Homemade paper soap: મુસાફરી દરમિયાન સ્વચ્છતા જાળવવી એ હંમેશાં એક મોટો પડકાર હોય છે. ખાસ કરીને લાંબી મુસાફરીમાં જાહેર શૌચાલયો, હાઇવે પરના ઢાબા અથવા ટ્રેનોમાં સાબુની સુવિધા હોતી નથી, અને જો હોય તો પણ તે એટલી અસ્વચ્છ હોય છે કે તેને અડવાનું મન થતું નથી. લિક્વિડ હેન્ડવોશ કે આખો સાબુ સાથે રાખવો પણ ઝંઝટભર્યું અને લીકેજ થવાના ડર વાળું કામ છે. આ સમસ્યાનો સૌથી બેસ્ટ અને સસ્તો ઇલાજ છે પેપર હેન્ડવોશ.
બજારમાં મળતા પેપર સાબુ મોંઘા હોય છે અને જલ્દી પૂરા થઈ જાય છે. પરંતુ શું તમે જાણો છો કે તમે માત્ર ₹1 ના ખર્ચમાં ઘરે જ પુષ્કળ માત્રામાં સુગંધિત અને ફીણ આપતો પેપર હેન્ડવોશ બનાવી શકો છો? આ પેપર સાબુ બજેટ-ફ્રેંડલી હોવાની સાથે એટલો કોમ્પેક્ટ છે કે તમે તેને તમારા પાકીટ કે ખિસ્સામાં ગમે ત્યાં સરળતાથી લઈ જઈ શકો છો.
જરૂરી સામગ્રી
- શેમ્પૂ:1
- કાગળ અથવા ટીશ્યુ પેપર: ૧ નંગ
- બ્રશ: ૧ નંગ (શેમ્પૂ ફેલાવવા માટે)
- કાતર: ૧ (કાગળ કાપવા માટે)
પેપર સાબુ બનાવવાની સરળ પદ્ધતિ
- સૌથી પહેલાં કાગળની એક ચોખ્ખી શીટ લો અને તેને સપાટ સપાટી પર ફેલાવો. જો તમારી પાસે સાદો કાગળ ન હોય, તો તમે પાતળા ટીશ્યુ પેપરનો ઉપયોગ પણ કરી શકો છો.
- હવે ₹1 વાળું શેમ્પૂ લો અને તેની અંદરનું લિક્વિડ કાગળ પર રેડો.
- પછી બ્રશની મદદથી આ શેમ્પૂને કાગળની આખી સપાટી પર એકસરખું ફેલાવી દો. ધ્યાન રાખો કે કાગળનો કોઈ ખૂણો બાકી ન રહી જાય.
- શેમ્પૂ સરસ રીતે લાગી ગયા પછી, આ કાગળને હવામાં અથવા થોડીવાર માટે હળવા સૂર્યપ્રકાશમાં સુકાવા દો, જેથી શેમ્પૂ કાગળ સાથે બરાબર ચોંટી જાય અને કાગળ કડક થઈ જાય.
- કાગળ સંપૂર્ણપણે સુકાઈ જાય એટલે કાતરની મદદથી તેને નાના-નાના ચોરસ અથવા તમારા મનગમતા આકારના ટુકડાઓમાં કાપી લો.
- આ નાના ટુકડાઓને એક નાની મેચબોક્સ અથવા પ્લાસ્ટિકની નાની ડબ્બીમાં ભરીને તમારી બેગ કે ખિસ્સામાં રાખી લો.
ઉપયોગ કેવી રીતે કરવો?
આ હોમમેઇડ પેપર સાબુનો ઉપયોગ કરવો અતિશય સરળ છે: જ્યારે પણ તમારે હાથ ધોવા હોય, ત્યારે સૂકા હાથે ડબ્બીમાંથી કાગળનો એક નાનો ટુકડો બહાર કાઢો. ત્યારબાદ હથેળીમાં થોડું પાણી લઈ આ કાગળને બંને હાથ વચ્ચે ઘસો. કાગળ તરત જ પાણીમાં ઓગળી જશે અને બજારના હેન્ડવોશ જેવું જ સરસ ફીણ આપશે. અંતમાં હાથને સ્વચ્છ પાણીથી ધોઈ લો.
