G-7 સમિટમાં પીએમ મોદીની ગર્જના: ભારતીયોના જીવ ગયા… નાવિકોની સુરક્ષા આપણી સામૂહિક જવાબદારી, ટ્રમ્પની બાજુમાં બેસીને આપ્યો કડક સંદેશ!

G-7 સમિટમાં પીએમ મોદીએ ટ્રમ્પની હાજરીમાં વૈશ્વિક સંકટો અને હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીય નાવિકોના મોત પર ઊંડી ચિંતા વ્યક્ત કરી નાવિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા આહવાન કર્યું છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 17 Jun 2026 02:42 AM (IST)Updated: Wed, 17 Jun 2026 02:42 AM (IST)
pm-modis-roar-at-the-g-7-summit-indian-lives-lost-the-safety-of-sailors-is-our-collective-responsibility-gave-a-strong-message-while-sitting-next-to-trump

સમગ્ર વિશ્વ જ્યારે અત્યારે ભયાનક ભૂ-રાજકીય તણાવ, વ્યાપારિક વિવાદો અને ગંભીર ઊર્જા સંકટના દોરમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય સ્તરે એક નવો કૂટનીતિક દ્રષ્ટિકોણ રજૂ કર્યો છે. ફ્રાન્સના એવિયન ખાતે આયોજિત G-7 શિખર સંમેલનમાં પીએમ મોદીએ વૈશ્વિક મંચ પરથી તૂટી રહેલા પરસ્પર વિશ્વાસને ફરીથી સ્થાપિત કરવા માટે હાકલ કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે- આજે વિશ્વ સંસાધનોની અછતથી નહીં, પરંતુ પરસ્પર વિશ્વાસની કમીથી પીડાઈ રહ્યું છે.

G-7 શિખર સંમેલનમાં ‘નવી ભાગીદારીનું નિર્માણ અને આંતરરાષ્ટ્રીય એકતાની પુનઃસ્થાપના’ વિષય પર આધારિત વિશેષ સત્રને સંબોધિત કરતી વખતે વડાપ્રધાને ભારતના સનાતન સિદ્ધાંત 'સર્વજન હિતાય અને સર્વજન સુખાય' નો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભારપૂર્વક કહ્યું કે ભવિષ્યની તમામ વૈશ્વિક વ્યવસ્થાઓ અને ભાગીદારીઓ માત્ર અને માત્ર પરસ્પર ભરોસા પર જ ટકી શકે છે.

ટ્રમ્પની હાજરીમાં પીએમ મોદીનું મોટું નિવેદન

આ સત્ર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની બાજુમાં બેઠા હતા. આ વૈશ્વિક નેતાઓની ઉપસ્થિતિ વચ્ચે પીએમ મોદીએ ટેક્નોલોજી અને સપ્લાય ચેઈનના દુરુપયોગ અંગે આડકતરો પ્રહાર કર્યો હતો.

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે- આજે દુનિયાની સૌથી કિંમતી સંપત્તિ કોઈ ખનીજ, નવી ટેક્નોલોજી કે મોટું બજાર નથી; પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત પરસ્પર વિશ્વાસ છે. એવો વિશ્વાસ કે જે ટેક્નોલોજી અને સપ્લાય ચેઈનને કોઈ દેશ વિરુદ્ધ હથિયાર બનાવવાના બદલે સમગ્ર માનવજાતના કલ્યાણ માટે વાપરવાની પ્રેરણા આપે. વિકાસની તકો માત્ર ગણતરીના દેશો પૂરતી સીમિત ન રહેવી જોઈએ અને વૈશ્વિક સંસ્થાઓએ તમામ દેશોની આકાંક્ષાઓને માન આપવું પડશે.

વડાપ્રધાને ઉમેર્યું કે આજનું વિશ્વ પહેલાં કરતાં ઘણું વધારે એકબીજા સાથે જોડાયેલું છે. કોઈ એક દેશની ઊર્જા સુરક્ષા, ખાદ્ય સુરક્ષા, આરોગ્ય, સાયબર સુરક્ષા કે આર્થિક સમૃદ્ધિ હવે માત્ર તેની ભૌગોલિક સરહદો પૂરતી મર્યાદિત નથી રહી. લોકોની અવરજવર, ડેટા ટ્રાન્સફર, વૈશ્વિક મૂડી અને અધ્યતન ટેક્નોલોજી આપણને એક તાંતણે બાંધે છે, તેથી આવી ભાગીદારીઓમાં અવિશ્વાસને કોઈ સ્થાન ન હોઈ શકે.

'વસુધૈવ કુટુંબકમ' અને વૈશ્વિક સંસ્થાઓની નિષ્ફળતાનો ઉલ્લેખ

કૂટનીતિક નિષ્ણાતોના મતે, ભારતીય વડાપ્રધાન દ્વારા વૈશ્વિક મંચ પર આ પ્રકારે 'વિશ્વાસ' અને 'ભરોસા'ને આટલું મોટું મહત્વ આપવામાં આવ્યું હોય તેવી આ દાયકાઓની પ્રથમ ઘટના છે. પીએમ મોદીએ પશ્ચિમ એશિયાના વિવાદનું ઉદાહરણ આપતાં સમજાવ્યું કે કેવી રીતે માત્ર બે-ત્રણ દેશોના આંતરિક સંઘર્ષના કારણે આખી દુનિયામાં ઊર્જા અને ફર્ટિલાઈઝરનું ભારે સંકટ ઊભું થઈ ગયું છે.

ગઈ સદીના બે વિશ્વયુદ્ધોની યાદ અપાવતા તેમણે કહ્યું કે તે વિનાશ પછી વૈશ્વિક શાંતિ માટે જે વ્યવસ્થાઓ ઊભી કરાઈ હતી, તેનો પાયો ભરોસો હતો, જે હવે ધૂંધળો થઈ રહ્યો છે. તેમણે ટાંક્યું કે- કોવિડ-19 મહામારીએ વૈશ્વિક એકતા અને પરસ્પર વિશ્વાસના તમામ મોટા દાવાઓની પોકળતા સાબિત કરી દીધી છે. આ સંદર્ભમાં તેમણે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગનના પ્રખ્યાત કથનનો હવાલો આપતા કહ્યું- વિશ્વાસ કરો, પરંતુ તેની સત્યતા પણ તપાસી લો.

ભારતની વિદેશ નીતિનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે ભારતનું વિઝન હંમેશાં 'વસુધૈવ કુટુંબકમ' પર આધારિત રહ્યું છે. ભાગીદારીની સાચી કસોટી એ નથી કે આપણે બીજા માટે શું બનાવીએ છીએ, પરંતુ એ છે કે આપણે અન્ય દેશોને સ્વનિર્ભર બનવામાં કેટલી મદદ કરીએ છીએ.

ગ્લોબલ સાઉથ હવે સમાન ભાગીદાર

વડાપ્રધાન મોદીએ આ આંતરરાષ્ટ્રીય મંચ પરથી 'ગ્લોબલ સાઉથ'નો અવાજ બુલંદ કર્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે ગ્લોબલ સાઉથના દેશો હવે માત્ર દાતા અને મેળવનારના જૂના સંબંધોમાંથી બહાર આવવા માંગે છે. હવે તેઓ વૈશ્વિક નિર્ણયોમાં સમાન ભાગીદાર તરીકે જોડાવા ઈચ્છે છે. કોઈપણ આંતરરાષ્ટ્રીય ભાગીદારીને નિર્ભરતાના બદલે પરસ્પર સન્માન સાથે જોડવી પડશે.

હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીયોના મોત પર પીએમ મોદીની કડક ટિપ્પણી

અહેવાલના સૌથી મહત્વપૂર્ણ અંશમાં પીએમ મોદીએ પશ્ચિમ એશિયામાં શાંતિના પ્રયાસોને આવકાર્યા હતા, પરંતુ સાથે જ હોર્મુઝ સ્ટ્રેટમાં દરિયાઈ વેપાર પર થઈ રહેલા હુમલા અને તેના કારણે ભારતીય નાવિકોના થયેલા મોત પર ઘેરા શોકની સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

તાજેતરમાં જ ઓમાનની ખાડીમાં અમેરિકી સેના દ્વારા કરવામાં આવેલા એક હુમલામાં ત્રણ ભારતીય નાવિકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાના સીધા સંદર્ભમાં પીએમ મોદીએ જણાવ્યું કે- હોર્મુઝ સ્ટ્રેટમાં દરિયાઈ વેપાર અવરોધાવાને કારણે વૈશ્વિક અર્થતંત્રને ભારે નુકસાન થયું છે અને ભારતના કેટલાય નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવવો પડ્યો છે. વિશ્વભરના દેશોને દરિયાઈ માર્ગે જોડતા નાવિકોની સુરક્ષા કરવી એ આપણું સામૂહિક દાયિત્વ છે. આપણે સૌએ સાથે મળીને એ સુનિશ્ચિત કરવું પડશે કે વૈશ્વિક દરિયાઈ માર્ગો સુરક્ષિત રહે અને નાવિકો કોઈ પણ પ્રકારના ભય વગર પોતાની ફરજ બજાવી શકે.

G-7 નેતાઓ સાથે મુલાકાત

નોંધનીય છે કે ભારતને G-7 શિખર સંમેલનમાં એક સન્માનિત મહેમાન દેશ તરીકે આમંત્રિત કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત સાતમી વખત આ પ્રતિષ્ઠિત સમિટમાં ભાગ લઈ રહ્યા છે. શિખર સંમેલનની પરંપરાગત 'ફેમિલી ફોટો' દરમિયાન પીએમ મોદી વિશ્વના ટોચના નેતાઓ સાથે આત્મીયતાથી વાતચીત કરતા જોવા મળ્યા હતા.

આ મુલાકાતો અંગે વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' (X) પર તસવીરો શેર કરતા લખ્યું- આજે બપોરે એવિયનમાં G-7 શિખર સંમેલનની કાર્યવાહી શરૂ થતાં પહેલાં… G-7 નેતાઓ સાથે વિચારોનું આદાન-પ્રદાન કરવું હંમેશાં માહિતીપ્રદ અને સકારાત્મક હોય છે. આપણે વિશ્વમાં ખુશહાલી, ટકાઉ વિકાસ (Sustainability) અને માનવ કલ્યાણને આગળ ધપાવવા માટે સાથે મળીને કામ કરતા રહીશું.