Vadodara News: લોકરક્ષક દળ (LRD)ની ભરતી માટેની લેખિત પરીક્ષા આજે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા કુલ 123 પરીક્ષા કેન્દ્રો પર અત્યંત શાંતિપૂર્ણ, પારદર્શી અને નિર્ભય વાતાવરણમાં પૂર્ણ થઈ છે. વડોદરાના આ કેન્દ્રો પર હજારોની સંખ્યામાં આશાસ્પદ ઉમેદવારોએ ઉત્સાહભેર પરીક્ષા આપી હતી. વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા પરીક્ષાનું આયોજન ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સાથે કરવામાં આવ્યું હતું.
પ્રશ્નપત્રને લઇને ઉમેદવારોનો મિશ્ર પ્રતિસાદ
પરીક્ષા પૂર્ણ થતાં જ કેન્દ્રોની બહાર નીકળેલા ઉમેદવારોના ચહેરા પર મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. ગુજરાતના ખૂણે-ખૂણેથી વડોદરા આવેલા ઉમેદવારોએ પેપર અંગે પોતાના અનુભવો જણાવ્યા હતા. ભાવનગરથી આવેલ ઉમેદવાર માધવે જણાવ્યું હતું કે, "પેપર એકંદરે સરળ હતું. પરીક્ષા આપીને બહાર નીકળેલા તમામ વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી દેખાતી હતી. હવે આગળની ખરી ખબર તો મેરિટ લિસ્ટ જાહેર થયા પછી જ પડશે.
બનાસકાંઠાની ઉમેદવાર સીમાએ જાણવ્યું હતું કે પેપર સારું હતું, પરંતુ હું મૂળ બનાસકાંઠાની છું અને અમદાવાદમાં અભ્યાસ કરું છું. ત્યાં પૂરતી સુવિધાઓ ન મળવાને કારણે અને અન્ય પરીક્ષાઓની વ્યસ્તતાને લીધે ધાર્યું વાંચન થઈ શક્યું નથી. એટલે પાસ થવા અંગે અત્યારે ચોક્કસ કંઈ કહી શકાય નહીં."મહેસાણા ની ચૌધરી ડિમ્પલે જાણવ્યું હતું કે, મારી તૈયારી પ્રમાણે પેપર ઘણું સારું રહ્યું છે. મને પ્રશ્નપત્રનો 'પાર્ટ A' થોડો અઘરો (હાર્ડ) લાગ્યો હતો, જ્યારે 'પાર્ટ B' ઘણો સરળ હતો.
ભરૂચના ઉમેદવારે જાણવ્યું હતું કે, પ્રશ્નપત્ર સરળ હતું પરંતુ 'પાર્ટ A' ઘણો લાંબો અને સમય માગી લે તેવો હતો. તેમ છતાં, મને આત્મવિશ્વાસ છે કે હું મેરિટમાં સ્થાન મેળવી લઈશ. સમગ્ર પ્રક્રિયા દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો અને ક્યાંયથી પણ કોઈ અનિચ્છનીય ઘટનાના સમાચાર સામે આવ્યા નથી, જે વડોદરા વહીવટી તંત્રની મોટી સફળતા દર્શાવે છે.
વહીવટી તંત્રના કડક પગલાં અને જાહેરનામું
પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે કલેક્ટર અને પોલીસ તંત્ર દ્વારા કડક નિયમો લાગુ કરવામાં આવ્યા હતા. તમામ 123 પરીક્ષા કેન્દ્રોની 100 મીટરની ત્રિજ્યામાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓના એકઠા થવા (ટોળા વળવા) પર સદંતર મનાઈ ફરમાવવામાં આવી હતી.
આ ઉપરાંત, પેપર લીક કે અન્ય કોઈ અનિચ્છનીય પ્રવૃત્તિને રોકવા માટે પરીક્ષાના સમયગાળા દરમિયાન કેન્દ્રોની આસપાસ આવેલી તમામ ઝેરોક્સ, ફોટોકોપી અને પ્રિન્ટિંગની દુકાનો ફરજિયાતપણે બંધ રાખવાનો આદેશ કરાયો હતો. ઉમેદવારો સંપૂર્ણ એકાગ્રતા સાથે પરીક્ષા આપી શકે અને તેમનું ધ્યાન ન ભંગાય તે માટે આસપાસના વિસ્તારોમાં લાઉડસ્પીકર કે ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા અન્ય સાધનો વગાડવા પર પણ સખત રોક લગાવવામાં આવી હતી.
