Vadodara RTO Checking: શાળાએ જતા નાનકડા અને માસૂમ બાળકોની જિંદગી સાથે રમત રમતા સ્કૂલ વર્ધીના ચાલકો સામે વડોદરા પ્રાદેશિક પરિવહન વિભાગ (RTO) દ્વારા કાયદાનો કોરડો ઝીંકવામાં આવ્યો છે. બાળકોની સુરક્ષાને સર્વોચ્ચ અગ્રિમતા આપીને RTO તંત્રએ શહેરમાં એક અભૂતપૂર્વ અને મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરીને રસ્તા પર દોડતા સ્કૂલ વાહનો સામે લાલ આંખ કરતા જ માત્ર 5 દિવસના ટૂંકા ગાળામાં 271 જેટલા વાહનો RTOની ઝપટે ચડી ગયા છે. તંત્ર દ્વારા આ તમામ કસૂરવાર વાહનોને કુલ રૂ. 19.51 લાખનો તોતિંગ દંડ ફટકારવામાં આવતા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
250 વાહનો ટેક્સી પાર્સિંગ અને પરમિટ વિનાના મળ્યા
RTO વિભાગના સત્તાવાર ચેકિંગ દરમિયાન જે હકીકતો સામે આવી છે તે વાલીઓની ચિંતા વધારનારી છે. બાળકોને રોજ સ્કૂલે લઈ જતા આ વાહનો પાસે રોડ પર દોડવા માટેના જરૂરી કાગળો જ ઉપલબ્ધ નહોતા.
પરમિટનો સરેઆમ ભંગ: પકડાયેલા કુલ વાહનોમાંથી 250 જેટલા વાહનો કોઈપણ જાતની પરમિટ કે 'ટેક્સી પાસિંગ' વગર ગેરકાયદેસર રીતે રસ્તા પર દોડતા માલૂમ પડ્યા હતા.
અન્ય ગંભીર બેદરકારી: અનેક વાહનોમાં માન્ય વીમો (Insurance) નહોતો, તો કેટલાક વાહનો પીયુસી (PUC) કઢાવ્યા વિના જ ધુમાડો ઓકતા હતા.
ક્ષમતા કરતા વધુ બાળકો: સૌથી ગંભીર બાબત એ સામે આવી કે ક્ષમતા કરતાં વધુ માસૂમ બાળકોને ઘેટાં-બકરાની જેમ નિર્દયતાપૂર્વક વાહનોમાં ભરવામાં આવ્યા હતા, જે ગમે ત્યારે મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે. આ તમામ ગંભીર નિયમભંગ બદલ અધિકારીઓએ કાયદાકીય સપાટો બોલાવ્યો છે.
RTOને જોઈ ચાલકોએ યુ-ટર્ન માર્યા, માસૂમોને ધોમધખતા તાપમાં રસ્તા પર રઝળતા મૂક્યા!
RTOના આ આકસ્મિક અને સઘન ચેકિંગને કારણે વાહનચાલકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. પોતાની ગાડી ડિટેઈન થઈ જશે અને મોટો દંડ ભરવો પડશે તેવા ડરથી ચાલકોએ માનવતા પણ નેવે મૂકી દીધી હતી. ચેકિંગ પોઇન્ટ જોઈને અનેક ચાલકોએ રસ્તા વચ્ચેથી જ જોખમી રીતે વાહનોના યુ-ટર્ન મારી દીધા હતા.
ચેકિંગ દરમિયાન એક હૃદયદ્રાવક ઘટના પણ સામે આવી છે, જેમાં એક સ્કૂલ વાનનો ચાલક માસૂમ વિદ્યાર્થીઓને ધોમધખતા તાપમાં અધવચ્ચે રોડ પર જ બિનવારસી હાલતમાં ઉતારીને ગાડી ભગાડી ગયો હતો. આ હૃદયહીન વર્તનને કારણે નિર્દોષ બાળકોને રસ્તા પર ભારે હાલાકી અને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
બાળકોની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ નહીં થાય: RTO અધિકારી
આ સમગ્ર કડક કાર્યવાહી અંગે RTO વિભાગના ઉચ્ચ અધિકારીએ સ્પષ્ટ અને કડક શબ્દોમાં જણાવ્યું છે કે- શાળાએ જતા બાળકોના જીવ અને તેમની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. જે ચાલકો સરકારી નિયમોનું ઉલ્લંઘન કરે છે તેમની સામે આ ઝુંબેશ ચાલુ રહેશે. આ ઉપરાંત, ચેકિંગ જોઈને વાહનો મૂકીને ભાગી જનારા અને માસૂમ બાળકોને રસ્તા પર રઝળતા મૂકનાર બેજવાબદાર ચાલકોને ઓળખી કાઢીને તેમની સામે આગામી દિવસોમાં વધુ કડક કાનૂની પગલાં લેવામાં આવશે.
RTOની આ આકરી કાર્યવાહીથી વડોદરાના વાલીઓમાં ક્યાંક રાહતની લાગણી છે, પરંતુ સ્કૂલ વાહનોના એસોસિએશન અને નિયમભંગ કરનારાઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે. તંત્ર આગામી દિવસોમાં આ ડ્રાઇવ વધુ તેજ બનાવે તેવી પૂરેપૂરી શક્યતા છે.
