સુરતમાં ડાયમંડની અદ્દભૂત કળાઃ હાઈટેક ટેક્નોલૉજીથી ગૃહમંત્રી હર્ષ સંઘવીનો ચહેરો ડાયમંડમાં કંડારાયો

સુરતના હીરા ઉદ્યોગ, ડાયમંડ બુર્સ અને સમગ્ર વેપારી આલમના વિકાસમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જે યોગદાન આપ્યું છે તેમના આ કાર્યો પ્રત્યે આદર વ્યક્ત કરવા પ્રોજેક્ટ શરૂ કરાયો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 16 Jun 2026 06:38 PM (IST)Updated: Tue, 16 Jun 2026 06:39 PM (IST)
surat-news-amazing-diamond-art-harsh-sanghvi-face-carved-in-diamonds-using-high-tech-technology
HIGHLIGHTS
  • ડાયમંડની અંદર કોઈ વ્યક્તિનો ચહેરો કંડારવો એ ખૂબ જ જટિલ પ્રક્રિયા

Surat: હીરાના કટિંગ, પોલિશિંગ અને નવીનતમ ટેકનોલોજી માટે દુનિયાભરમાં જાણીતા સુરત શહેરે વૈશ્વિક સ્તરે વધુ એક અનોખી સિદ્ધિ પોતાના નામે કરી છે.

ડાયમંડ ક્ષેત્રની અગ્રણી કંપની 'લેક્સસ ગ્રુપ' અને જાણીતી 'આઈ.એસ.જી.જે' (ISGJ) જ્વેલરી કોલેજે સંયુક્ત રીતે એક અદભુત કરામત કરી બતાવી છે. આ બંને સંસ્થાઓએ સાથે મળીને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના ચહેરાની આબેહૂબ પ્રતિકૃતિ ધરાવતો 10.07 કેરેટનો ખાસ 'બ્રાઉન ડાયમંડ' તૈયાર કર્યો છે, જે હાલમાં ડાયમંડ જગતમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

4 મહિનાની અથાહ મહેનત અને 3D ટેકનોલોજીનો સમન્વય

આ અનોખા પ્રોજેક્ટ વિશે માહિતી આપતા આઈ એસ જી જે જ્વેલરી કોલેજના ડિરેક્ટર અને સિનિયર જેમોલોજિસ્ટ કલ્પેશ દેસાઈએ જણાવ્યું કે, સુરતના હીરા ઉદ્યોગ, ડાયમંડ બુર્સ અને સમગ્ર વેપારી આલમના વિકાસમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જે યોગદાન આપ્યું છે તેમના આ કાર્યો પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાના આશયથી આ પ્રોજેક્ટ પર કામ શરૂ કરવામાં આવ્યું હતું. ડાયમંડની અંદર કોઈ વ્યક્તિનો ચહેરો કંડારવો એ ખૂબ જ જટિલ પ્રક્રિયા છે.

આ માટે અદ્યતન થ્રી-ડી ટેકનોલોજી, ઝીણવટભર્યું ડિઝાઇનિંગ અને સાડા ત્રણથી ચાર મહિનાની રાત-દિવસની સખત મહેનત બાદ આ 10.07 કેરેટનો અદ્વિતીય હીરો તૈયાર કરી શકાયો છે.

ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિકૃતિમાંથી મળ્યો પ્રેરણાસ્ત્રોત

લેક્સસ ગ્રુપના ડિરેક્ટર ઉત્પલ મિસ્ત્રીએ આ પ્રોજેક્ટ પાછળની પ્રેરણા અંગે જણાવ્યું કે, તેમની કંપની છેલ્લા 35 વર્ષથી ડાયમંડ મશીનરી અને હાઇ-એન્ડ ટેકનોલોજીના ક્ષેત્રમાં કાર્યરત છે. અગાઉ જ્યારે તેઓ ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમા આધારિત એક ખાસ ડાયમંડ તૈયાર કરી રહ્યા હતા, ત્યારે તેમને ડાયમંડમાં ફેસ-રીક્રિએશન કરવાનો વિચાર આવ્યો હતો. આ વિચાર આવ્યા બાદ તેમણે કલ્પેશ દેસાઈ સાથે ચર્ચા કરી અને સુરતના લોકપ્રિય નેતા હર્ષ સંઘવીના ચહેરાનું હૂબહૂ પ્રતિબિંબ ધરાવતો આ ખાસ ડાયમંડ બનાવવાનું નક્કી કર્યું હતું.