ફ્રાન્સમાં યોજાઈ રહેલી G7 સમિટ દરમિયાન વૈશ્વિક નીતિઓની ચર્ચા વચ્ચે સોશિયલ મીડિયા પર ફરી એકવાર લોકપ્રિય #Melodi ટ્રેન્ડ ધૂમ મચાવી રહ્યો છે. સમિટના પરંપરાગત ગ્રુપ ફોટો દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વચ્ચે થયેલી હળવી અને રસપ્રદ વાતચીતનો વીડિયો ઇન્ટરનેટ પર જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે.
G7 સમિટ દરમિયાન વિશ્વના નેતાઓ પરંપરાગત ગ્રુપ ફોટો માટે એકત્ર થયા હતા ત્યારે ઇટાલીની વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે મુલાકાત થઈ હતી. સામે આવેલા વીડિયોમાં મેલોની PM મોદીને કહેતા સંભળાય છે કે, 'તમને ફરી મળીને ખરેખર આનંદ થયો.'
આ મુલાકાત દરમિયાન સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેલા 'Melodi' ટ્રેન્ડનો પણ ઉલ્લેખ થયો હતો. PM મોદીએ ઇન્સ્ટાગ્રામ પર બંનેની લોકપ્રિયતાનો સંકેત આપતાં વાત કરી હતી. તેના જવાબમાં મેલોનીએ હળવા અંદાજમાં હસતાં કહ્યું હતું કે, 'હા, આપણે ઇન્સ્ટાગ્રામ પર સૌથી ફેમસ છીએ.'
Meloni to Modi after their viral Melodi toffee post got 10 million likes on Instagram
— MOSCOW NEWS 🇷🇺 (@MOSCOW_EN) June 16, 2026
"Nice to see you again. We are the most famous on Instagram." pic.twitter.com/NHxLQPtMAu
MELODI ટ્રેન્ડ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં
PM નરેન્દ્ર મોદી અને ઇટાલીની વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીના નામના સંયોજનથી બનેલો 'MELODI' શબ્દ છેલ્લા કેટલાક વર્ષોથી સોશિયલ મીડિયા પર ખાસ ઓળખ મેળવી ચૂક્યો છે. ખાસ કરીને બંને નેતાઓની મુલાકાતો દરમિયાન આ ટ્રેન્ડ ફરીથી ચર્ચામાં આવી જાય છે.
આ ટ્રેન્ડની શરૂઆત 2023માં દુબઈમાં યોજાયેલી COP28 સમિટ દરમિયાન થઈ હતી. તે સમયે મેલોનીએ PM મોદી સાથે લીધેલી એક સેલ્ફી સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને કેપ્શનમાં લખ્યું હતું, 'COP28માં સારા મિત્ર #Melodi.' તેમની આ પોસ્ટ બાદ #Melodi હેશટેગ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો.
ત્યારબાદ G7 સમિટ સહિત વિવિધ આંતરરાષ્ટ્રીય મંચો અને દ્વિપક્ષીય બેઠકોમાં જ્યારે પણ મોદી અને મેલોનીની મુલાકાત થઈ છે, ત્યારે #Melodi ફરી ટ્રેન્ડ થતો જોવા મળ્યો છે. બંને નેતાઓ વચ્ચેની મિત્રતાભરી કેમિસ્ટ્રીને લઈને સોશિયલ મીડિયા યુઝર્સ સતત રસ દાખવતા રહ્યા છે.
PM મોદીની 'Melody' ટોફી ગિફ્ટ પણ બની હતી ચર્ચાનો વિષય
ગત મહિને રોમમાં યોજાયેલી મુલાકાત દરમિયાન PM નરેન્દ્ર મોદીએ ઇટાલીની વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને 'Melody' ટોફીનું એક પેકેટ ભેટ સ્વરૂપે આપ્યું હતું. આ અનોખી ભેટને લઈને બંને નેતાઓ વચ્ચેની હળવી પળોનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો.
વીડિયોમાં મેલોની હસતાં કહેતા જોવા મળ્યા હતા કે, 'પ્રધાનમંત્રી મોદી અમારા માટે ખાસ ગિફ્ટ લઈને આવ્યા છે… આ ખૂબ જ સ્વાદિષ્ટ ટોફી છે.' 'Melody' અને 'Melodi' શબ્દોની સમાનતાને કારણે આ ઘટનાએ સોશિયલ મીડિયા યુઝર્સનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું.
આ વીડિયો શેર થતાં જ ઇન્ટરનેટ પર ધૂમ મચી ગઈ હતી. પોસ્ટ થયાના થોડા જ કલાકોમાં તેને કરોડો લોકો સુધી પહોંચ મળી હતી. હાલ આ વીડિયોને લાખો નહીં પરંતુ કરોડો વ્યૂઝ અને 13 મિલિયનથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે.
