ઈરાન-અમેરિકા શાંતિ સમજૂતી પર સંકટ? ખાડી દેશોને ઈરાનની સંપત્તિ સોંપવાની વિચારણામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ

અમેરિકાએ ખાડી દેશોને થયેલા નુકસાનની કિંમતનું આકલન કરવા ટીમને નિર્દેશ આપ્યો છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 07 Jun 2026 01:17 PM (IST)Updated: Sun, 07 Jun 2026 01:17 PM (IST)
us-iran-conflict-president-trump-consider-giving-iran-frozen-assets-to-gulf-countries

Iran-US peace agreement: મધ્ય પૂર્વમાં વધી રહેલા સૈન્ય તણાવ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચે અપ્રત્યક્ષ વાતચીતમાં કોઈ ખાસ પ્રગતિ થઈ શકી નથી. ઈરાન દ્વારા કુવૈત અને બહેરીન પર કરવામાં આવેલા હુમલાથી થયેલા નુકસાનની ભરપાઈ અને પુનર્નિર્માણ માટે અમેરિકી પ્રશાસન ઈરાનની જપ્ત કરેલી સંપત્તિને ખાડી દેશોને સોંપવા અંગે વિચારણા કરી રહ્યું છે.

ખાડી દેશોને સોંપવામાં આવશે ઈરાનની સંપત્તિ?

અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે અમેરિકાના સાથી ખાડી દેશોને થયેલા નુકસાનની કિંમતનું આકલન કરવા માટે એક ટીમને ખાસ નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત, ભવિષ્યમાં આ સંઘર્ષને કારણે થનારા કોઇ પણ વિનાશના રિપેરિંગ માટે પણ વોશિંગ્ટન ઈરાની સંપત્તિના ઉપયોગ પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે.

$24 બિલિયનની ફ્રીઝ સંપત્તિ પર અટક્યો કરાર

ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ મોજતબા ખામેનેઈના સૈન્ય સલાહકાર મોહસિન રેઝાઈએ સ્પષ્ટતા કરી છે કે તેહરાન અને વોશિંગ્ટન વચ્ચેનો સંભવિત શાંતિ કરાર અમેરિકા દ્વારા ફ્રીઝ કરવામાં આવેલી 24 બિલિયન ડોલરની ઈરાની સંપત્તિની મુક્તિ પર નિર્ભર છે. આ રકમની મુક્તિને વિશ્વાસની અહેમ કસોટી અને વ્યાપક સમજૂતી તરફનું જરૂરી પગલું ગણાવ્યું.

સૈન્ય તણાવ અને સામસામી જવાબી કાર્યવાહી

અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, સમુદ્રી યાતાયાત માટે ખતરો બનેલા ડ્રોનને રોક્યા બાદ અમેરિકી દળોએ શનિવારે વહેલી સવારે હોર્મુઝમાં ગોરુક અને કેશમ દ્વીપ પર ઈરાની તટીય રડાર કેન્દ્રો પર હુમલો કર્યો અને બે ઈરાની ડ્રોન તોડી પાડ્યા હતા.

જવાબમાં, ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે કુવૈત અને બહેરીનમાં અમેરિકન સૈન્ય ઠેકાણા તરફ બેલેસ્ટિક મિસાઈલ છોડી હતી. બહેરીનમાં સાયરન વાગતા લોકોને સુરક્ષિત સ્થળોએ આશરો લેવાની સલાહ અપાઈ હતી.

કુવૈતમાં 7 મિસાઈલો રહેણાંક વિસ્તાર પરથી પસાર થઈ હતી, જેમાં સંપત્તિને નુકસાન થયું હતું. અમેરિકન સેનાના મતે તેમણે 6 મિસાઈલો હવામાં જ નષ્ટ કરી દીધી હતી. જ્યારે ઈરાની મીડિયાએ અમેરિકી ઠેકાણાઓને નિશાન બનાવ્યાનો દાવો કર્યો છે.

ઈરાનની માંગ અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર દબાણ

ઈરાન પોતાની ઓઇલ આવકના અબજો ડોલર સુધી પહોંચ, ક્રૂડ ઓઇલની નિકાસ પરના પ્રતિબંધોમાંથી રાહત, બંદરો પરની પાબંદી હટાવવા અને હોર્મુઝ જળડમરુમધ્ય પર વધુ નિયંત્રણની માંગ કરી રહ્યું છે. આ દરમિયાન મધ્યસ્થીના ભાગરૂપે પાકિસ્તાનના મંત્રી મોહસિન નકવી વડાપ્રધાન અને સેના પ્રમુખનો 'ખાસ પત્ર' લઈને તેહરાન પહોંચ્યા છે.

બીજી તરફ, ઈંધણના વધતા ભાવો અને આર્થિક અડચણોને કારણે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ઘરેલું આલોચના અને દબાણ વધી રહ્યું છે. જોકે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકી ઓપરેશનોએ ઈરાનની મિસાઈલ અને ડ્રોન ક્ષમતા ઘટાડી છે અને હવે તેમની પાસે માત્ર 21 ટકાથી 22 ટકા જેટલો જ હથિયારોનો જથ્થો બચ્યો છે.

લેબેનોનમાં તણાવ શાંતિ પ્રયાસોમાં અડચણરૂપ

ઈરાને વોશિંગ્ટન સાથેના કોઈપણ કરારને લેબેનોનમાં ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચેના યુદ્ધવિરામ સાથે જોડી દીધો છે, પરંતુ ઈઝરાયેલે સ્પષ્ટ કર્યું છે કે તેનું સૈન્ય અભિયાન ચાલુ રહેશે. દક્ષિણ લેબનોનમાં થયેલા તાજેતરના ઈઝરાયેલી હુમલામાં બે સૈન્ય અધિકારીઓ અને એક સૈનિકનું મોત થયું છે, જેણે આ શાંતિ પ્રયાસોને વધુ ગૂંચવી દીધા છે.