Mumbai Monsoon Delay: આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની ધીમી ગતિએ મુંબઈગરાં સહિત સમગ્ર મહારાષ્ટ્રને ચિંતામાં મૂકી દીધું છે. સામાન્ય રીતે જૂન મહિનાની શરૂઆતમાં જ મુંબઈમાં ધોધમાર વરસાદ શરૂ થઈ જતો હોય છે, પરંતુ આ વખતે આકાશમાંથી વાદળો ગાયબ છે. મુંબઈમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 11 જૂન છે, જે વીતી ગઈ હોવા છતાં હજુ સુધી ભારે વરસાદ પડ્યો નથી. શહેરમાં અત્યાર સુધી માત્ર 13 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં ઘણો ઓછો છે. જો આગામી દિવસોમાં આ જ સ્થિતિ રહી તો મુંબઈમાં છેલ્લા બે દાયકાનો સૌથી સૂકો જૂન મહિનો નોંધાવાનો ખતરો મંડરાઈ રહ્યો છે.
હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, મુંબઈમાં હવે 25 જૂન પછી જ સારો અને સાર્વત્રિક વરસાદ પડવાની શક્યતા છે.
દેશના 71% હિસ્સામાં વરસાદની ભારે અછત
ભારત હવામાન વિભાગ (IMD)ના અહેવાલ મુજબ, ચોમાસાની ગતિ નબળી પડવાને કારણે જૂન મહિનાના પ્રથમ 15 દિવસમાં દેશનો મોટો ભાગ કોરો રહ્યો છે.
- દેશનો 71 ટકા હિસ્સો હાલમાં વરસાદની તંગીનો સામનો કરી રહ્યો છે.
- જૂન મહિનામાં દેશમાં સરેરાશ 165.3 મિલીમીટર વરસાદ પડતો હોય છે.
- ચોમાસાના પ્રથમ 15 દિવસમાં 62.1 મિલીમીટર વરસાદની અપેક્ષા હતી, પરંતુ તેની સામે માત્ર 42.4 મિલીમીટર વરસાદ જ નોંધાયો છે.
- કેરળમાં ચોમાસાનું વહેલું આગમન અને ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે થયેલા વરસાદ છતાં કુલ આંકડો સામાન્ય કરતાં ઘણો પાછળ છે.
મહારાષ્ટ્રમાં ચોમાસું અટક્યું: 72% વરસાદની ઘટ
મહારાષ્ટ્રમાં પરિસ્થિતિ વધુ ચિંતાજનક છે. રાજ્યમાં જૂનના પહેલા 15 દિવસમાં માત્ર 21.3 મિલીમીટર વરસાદ થયો છે, જે સામાન્ય સ્તર કરતાં ખૂબ ઓછો છે. આ ગણતરીએ રાજ્યમાં અત્યાર સુધીમાં 72 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે.
ચોમાસાની વર્તમાન સ્થિતિ
મહારાષ્ટ્રમાં ચોમાસાએ 8 જૂને દસ્તક આપી હતી. શરૂઆતમાં રત્નાગિરીના હરનાઈથી લઈને સાતારા અને સોલાપુર સુધીના દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડ્યો હતો, પરંતુ ત્યારબાદ તેની ઝડપ સાવ મંદ પડી ગઈ હતી. વિદર્ભ અને મરાઠવાડાના ગણ્યાગાંઠ્યા વિસ્તારોને બાદ કરતાં ક્યાંય નોંધપાત્ર વરસાદ થયો નથી. ઉપલા વાતાવરણમાં સૂકા ઉત્તર-પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા હોવાથી વાદળો બંધાવામાં અવરોધ આવી રહ્યો છે, જેના લીધે ઉત્તર મહારાષ્ટ્ર અને વિદર્ભમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયો છે.
જો કે, રાહતના સમાચાર એ છે કે સોમવારે ચોમાસું ઓડિશા, ઝારખંડ અને બિહારના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે. મહારાષ્ટ્રમાં ચોમાસું અટકવાનું મુખ્ય કારણ અરબી સમુદ્ર પર સાનુકૂળ સિસ્ટમ સક્રિય ન હોવાનું છે. હવામાન વિભાગના અંદાજ મુજબ, 20 જૂનની આસપાસ અરબી સમુદ્રમાં સ્થિતિ સુધરશે, જેનાથી દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ વધશે અને સમગ્ર રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય થશે.
ક્યાં સામાન્ય વરસાદ, ક્યાં દુષ્કાળ જેવો માહોલ?
મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ જેવા કે જલગાંવ, જાલના, બીડ, ધારાશિવ, નાંદેડ, અકોલા અને અમરાવતીમાં વરસાદ સામાન્ય સ્તરે રહ્યો છે. જ્યારે બાકીના મોટાભાગના વિસ્તારો હજુ પણ સારા વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.
પુણેમાં 1958 પછી એટલે કે 68 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
પુણે શહેરમાં ચોમાસાની શરૂઆત અત્યંત નિરાશાજનક રહી છે. પુણેના શિવાજીનગર હવામાન કેન્દ્ર ખાતે જૂન મહિનાના પ્રથમ 15 દિવસમાં 0 મિલીમીટર (બિલકુલ નહીં) વરસાદ નોંધાયો છે. વર્ષ 1958 પછી એટલે કે છેલ્લા 68 વર્ષમાં પહેલીવાર જૂન મહિનામાં આવી સૂકી સ્થિતિ જોવા મળી છે.
IMDના 1901થી અત્યાર સુધીના ઐતિહાસિક રેકોર્ડ પર નજર કરીએ તો, આ પ્રકારની લાંબી સૂકી અવધિ અગાઉ માત્ર વર્ષ 1915 અને 1932માં જોવા મળી હતી. જો કે, તે વર્ષોમાં જૂનના ઉત્તરાર્ધમાં સારો વરસાદ થયો હતો (1915માં 362 મીમી, 1932માં 79 મીમી અને 1958માં 65 મીમી વરસાદ નોંધાયો હતો).
