Surat: લિંબાયતમાં વિફરેલા ઘેટાનો આતંક, બાળક સહિત 3 લોકોને ઉલાળતા વિસ્તારમાં અફરાતફરી મચી; જુઓ VIDEO

ભૂરાયા થયેલા ઘેટાએ ગેસના બાટલા આપવા આવેલા બે ડિલિવરી બૉયને પાછળથી ટક્કર મારીને ભોયભેગા કરી દીધા હતા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 16 Jun 2026 06:05 PM (IST)Updated: Tue, 16 Jun 2026 06:08 PM (IST)
surat-news-sheep-attack-on-3-in-limbayat-video-goes-viral

Surat Video Viral: શહેરના લિંબાયત વિસ્તારમાં ભૂરાયા થયેલા ઘેટાએ આતંક મચાવતા સ્થાનિકોમાં દોડધામ મચી જવા પામી છે. જેમાં ઘેટાએ બાળક સહિત 3 લોકો પર હુમલો કર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે.

ગેસ સિલિન્ડરના ડિલિવરી બૉયને અડફેટે લઈ ભોંયભેગા કર્યા

સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી મીઠીખાડી નજીક રખડતું ઘેંટુ અચાનક હિંસક બની ગયું હતુ. વિફરેલા ઘેટાએ તેની સામે જે આવે તેને ઉલાળવાનું શરૂ કરી દીધુ હતુ. સૌ પ્રથમ ઘેંટાએ ત્યાંથી પસાર થતાં બાળકને પાછળથી જોરદાર ટક્કર મારીને પાડી દીધો હતો. જે બાદ ઘેંટું ગેસના બાટલો આપવા આવેલા બે ડિલિવરી બૉયની પાછળ પડીને તેમને પાછળથી ઉલાળીને ભોંયભેગા કરી દીધા હતા.

હિંસક ઘેટાના અણધાર્યા હુમલાના કારણે સમગ્ર વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરી મચી જવા પામી હતી. આ સમગ્ર ઘટના ત્યાં નજીકમાં ઉભેલા રાહદારીએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી દીધી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, ઘેટા પાછળથી દોડીને ગેસની બોટલની ડિલિવરી કરવા આવેલા એક વૃદ્ધને જમીન પર પાડી દીધા હતા. જેથી તેમની મદદ માટે સાથી કર્મચારી ત્યાં આવ્યો હતો અને તેણે ઘેટાને ત્યાંથી દૂર કર્યો હતો. જો કે ઘેટાએ પરત દોડીને તે જ વ્યક્તિને પાછળથી ટક્કર મારી હતી. આ ઘટના બાદ બંને કર્મચારીઓ પોતાનો ટેમ્પો લઈને ત્યાંથી જતા રહ્યા હતા.