Vadodara News: રેવા હોસ્પિટલમાં પ્રસૂતાનું કરુણ મોત, તબીબોની બેદરકારીનો આક્ષેપ કરી પરિવારનો ભારે હોબાળો

નવજાત બાળકને જન્મ આપ્યા બાદ અચાનક તબિયત બગડતાં મહિલાનું મોત થયું હતું.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Wed, 17 Jun 2026 12:00 PM (IST)Updated: Wed, 17 Jun 2026 12:00 PM (IST)
vadodara-news-reva-hospital-dandia-bazar-new-mother-death-medical-negligence

Vadodara Reva Hospital News: વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલી રેવા હોસ્પિટલમાં એક પ્રસુતાના શંકાસ્પદ મોતને પગલે ભારે હોબાળો મચી ગયો છે. નવજાત બાળકને જન્મ આપ્યા બાદ અચાનક તબિયત બગડતાં મહિલાનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે રોષે ભરાયેલા પરિવારજનોએ હોસ્પિટલ પ્રશાસન અને તબીબો સામે ઘોર બેદરકારીનો આક્ષેપ લગાવીને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.

બાળકના જન્મ બાદ અચાનક દુખાવો ઉપડ્યો

મળતી માહિતી મુજબ, સગર્ભા પલ્લવીબેનને પ્રસૂતિ માટે દાંડિયા બજારની રેવા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મહિલાએ સુખરૂપ બાળકને જન્મ આપતા શરૂઆતમાં પરિવારમાં ખુશીનો માહોલ હતો, પરંતુ આ ખુશી લાંબો સમય ટકી શકી નહોતી. બાળકના જન્મના થોડા જ સમય બાદ મહિલાને અચાનક અસહ્ય દુખાવો ઉપડ્યો હતો.

જોતજોતામાં તેમની સ્થિતિ અત્યંત ગંભીર થઈ ગઈ હતી. પરિવારે આક્ષેપ કર્યો છે કે કટોકટીના સમયે તબીબો દ્વારા યોગ્ય અને સમયસર સારવાર આપવામાં ન આવતા મહિલાએ દમ તોડી દીધો હતો. પ્રસુતાના મોતના સમાચાર મળતાં જ પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા અને તેમનો આક્રોશ ફાટી નીકળ્યો હતો.

naidunia_image

હોસ્પિટલમાં ગરમાયો મામલો, ભારે હોબાળો

હોસ્પિટલ સ્ટાફ દ્વારા સંતોષકારક જવાબ ન મળતા પરિવારે હોસ્પિટલમાં જ હોબાળો મચાવ્યો હતો. હોસ્પિટલ પરિસરમાં તંગદિલી એટલી હદે વધી ગઈ કે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરવી પડી હતી, જેને પગલે સ્થાનિક પોલીસનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસ તપાસ, પીડિત પરિવારની ન્યાયની માંગ

પોલીસે આ સમગ્ર મામલામાં કાયદેસરની તપાસ હાથ ધરી છે. મોતનું સાચું કારણ બહાર આવી શકે તે માટે પોલીસે મહિલાના મૃતદેહનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ (PM) અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે.

બીજી તરફ, પીડિત પરિવારે ન્યાયની ગુહાર લગાવતા જણાવ્યું છે કે, "સારવારમાં હોસ્પિટલ તંત્ર અને તબીબોની ઘોર બેદરકારીના કારણે જ અમારી દીકરીનું મોત થયું છે. આ મામલે કડકમાં કડક તપાસ થવી જોઈએ અને જવાબદારો સામે પગલાં ભરી અમને ન્યાય મળવો જોઈએ."