Surat Student Attack: ગુજરાતની સ્કૂલોમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટનામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. ઉનાળું વેકેશન પુરું થયા બાદ સ્કૂલો ખુલ્યાને હજુ માંડ 10 દિવસ થયા છે, ત્યારે સુરતમાંથી આવો જ એક બનાવ સામે આવ્યો છે. જેમાં ઉધના વિસ્તારમાં આવેલ સુરત મનપા સંચાલિત સ્કૂલમાં વિદ્યાર્થી પર તેના જ સહપાઠીએ ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. આ હુમલા ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
વર્ગખંડમાં થયેલી સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ લીધુ
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, શહેરના ઉધના વિસ્તારમાં આવેલી સુરત મહાનગર પાલિકા સંચાલિત મરાઠી સ્કૂલના વર્ગખંડમાં બે સગીર વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થઈ હતી. જે બાદ સ્કૂલ છૂટવાના સમયે એક વિદ્યાર્થીએ પોતાના દફ્તરમાંથી ધારદાર ચપ્પુ કાઢીને બીજા વિદ્યાર્થી પર હુમલો કરી દીધો હતો. જેના પગલે સ્કૂલ પરિસરમાં નાસભાગ મચી જવા પામી હતી. આ દરમિયાન તકનો લાભ લઈને હુમલાખોર વિદ્યાર્થી ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો.
બીજી તરફ હુમલામાં ઈજાગ્રસ્ત 11 વર્ષીય વિદ્યાર્થી લોહીલુહાણ હાલતમાં ફસડાઈ ગયો હતો. જેથી તાત્કાલિક તેને સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ બાબતની જાણ થતાં ઉધના પોલીસની ટીમ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી. જ્યાં ઈજાગ્રસ્ત વિદ્યાર્થીના પરિવારજનોની પૂછપરછ કરવા સહિત આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જેણે મારા દીકરાને ચપ્પુ માર્યું, તેને અમે ઓળખતા નથીઃ માતા
આ અંગે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીની માતાએ જણાવ્યું કે, આજે બપોરે સાડા 12 વાગ્યાની આસપાસ મારા દીકરાને શાળાના અન્ય વિદ્યાર્થીએ ચપ્પુ મારી દીધુ હતુ. હાલ મારા દીકરાને સર્જરી માટે ઑપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યો છે. મારા દીકરા પર હુમલો કરનાર વિદ્યાર્થીને અમે ઓળખતા પણ નથી.
સ્કૂલમાં ક્લાસમેટ દ્વારા વિદ્યાર્થી પર હુમલાની પ્રથમ ઘટના નહીં
સ્કૂલમાં સહપાઠી દ્વારા વિદ્યાર્થી પર જીવલેણ હુમલાની આ પ્રથમ ઘટના નથી. ગત વર્ષે અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીએ પરિકર વડે હુમલો કરીને એક વિદ્યાર્થીની હત્યા કરી નાંખી હતી. જ્યારે ત્રણેક મહિના પહેલા સુરતના પાંડેસરા વિસ્તારની ગેલેક્સી આર્મી ઈન્ટરનેશનલ સ્કૂલના ગેટની બહાર પણ નજીવી બાબતે ચારેક સગીરો ચપ્પુ વડે ધો.10માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી પર તૂટી પડ્યા હતા. આ હુમલામાં ઈજાગ્રસ્ત વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા પણ આપી નહતો શક્યો.
