How Much Hair Oil Should Men and Women Use: વાળની સંભાળમાં તેલ લગાવવુંએ સદીઓ જૂની અને અત્યંત અસરકારક પદ્ધતિ છે. પરંતુ, પુરુષો હોય કે સ્ત્રીઓ, મોટાભાગના લોકો મૂંઝવણમાં હોય છે કે વાળમાં કેટલું તેલ લગાવવું જોઈએ. યોગ્ય માત્રામાં તેલ લગાવવાથી વાળ મજબૂત અને સ્વસ્થ બને છે, જ્યારે વધુ પડતું તેલ વાળને ચીકણા બનાવીને નુકસાન પહોંચાડી શકે છે. અહીં વાળની લંબાઈ અને પ્રકારના આધારે તેલના યોગ્ય પ્રમાણ અને સાચી પદ્ધતિ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે.
પુરુષો માટે તેલનું પ્રમાણ
ટૂંકા વાળ ધરાવતા પુરુષો માટે ખૂબ જ ઓછી માત્રામાં તેલ પૂરતું હોય છે. એક નાની ચમચી કરતાં પણ ઓછું તેલ વાપરવું જોઈએ. જો પુરુષોની સ્કાલ્પ પહેલેથી જ ઓઈલી હોય, તો વારંવાર તેલ લગાવવાનું ટાળવું જોઈએ. વધુ તેલથી વાળ ભારે થઈ જાય છે અને ધૂળ-ગંદકી ઝડપથી ચોંટે છે.
મહિલાઓ માટે તેલનું પ્રમાણ
મહિલાઓના વાળની લંબાઈ અને ઘનતા વધુ હોવાથી તેમને થોડા વધારે તેલની જરૂર પડે છે, પરંતુ અહીં પણ વાળના પ્રકારને ધ્યાનમાં રાખવો જરૂરી છે.જો પાતળા વાળ હોય તો ૨ થી ૩ ચમચી તેલ પૂરતું છે. જાડા અને સૂકા વાળ માટે જેમના વાળ ઘાટા અને ડ્રાય હોય, તેઓ ૪ ચમચી સુધી તેલનો ઉપયોગ કરી શકે છે. તેમજ હેલ્થલાઇન અનુસાર, સ્ત્રીઓ માટે નાળિયેર, બદામ અથવા તલનું તેલ શ્રેષ્ઠ માનવામાં આવે છે. સૂકા અને વાંકડિયા વાળવાળા લોકોને આનાથી સૌથી વધુ ફાયદો થાય છે.
તેલ લગાવવાની સાચી પદ્ધતિ અને નિયમો
તબીબી અહેવાલો અનુસાર, અઠવાડિયામાં બે વાર તેલ લગાવવું પૂરતું છે. રોજ રોજ ભારે તેલ લગાવવાને બદલે ક્યારેક હળવું તેલ નાખવું વધુ ફાયદાકારક છે. તેમજ તેલ હંમેશા માથાની ચામડી પર લગાવવું જોઈએ, નહીં કે ફક્ત વાળના તાંતણા પર. તેલ લગાવતી વખતે હંમેશા આંગળીઓના ટેરવાંનો ઉપયોગ કરીને હળવા હાથે માલિશ કરો. નખનો ઉપયોગ ક્યારેય ન કરવો. તેનાથી માથામાં રક્ત પરિભ્રમણ વધે છે અને વાળનો વિકાસ સારો થાય છે. અને તેલ લગાવ્યા પછી તેને માત્ર થોડા કલાકો માટે જ વાળમાં રાખો અને પછી સારા શેમ્પૂથી ધોઈ લો. આખી રાત ભારે તેલ રાખી મૂકવાથી છિદ્રો બંધ થઈ શકે છે.
વાળમાં તેલ કેટલું વધારે લગાવો છો તેના કરતાં તમે કઈ ટેકનિકથી અને કેટલા યોગ્ય પ્રમાણમાં લગાવો છો તે વધુ મહત્વનું છે. અતિશય તેલ લગાવવાથી બચો અને વાળને સ્વસ્થ રાખો.
