠી પર હાથેથી પેંડાનું ઉત્પાદન કરનારા નાના એકમો આશરે 100 જેટલા હોવાનો અંદાજ છે.

પેંડા બનાવતા કારીગરોને નોંધપાત્ર મહેનતાણું અપાય છે. એક કારીગરને તેમની હથરોટી મુજબ આશરે રૂપિયા 700થી 1000 રૂપિયા રોજના ચૂકવાતા હોય છે. રાજકોટ શહેરમાં આશરે 500 જેટલા રીટેઇલર્સ હશે, જેઓ પેંડા તેમજ અન્ય ડેરી પ્રોડક્ટ્સનું વેચાણ કરતા હોય છે. મહત્ત્વનું છે કે, પેંડા ઉત્પાદન માટેની મશીનરીમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સબસીડી પણ મળતી હોય છે.

naidunia_image

રાજકોટ જિલ્લામાં પેંડાનું મહત્તમ ઉત્પાદન રાજકોટ શહેરમાં જ થાય છે. જેમાં દૂધના પેંડા, ફાડેલા દૂધના કણીદાર પેંડા, થાબડી પેંડા તેમજ માવાના પેંડા મુખ્ય છે. ઉપરાંત રાજકોટ-અમદાવાદ હાઇવે પર આવેલું કુવાડવા ગામ રજવાડી પેંડા, કણીદાર પેંડા તથા માવાના પેંડાના ઉત્પાદન માટે જાણીતું છે.

અહીં પેંડાનું ઉત્પાદન કરતા શૈલેષ સોરઠિયાએ જણાવ્યું કે, બહારગામ જતા અનેક પ્રવાસીઓ કુવાડવામાંથી પેંડાની ખરીદી કરી રાજકોટના સ્વાદને અન્ય પ્રાંતોમાં પહોંચાડે છે. કુવાડવા હાઇવે પર આશરે 10 જેટલા જ્યારે ગામમાં સાતથી આઠ જેટલા પેંડા ઉત્પાદકો છે, જે નાના-મોટા પાયે આ કામ કરે છે.

જ્યારે જિલ્લાનું દેવકી ગાલોળ ગામ થાબડી પેંડાના ઉત્પાદન માટે જાણીતું છે. દેવકી ગાલોળમાં થાબડી પેંડાના 60થી વધુ ઉત્પાદકો છે, જેઓ ગ્રાહકોની સામે જ થાબડી પેંડાનું લાઇવ ઉત્પાદન કરી આપે છે. ગૌરીદળ અને કોલીથડમાં પણ પેંડાનું નોંધપાત્ર ઉત્પાદન થાય છે. રાજકોટ શહેરમાં ગૌરીદળ, કુવાડવા, દેવકીગાલોળ, કોલીથડ તેમજ અન્ય 4 થી 4 ગામના આશરે 50 થી 60 લોકો પેંડા વેચવા આવતા હોય છે.

naidunia_image

સામાન્ય રીતે, ઉનાળામાં દૂધની આવક ઘટતી હોય છે, સાથે ગરમીના કારણે પેંડાનો વપરાશ પણ ઓછો હોય છે. આ દરમિયાન જો વધારાની જરૂરિયાત ઊભી થાય તો બ્રાન્ડેડ કંપનીના પેકીંગ દૂધનો પેંડાના ઉત્પાદનમાં ઉપયોગ કરવામાં આવતો હોય છે.

પેંડા ઉપરાંત રાજકોટમાં દૂધ તેમજ અન્ય ડેરી પ્રોડક્ટસનું ઉત્પાદન અને વપરાશ નોંધપાત્ર છે. ડેરી ઉત્પાદકોના એક અંદાજ મુજબ, રાજકોટમાં રોજની સરેરાશ 5 થી 6 લાખ લીટર કરતાં વધારે દૂધની ખપત છે. જેમાં રોજિંદા ઘર વપરાશ ઉપરાંત વિવિધ ડેરી પ્રોડક્ટસ જેમ કે, પેંડા, દહીં, છાશ, પનીર, ઘી તેમજ અન્ય મીઠાઈ સહિતની વસ્તુઓ બનાવવામાં દૂધનો ઉપયોગ સામેલ છે.

naidunia_image

હવે તો રાજકોટથી પેંડા ઉપરાંત, દૂધપાક, ખીર, બાસુંદી, રબડી વગેરે પરંપરાગત ભારતીય મીઠાઈઓની પણ વિદેશની બજારોમાં નિકાસ થવા લાગી છે. આમ રાજકોટનો ડેરી ઉદ્યોગ પણ સમયની સાથે વિકાસની હરણફાળ ભરી રહ્યો છે.