Vadodara Sayaji Hospital News: વડોદરા શહેરની પ્રતિષ્ઠિત સયાજી (SSG) હોસ્પિટલમાં તાજેતરમાં તબીબો પર થયેલા હુમલાની ઘટના બાદ તંત્ર અને વડોદરા શહેર પોલીસ હરકતમાં આવી છે. આ ગંભીર ઘટનાને પગલે હોસ્પિટલ પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવીને સઘન કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
DCP મંજીતા વણઝારા અને ડૉ. રંજન ઐયર મેદાને
આ મેગા ઓપરેશનમાં DCP ઝોન-2 મંજીતા વણઝારા અને હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. રંજન ઐયર પોતે જોડાયા અને સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી હતી. DCP મંજીતા વણઝારાએ આ કામગીરીને 'હેલ્ધી કોમ્યુનિકેશન પ્રોસેસ' ગણાવતા જણાવ્યું કે, "જો ડોક્ટર અને દર્દીના સગા વચ્ચે ઘર્ષણ થાય, તો પોલીસ અને સિક્યોરિટી એકબીજાના સંપર્કમાં રહી ઝડપી નિરાકરણ લાવી શકે તે અમારો લક્ષ્ય છે."

પોલીસ કોમ્બિંગ દરમિયાન થઈ બત્તી ગુલ
આ નિરીક્ષણ દરમિયાન એક તબક્કે ઇમરજન્સી વિભાગની લાઈટો અચાનક ગુલ થઈ જતા હોસ્પિટલમાં અંધારપટ છવાઈ ગયો, જેના કારણે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, આવી પરિસ્થિતિમાં પણ હિંમત દાખવીને DCP અને અન્ય અધિકારીઓએ મોબાઈલ ફ્લેશના સહારે પોતાની તપાસ ચાલુ રાખી અને નિરીક્ષણ પૂર્ણ કર્યું હતું.

સુરક્ષા માટે બનાવાશે ચોક્કસ SOP
આ ડ્રાઈવના મુખ્ય હેતુ વિશે જણાવતા DCP મંજીતા વણઝારાએ કહ્યું કે, હોસ્પિટલના તમામ બિલ્ડિંગો અને નાના-મોટા વિભાગોની સુરક્ષા સુનિશ્ચિત કરવી જરૂરી છે. આ ઉપરાંત હોસ્પિટલના તમામ કેમેરા ચાલુ હાલતમાં છે કે નહીં તેની પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી.

હોસ્પિટલ પરિસરમાં ભવિષ્યમાં કોઈ પણ અનિચ્છનીય ઘટના બને તો ત્વરિત એક્શન લઈ શકાય તે માટે પોલીસ, સિક્યોરિટી ઇન્ચાર્જ અને મેડિકલ સ્ટાફ વચ્ચે સીધો સંવાદ સેતુ સ્થાપવામાં આવ્યો છે. દરેક વિભાગ માટે હવેથી એક ચોક્કસ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (SOP) પણ બનાવવામાં આવશે.
દર્દીઓ અને ડોક્ટરોની સુરક્ષા પ્રાથમિકતા
ડો. રંજન ઐયરના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવેલા આ સંયુક્ત ઓપરેશન બાદ તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે જ્યાં પણ સુરક્ષામાં ખામી જણાશે ત્યાં તાત્કાલિક સુધારો કરવામાં આવશે અને જરૂર પડે ત્યાં વધારાના સુરક્ષા જવાનો પણ તૈનાત કરાશે. આ સઘન ચેકિંગ અને નવા પગલાથી હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબોમાં સુરક્ષાની ભાવના જાગી છે.
