Vadodara VMC Bomb Threat: વડોદરા શહેરમાંથી એક સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેઈલ મળતાં સમગ્ર તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. આ ધમકીભર્યો મેઈલ મ્યુનિસિપલ કમિશનર અને મેયરના સત્તાવાર ઈ-મેઈલ આઈડી પર આવ્યો હોવાની પ્રાથમિક માહિતી મળી છે, જેને પગલે સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક હરકતમાં આવી ગઈ છે.
કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ધમકીભર્યા ઈ-મેઈલની જાણ થતાં જ વડોદરા પોલીસના ઉચ્ચ અધિકારીઓ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો તાબડતોબ ખાંડેરાવ માર્કેટ સ્થિત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ પહોંચી ગઈ હતી. સાવચેતીના ભાગરૂપે કચેરીના વિવિધ વિભાગોમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પાલિકા કચેરીમાં આવતા તમામ મુલાકાતીઓનું સખત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને વાહનોના પાર્કિંગ એરિયામાં પણ ઝીણવટભરી તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
ઈ-મેઈલની સઘન તપાસ
પ્રાથમિક અહેવાલો મુજબ, આ ઈ-મેઈલ કોણે અને ક્યાંથી મોકલ્યો છે તે દિશામાં સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ઈ-મેઈલનું આઈપી (IP) એડ્રેસ ટ્રેસ કરવા માટે ટેકનિકલ સર્વેલન્સની મદદ લેવામાં આવી રહી છે. પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓની સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે.
કર્મચારીઓ અને લોકોમાં ભયનો માહોલ
આ ઘટનાને પગલે પાલિકાના કર્મચારીઓ અને સામાન્ય નાગરિકોમાં થોડા સમય માટે ભયનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ પોલીસે પરિસ્થિતિ પર પૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે અને લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે.
ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ દેશના વિવિધ શહેરોની સંસ્થાઓને આવા ફેક ઈ-મેઈલ મળ્યા હોવાના કિસ્સા બન્યા છે, ત્યારે વડોદરા પોલીસ આ મામલાને અત્યંત ગંભીરતાથી લઈને કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.
