સુરત મનપાનું યુ-ટર્ન મોડેલઃ સિંગણપોરમાં ગેરકાયદેસર પતરાના શેડ હટાવ્યા, ભાજપ નેતાનો ફ્લેટ હોવાની ખબર પડતાં પુનઃ ગોઠવી ગયા

હવે મનપાના કર્મચારીઓ અમને નોટિસો આપે છે કે, તમારી બારી બહાર છે, દાદર બહાર છે. સ્થાનિકોના આક્ષેપોને મનપાના ઈજનેરે ફગાવ્યા કહ્યું- કાયદેસરની જ કાર્યવાહી કરાઈ.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 16 Jun 2026 05:17 PM (IST)Updated: Tue, 16 Jun 2026 05:41 PM (IST)
surat-news-smc-u-turn-model-bjp-leader-illegal-paper-sheds-removed-in-singanpore

Surat: સુરતમાં નાસિરનગરમાં થયેલા ડિમોલિશનનો વિવાદ હજુ શમ્યો નથી, ત્યારે મનપાની કામગીરી સામે વધુ એક વખત સવાલ ઉભા થયા છે. જેમાં મનપાની ટીમે નોટિસ ફટકારીને પહેલા કતારગામ ઝોનમાં આવતી એક રેસિડન્સીમાં પતરાના શેડ હટાવી દીધા હતા. જો કે ડિમોલિશનના થોડા કલાકો બાદ મનપાની ટીમ પુનઃ પતરા મૂકી ગઈ હતી. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે.

હકીકતમાં શહેરના કતારગામ ઝોનમાં આવતા સિંગણપોર ગામમાં પાલવ પાર્ક-2 સોસાયટીની નજીકમાં આવેલ કૃપા રેસિડેન્સી નામની એક બિલ્ડિંગમાં રહેતા રહીશે પતરાના શેડ અંગેનું ગેરકાયદે બાંધકામ કર્યું હતું. આ મામલે સ્થાનિક રહીશે મનપામાં ફરિયાદ કરી હતી. જેથી મનપાની ટીમે નોટીસ આપી હતી, પરંતુ દબાણ દૂર કરવામાં નહતુ આવ્યું.

આખરે 2 જૂન 2026ના રોજ મનપાના કર્મચારીઓનો કાફલો સરકારી વાહન સાથે કૃપા રેસિડેન્સી ખાતે પહોંચ્યો હતો. મનપાના મજૂરોએ ફ્લેટ નંબર 104માં મારેલા ગેરકાયદેસર પતરાં તોડી પાડ્યા હતા. જેનો કાટમાળ દોઢ વાગ્યાની આસપાસ મનપાના કર્મચારીઓ સરકારી ગાડીમાં ભરીને રવાના થયા હતા. જો કે સાડા 3 કલાકની આસપાસ આજ સરકારી ગાડી પરત ફરી હતી અને જપ્ત કરેલા પતરા ઉતારીને પુનઃ ગોઢવીને રવાના થઈ હતી.

સામાન્ય રીતે સુરત મનપા જ્યારે કોઈ સામાન જપ્ત કરે છે, ત્યારે તેને છોડાવવા માટે દંડ ભરવો પડે છે, લાઈનોમાં ઊભું રહેવું પડે છે અને ક્યારેક તો મહિનાઓ સુધી ધક્કા ખાવા પડે છે. જો કે આ કેસમાં મનપાએ જે સુપરફાસ્ટ સ્પીડ બતાવી તે ડિજિટલ ઈન્ડિયાના જમાનામાં પણ અશક્ય લાગે તેવી છે. સોસાયટીના સીસીટીવી ફૂટેજ તપાસતા મનપાની પોલ ખુલી ગઈ છે.

ભાજપ નેતાની દાદાગીરી સામે મનપા તંત્ર નતમસ્તક હોવાનો આક્ષેપ

મનપાએ જે કૃપા રેસિડેન્સીના ફ્લેટ નં.104ના ગેરકાયદે પતરા હટાવ્યા એ ફ્લેટની માલિકી બીજા કોઈની નહીં પણ તે ભાજપના રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રીનો હોવાનું સામે આવ્યું હતું. આ ફ્લેટ તેમણે ભાડે આપેલો હોવાનું જાણવા મળ્યું છે. ભાજપના નેતાના દબાણના કારણે મનપાને નમતું જોખવાની ફરજ પડી હોય તેવી ચર્ચાઓ ઉઠી છે.

naidunia_image

આ અંગે સ્થાનિક મહિલાએ આક્ષેપ કરતા જણાવ્યું કે, અહીં ગેરકાયદેસર બાંધકામ કરીને પતરાનો શેડ ઉભો કરી દીધો છે. આ ફ્લેટ ભાજપના નેતાનો હોવાનું કહેવાય છે.

અમારી ફરિયાદ બાદ સુરત મનપાના કર્મચારીઓ પતરાનો શેડ તોડીને સામાન લઈ ગયા હતા. જેના બાદ તેઓ ફરીથી બાંધકામ પણ કરી જાય છે. SMC અમને નોટિસ આપે છે કે, તમારી બારી બહાર છે, દાદર બહાર છે.

સ્થાનિક મહિલાના આક્ષેપોને કાર્યપાલક ઈજનેરે ફગાવ્યા

આ અંગે કતારગામ ઝોનના કાર્યપાલ ઈજનેર કે એલ વસાવાએ જણાવ્યું કે, અમને ફરિયાદ મળી તેના અનુસંધાને અહીંથી નિયમ મુજબ નોટિસ આપવામાં આવી હતી તેમણે સમય મર્યાદામાં દબાણ હટાવ્યું નહતું. તેમની માર્જિંગની જગ્યામાં બે ત્રણ પતરાનું દબાણ કર્યું હતું, જેને હટાવવામાં આવ્યું હતુ. પ્રોસેસ કરીને દબાણ હટાવવામાં આવ્યું હતું.

ભાજપના મોટા નેતાના દબાણના કારણે સમાન પરત કરાયો હોવાના મહિલાના આક્ષેપોને પાયાવિહોણા ગણાવતા જણાવ્યું કે, અહીંથી કાયદેસરની કાર્યવાહી કરીને ડિમોલિશન કરવામાં આવ્યું હતું. માર્જિંનમાં જે પતરા નાંખ્યા હતા, એ ખુલ્લા કરવામાં આવ્યા હતા અને ફરિયાદનો નિકાલ કરવામાં આવ્યો હતો અને વહીવટી પ્રક્રિયાની જે પણ પ્રોસેસ છે તે પૂર્ણ કરવામાં આવી હતી.

naidunia_image

જેમણે ફરિયાદ કરી છે તેમને અપાયેલી નોટીસ અંગે જણાવ્યું કે, આમાં ઈરાદા પૂર્વક કઈ જ હોતું નથી. સામાન્ય રીતે જેમ એમણે ફરિયાદ કરી છે, એ મુજબ એમની સામે પણ ફરિયાદ થઇ છે. એટલે નિયમ મુજબ એમને પણ નોટીસ આપવામાં આવી છે એમને કોઈ ટાર્ગેટ કરીને નોટીસ આપવામાં આવી નથી. વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે જ તેમને નોટીસ આપવામાં આવી છે.