સુરતમાં એટીએમમાં લોકોને મદદ કરવાના બહાને કાર્ડ બદલી રૂપિયા ઉપાડી લેતી ગેંગ ઝડપાઈ, બે ગુનાના ભેદ ઉકેલાયા

સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં આવેલા મોરા ગામ વિસ્તારમાં આશરે 15 દિવસ પહેલા બે લોકો આ ગેંગનો શિકાર બન્યા હતા.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 17 Jun 2026 04:16 PM (IST)Updated: Wed, 17 Jun 2026 04:16 PM (IST)
surat-police-caught-gang-who-changing-atm-cards-and-withdrawing-money-on-the-pretext-of-helping-people-two-crimes-solved

Surat ATM Fraud Case: સુરતમાં એએટીએમમાં લોકોને મદદ કરવાના બહાને તેમના એટીએમ કાર્ડ બદલીને રૂપિયા ઉપાડી લેતી ગેંગને ઇચ્છાપોર પોલીસે ઝડપી પાડી છે. પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડી 14 એટીએમ, રોકડા રૂપિયા 39 હજાર અને 3 મોબાઇલ ફોન સહિત કુલ 62 હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો. પોલીસ તપાસમાં ઈચ્છાપોર પોલીસ મથકમાં નોંધાયેલા બે ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો.

મળતી માહિતી મુજબ સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં આવેલા મોરા ગામ વિસ્તારમાં આશરે 15 દિવસ પહેલા બે લોકો આ ગેંગનો શિકાર બન્યા હતા. જેમાં એક વ્યક્તિનું એટીએમ કાર્ડ બદલીને 40 હજાર રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા જ્યારે બીજા વ્યક્તિનું એટીએમ કાર્ડ બદલીને 43 હજાર રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. આ મામલે બે અલગ અલગ ગુના ઇચ્છાપોર પોલીસ મથકમાં નોંધાયા હતા.

આ મામલે ઇચ્છાપોર પોલીસની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને સચિન વિસ્તારમાંથી આરોપી વિપેન્દ્રસિંહ રણવિજ્ય સિંગ (ઉ.32) વિજયસિંગ રાજકુમારસિંગ ચૌહાણ (ઉ.30) અને શિવપ્રકાશસિંહ હરિશચંદ્ર રાજપૂત (ઉં.28) ને ઝડપી પાડ્યા હતા પકડાયેલા ત્રણેય આરોપીઓ મૂળ ઉતરપ્રદેશના વતની છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 14 એટીએમ કાર્ડ, રોકડા રૂપિયા 39 હજાર અને 23,500 ની કિંમતના 3 મોબાઇલ ફોન મળી કુલ 62,500 નો મુદામાલ જપ્ત કર્યો હતો.

આ ગેંગની મોડેસ ઓપરેન્ડી એવી હતી કે તેઓ એટીએમમાં જતા હતા અને ત્યાં રૂપિયા ઉપાડવા આવતા શ્રમિકોને નિશાન બનાવતા હતા. ગેંગનો એક વ્યક્તિ જ્યારે શ્રમિકો રૂપિયા ઉપાડતા હોય ત્યારે તેમનો એટીએમનો પીન નંબર જોઈ લેતો હતો અને તેઓ મદદ કરવાના બહાને લોકોને વાતમાં ભોળવી લોકોના એટીએમ કાર્ડ બદલી લેતા હતા અને બાદમાં એટીએમ ચાલુ નથી વગેરે જેવા બહાના બનાવીને લોકોને મોકલી દેતા હતા. લોકો બહાર જાય ત્યારે તેમના એટીએમ કાર્ડનો ઉપયોગ કરીને રૂપિયા ઉપાડી લેતા હતા.

આવી રીતે આ ગેંગના લોકોએ ઇચ્છાપોર વિસ્તારમાં બે લોકોના એટીએમ કાર્ડ બદલી રૂપિયા ઉપાડી લીધા હતા. આરોપીઓ પકડાઈ જતા ઇચ્છાપોર પોલીસ મથકમાં નોંધાયેલા આ બે ગુનાનો ભેદ ઉકેલાઈ જવા પામ્યો છે.