Ram Mandir Donation Scam: અયોધ્યામાં રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો ધડાકો, SIT એ ધામા નાખતા ખળભળાટ

સૂત્રોના જણાવ્યા અનુસાર, દાન ચોરીનો આ ખેલ લાંબા સમયથી ચાલી રહ્યો હતો. આ વિવાદ ત્યારે બહાર આવ્યો જ્યારે મંદિર વ્યવસ્થાપનમાં વર્ચસ્વની લડાઈ શરૂ થઈ.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Tue, 16 Jun 2026 12:09 PM (IST)Updated: Tue, 16 Jun 2026 12:09 PM (IST)
ram-mandir-donation-scam-sit-investigation-ayodhya-corruption-exposed

Ram Mandir Donation Scam Ayodhya: અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા અર્પણ કરવામાં આવતા દાનની રકમમાં થયેલી મોટી ચોરીનો મામલો અત્યારે સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ ગંભીર ઘટનાની તપાસ માટે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રચવામાં આવેલી વિશેષ તપાસ ટીમ (SIT) એ અયોધ્યા પહોંચીને પોતાની કાર્યવાહી તેજ કરી દીધી છે. લાખો-કરોડો રૂપિયાના ગબન અને શંકાસ્પદ કર્મચારીઓની ધરપકડ બાદ આ મામલે રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે.

SIT એ અયોધ્યામાં ધામા નાખ્યા

લખનૌ મંડળના કમિશનર વિજય વિશ્વાસ પંતની અધ્યક્ષતામાં બનેલી 3 સભ્યોની SIT એ રામ જન્મભૂમિ પરિસરની મુલાકાત લીધી હતી. આ ટીમમાં આઈજી કિરણ એસ. અને નાણાં વિભાગના વિશેષ સચિવ નીલરતન કુમારનો પણ સમાવેશ થાય છે. ટીમે ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને વ્યવસ્થાપક ગોપાલ રાવ સાથે લગભગ 2 કલાક સુધી બેઠક કરી હતી. આ દરમિયાન દાનપેટીઓ ખોલવાની પ્રક્રિયા, રોકડની ગણતરીમાં રોકાયેલા કર્મચારીઓની સંખ્યા, સીસીટીવી કેમેરાની સુરક્ષા અને બેંકમાં નાણાં જમા કરાવવાની પદ્ધતિ વિશે ઝીણવટભરી જાણકારી લેવામાં આવી હતી.

વર્ચસ્વની લડાઈમાં ફૂટ્યો ભ્રષ્ટાચારનો ભાંડો

સૂત્રોના જણાવ્યા અનુસાર, દાન ચોરીનો આ ખેલ લાંબા સમયથી ચાલી રહ્યો હતો. આ વિવાદ ત્યારે બહાર આવ્યો જ્યારે મંદિર વ્યવસ્થાપનમાં વર્ચસ્વની લડાઈ શરૂ થઈ. ટ્રસ્ટના એક પદાધિકારીના પૂર્વ ડ્રાઈવર રામશંકર યાદવ ઉર્ફે ‘ટિન્નુ’ નો દબદબો એટલો વધી ગયો હતો કે તે મંદિરના વ્યવસ્થાપનમાં પણ દખલ કરવા લાગ્યો હતો. આ દખલગીરીથી નારાજ એક જૂથે માહિતી એકઠી કરી અને 5 June ના રોજ એક કર્મચારીની તલાશી લેવડાવી, જેની પાસેથી રોકડ મળી આવી હતી. ત્યારબાદ તપાસ કરતા બાથરૂમમાંથી પણ મોટી માત્રામાં રોકડ જપ્ત કરવામાં આવી હતી.

કર્મચારીઓની અઢળક સંપત્તિએ વધારી શંકા

તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે સામાન્ય પગાર મેળવતા કર્મચારીઓ ટૂંકા ગાળામાં જ અત્યંત સમૃદ્ધ બની ગયા હતા. ટ્રસ્ટના કર્મચારી લવકુશને પકડવામાં આવ્યો છે, જેણે તાજેતરમાં જ 40 લાખ રૂપિયાનો પ્લોટ ખરીદ્યો હતો. આ ઉપરાંત, ગર્ભગૃહમાં સેવા આપતા એક કર્મચારીએ 1.5 કરોડ રૂપિયાની જમીન ખરીદી હોવાનું બહાર આવ્યું છે. આ કર્મચારીઓનો માસિક પગાર માત્ર 18,000 થી 20,000 રૂપિયા હોવા છતાં તેમની પાસે આટલી મોટી મિલકત ક્યાંથી આવી, તે SIT ની તપાસનો મુખ્ય વિષય છે.

સીબીઆઈ તપાસની માંગ અને ટ્રસ્ટનું વલણ

સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે આ મામલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા બાદ આ પ્રકરણ દેશભરમાં ગાજ્યું છે. વિપક્ષ અને કેટલાક ભાજપના નેતાઓએ પણ આ કેસની તપાસ સીબીઆઈ (CBI) અથવા ઈડી (ED) દ્વારા કરાવવાની માંગ કરી છે. બીજી તરફ, રામ મંદિર ટ્રસ્ટે આ ઘટનાને શ્રદ્ધાળુઓની આસ્થા પર પ્રહાર અને છબી ખરડવાનું કાવતરું ગણાવ્યું છે. SIT એ 7 દિવસમાં પ્રાથમિક રિપોર્ટ અને 15 દિવસમાં વિગતવાર રિપોર્ટ સરકારને સોંપવાનો રહેશે. હાલમાં SIT દ્વારા સીસીટીવી ફૂટેજ અને શંકાસ્પદ કર્મચારીઓની ઊંડી પૂછપરછ કરવામાં આવી રહી છે.